Bhagavad Gita: Chapter 18, Verse 76

રાજન્સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમદ્ભુતમ્ ।
કેશવાર્જુનયોઃ પુણ્યં હૃષ્યામિ ચ મુહુર્મુહુઃ ॥ ૭૬॥

રાજન્—રાજા; સંસ્મૃત્ય સંસ્મૃત્ય—પુન: પુન: સ્મરણ કરીને; સંવાદમ્—સંવાદ; ઈમમ્—આ; અદ્ભુતમ્—અદ્ભુત; કેશવ-અર્જુનયો:—શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે; પુણ્યમ્—પુણ્ય; હૃષ્યામિ—હું હર્ષિત થાઉં છું; ચ—અને; મુહુ: મુહુ:—વારંવાર.

Translation

BG 18.76: હે રાજા, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું, તેમ તેમ હું પુન: પુન: હર્ષવિભોર થઈ જાઉં છું.

Commentary

આધ્યાત્મિક અનુભવ જે આનંદ પ્રદાન કરે છે, તે એકસાથે સર્વ માયિક સુખોથી પ્રાપ્ત થતા સુખની તુલનામાં અધિક રોમાંચક અને તુષ્ટિકારક હોય છે. સંજય આવા આનંદથી વિભોર થાય છે અને અંધ ધૃતરાષ્ટ્રને તેના અનુભવ જણાવે છે. આ અદ્ભુત સંવાદનું મનન અને સ્મરણ કરીને તે દિવ્યાનંદનો અનુભવ કરી રહ્યા છે. આ શાસ્ત્રોમાં નિહિત જ્ઞાનની ઉદાત્તતા અને લીલાઓની દિવ્યતાનું સૂચન કરે છે, જેના સંજય સાક્ષી હતા.