Bhagavad Gita: Chapter 2, Verse 8

ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્
યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ ।
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં
રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ ॥ ૮॥

ન—નહી; હિ—નિશ્ચિત; પ્રપશ્યામિ—હું જોઉં છું; મમ—મારો; અપનુદ્યાત્—દૂર કરી શકે છે; યત્—જે; શોકમ્—શોક; ઉચ્છોષણમ્—સૂકવી નાખતો; ઇન્દ્રિયાણામ્—ઇન્દ્રિયોનો; અવાપ્ય—પ્રાપ્ત કરીને; ભૂમૌ—પૃથ્વી પર; અસપત્નમ્—શત્રુરહિત; ઋદ્ધમ્—સમૃદ્ધ; રાજ્યમ્—રાજ્ય; સુરાણામ્—દેવોનું; અપિ—પણ; ચ—અને; આધિપત્યમ્—સાર્વભૌમ સત્તા.

Translation

BG 2.8: મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુરહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્યયુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં, તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ.

Commentary

જયારે આપણે દુ:ખમાં ડૂબેલા હોઈએ છીએ, ત્યારે બુદ્ધિ તે દુ:ખના કારણોનું વિશ્લેષણ કરવા લાગે છે અને જયારે તે આગળ વિચારવા માટે અસમર્થ થઇ જાય છે, ત્યારે નિરાશા ઉત્પન્ન થાય છે. કારણ કે, અર્જુનની સમસ્યાઓ તેની દોષયુક્ત બૌદ્ધિક ક્ષમતાથી અધિક છે, તેનું માયિક જ્ઞાન તેને આ શોકના દરિયામાંથી બચાવવા માટે અપર્યાપ્ત છે, જેમાં તે પોતાને ડૂબેલો અનુભવે છે. શ્રી કૃષ્ણને ગુરુના રૂપમાં સ્વીકારીને અર્જુન તેની દયાપાત્ર અવસ્થા પ્રગટ કરવા તેનું હૃદય શ્રી કૃષ્ણ સમક્ષ ઠાલવી દે છે.

અર્જુનની પરિસ્થિતિ અસાધારણ નથી. જીવન યાત્રા દરમ્યાન કેટલીક વાર આપણે અચૂક આવી જ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ. આપણે સુખની કામના કરતાં હોઈએ છીએ, પણ દુ:ખનો અનુભવ કરીએ છીએ; આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, પણ અજ્ઞાનનો અંધકાર દૂર કરવામાં અસમર્થ રહીએ છીએ; આપણે સાચા પ્રેમ માટે તરસીએ છીએ પરંતુ વારંવાર નિરાશા મળે છે. આપણી કોલેજની પદવીઓ, અર્જિત જ્ઞાન અને સાંસારિક શિષ્યવૃત્તિઓ જીવનની આ ગૂંચવણોનું સમાધાન કરી શકતી નથી. આપણને જીવનના કોયડાઓ ઉકેલવા માટે દિવ્ય જ્ઞાનની આવશ્યકતા છે. તે દિવ્ય જ્ઞાનના ખજાનાનો કોષ ત્યારે પ્રાપ્ત થાય છે જયારે આપણને ગુરુ મળે છે, જે દિવ્યતામાં સ્થિત હોય છે, શરત એટલી કે, તેમની પાસે શિક્ષા મેળવવાની આપણામાં વિનમ્રતા હોવી જોઈએ. અર્જુન આ જ માર્ગનું અનુસરણ કરવાનો નિર્ધાર કરે છે.