Bhagavad Gita: Chapter 2, Verse 56

દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ ।
વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે ॥ ૫૬॥

દુ:ખેષુ—દુ:ખોમાં; અનુદ્વિગ્ન-મન:—મનમાં ઉદ્વેગ પામ્યા વિના; સુખેષુ—સુખોમાં; વિગત-સ્પૃહ:—સ્પૃહા રહિત થઈને; વીત—થી મુક્ત; રાગ—આસક્તિ; ભય—ભય; ક્રોધ:—ક્રોધ; સ્થિત-ધી:—પ્રબુદ્ધ મનવાળો; મુનિ:—સાધુ; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 2.56: જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી, જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે.

Commentary

આ શ્લોકમાં શ્રી કૃષ્ણ જ્ઞાનમાં સ્થિર પુરુષોનું આ પ્રમાણે વર્ણન કરે છે:

૧) વીત રાગ—તેઓ સુખની લાલસાનો ત્યાગ કરે છે, ૨) વીત ભય—તેઓ ભયથી મુક્ત રહે છે, ૩) વીત ક્રોઘ—તેઓ ક્રોધથી રહિત હોય છે.

પ્રબુદ્ધ મનુષ્ય વાસના, ક્રોધ, લોભ, ઈર્ષ્યા વગેરે જેવા માયિક દોષોનો મનમાં સંગ્રહ થવા દેતા નથી. ત્યારે જ તેઓનું મન ગુણાતીતતામાં સ્થિર થઈ શકે છે અને દિવ્યતામાં સ્થિત થઈ શકે છે. જો કોઈ પોતાના મનને દુ:ખોનું જ મનન કરવાની અનુમતિ આપી દે તો દિવ્યતાનું ચિંતન અટકી જાય છે અને મન ગુણાતીત કક્ષાએથી પતન તરફ ઘસડાઈ જાય છે. યાતનાઓ પણ આ જ રીતે અસર કરે છે. પ્રવર્તમાન પીડાઓ કરતાં ભૂતકાળના સંસ્મરણો અને ભવિષ્યની કલ્પિત પીડાઓની આશંકાઓ મનને અધિક સંતાપ આપે છે. પરંતુ જયારે મન આ બંનેને છોડી દે છે અને વર્તમાન સંવેદનાઓને સહજતાથી સમજવા મથે છે, તો પીડાનું કદ આશ્ચર્યજનક રીતે સંકુચિત થઈને નિયંત્રણ (સહનશીલતાની સીમા)માં આવી જાય છે. એ સર્વવિદિત છે કે ઐતિહાસિક બૌદ્ધ સાધુઓ આક્રમણકારી સમ્રાટોના ત્રાસને સહન કરવા આ પદ્ધતિ અપનાવતા હતા.

એ જ પ્રમાણે, જો મન બાહ્ય સુખોને ઝંખે છે તો તે વિષયભોગના પદાર્થો તરફ દોડે છે અને પુન: દિવ્ય ચિંતનમાંથી વિમુખ થઈ જાય છે. તેથી જ્ઞાનમાં સ્થિર મુનિ એ છે જે મનને સુખ માટે લાલસાયુક્ત અને દુઃખ માટે શોકયુક્ત થવા દેતા નથી. તદુપરાંત, આ પ્રકારના સાધુઓ, મનને ભય અને ક્રોધના દબાણને વશીભૂત થવાની અનુમતિ આપતા નથી. આ માર્ગે, મન દિવ્ય કક્ષામાં સ્થિત રહે છે.