યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ॥ ૬૯॥
યા—જે; નિશા—રાત્રિ; સર્વ—ભૂતાનામ્—સર્વ જીવોની; તસ્યામ્—તેમાં; જાગર્તિ—જાગતો રહે છે; સંયમી—આત્મસંયમી; યસ્યામ્—જેમાં; જાગ્રતિ—જાગતા હોય છે; ભૂતાનિ—જીવો; સા—તે; નિશા—રાત્રિ; પશ્યત:—જોવું; મુને:—મુનિ માટે.
Translation
BG 2.69: જેને સર્વ જીવો દિવસ માને છે, તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વ જીવો રાત્રિ તરીકે જોવે છે, તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે.
Commentary
અહીં શ્રી કૃષ્ણે દિવસ અને રાત્રિ શબ્દોનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે કર્યો છે. ઘણીવાર લોકો આ શ્લોકને શબ્દશ: લઈને તેના અર્થ અંગે ગૂંચવાઈ જાય છે. એકવાર એક ખડેશ્રી બાબા (સતત ઊભા રહેતા તપસ્વી) હતા જેના શિષ્યો એવો દાવો કરતા હતા કે, તેઓ ખૂબ મહાન સંત હતા. છેલ્લાં પાંત્રીસ વર્ષોથી તેઓ સૂતા ન હતા. તેઓ તેમના ઓરડામાં લટકતા દોરડા ઉપર કાખ રાખીને ઊભા રહેતા હતા. તેઓ દોરડાનો ઉપયોગ તેમની ઊભી અવસ્થામાં સહાય મેળવવા કરતા હતા. જયારે તેમને પૂછવામાં આવ્યું કે આવી વિનાશકારી તપસ્યાનું પ્રયોજન શું છે, તો તેમણે ભગવદ્ ગીતાનો આ શ્લોક ટાંકતા કહ્યું, “જેને સર્વ જીવો રાત્રિ તરીકે જોવે છે, તેને પ્રબુદ્ધ સાધુ દિવસ તરીકે જોવે છે.” તેથી તેનો અભ્યાસ કરવા તેમણે રાત્રે નિદ્રાનો ત્યાગ કરી દીધો હતો. શ્લોકનો કેવો અનર્થ! આમ સતત ઊભા રહેવાથી તેમના પગ અને પંજા ઉપર સોજા આવી ગયા હતા, જેને પરિણામે તેઓ કેવળ ઊભા રહેવા સિવાય કશું જ કરી શકતા ન હતા.
ચાલો, આપણે શ્રી કૃષ્ણના ઉપદેશનો સાચો અર્થ સમજીએ. જેઓ માયિક ચેતનામાં લિપ્ત છે તેઓ સાંસારિક સુખોને જ જીવનનો વાસ્તવિક આશય માને છે. તેઓ સાંસારિક સુખના અવસરોને જીવનની સફળતા અથવા તો ‘દિવસ’ માને છે અને ઇન્દ્રિયજન્ય સુખોની વંચિતતાને અંધકાર અથવા તો ‘રાત્રિ’ માને છે. બીજી બાજુ, જેઓ દિવ્યજ્ઞાનથી યુક્ત છે તેવા જ્ઞાનીઓ, ઇન્દ્રિયના વિષયભોગને આત્મા માટે હાનિકારક માને છે, તેથી તેને ‘રાત્રિ’ તરીકે જોવે છે. તેઓ ઇન્દ્રિયના વિષયભોગ પ્રત્યેની વિરક્તિને આત્માનો ઉત્કર્ષ માને છે અને તેથી તેને ‘દિવસ’ તરીકે જોવે છે. આ શબ્દોના સૂચિતાર્થનો ઉપયોગ કરીને શ્રી કૃષ્ણ કહે છે કે જે મુનિ માટે રાત્રિ છે તે માયિક મનનાં લોકો માટે દિવસ છે અને જે મુનિ માટે દિવસ છે તે માયિક મનનાં લોકો માટે રાત્રિ છે.