Bhagavad Gita: Chapter 3, Verse 16

એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ યઃ ।
અઘાયુરિન્દ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ ॥ ૧૬॥

એવમ્—એ રીતે; પ્રવર્તિતમ્—કાર્યશીલ થવું; ચક્રમ્—ચક્ર; ન—નથી; અનુવર્તયતિ—અનુસરવું; ઇહ—આ જીવનમાં; ય:—જે; અઘ-આયુ:—પાપમય જીવન; ઇન્દ્રિય-આરામ:—ઇન્દ્રિયઆસક્ત; મોઘમ્—વ્યર્થ; પાર્થ—અર્જુન, પૃથાનો પુત્ર; સ:—તે; જીવતિ—જીવે છે.

Translation

BG 3.16: હે પાર્થ! વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્ત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે. તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ-પ્રમાદ માટે જીવે છે; વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે.

Commentary

ચક્ર અર્થાત્ ઘટનાઓની ક્રમબદ્ધ શ્રેણી. શ્લોક નં. ૩.૧૪માં અન્નથી વર્ષા સુધીના ચક્રનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સંસારના કર્મ- ચક્રના સર્વ સભ્યો તેમનાં કર્તવ્યોનું પાલન કરે છે અને તેના સરળ પરિભ્રમણમાં પોતાનું યોગદાન આપે છે. આપણે પણ આ પ્રકૃતિના ચક્રના ફળોનું સેવન કરીએ છીએ, તેથી આપણે પણ આ કાર્ય-શ્રુંખલામાં આપણા નિયત કાર્યો અવશ્ય કરવાં જોઈએ. 

આ સમગ્ર શ્રુંખલામાં, આપણે મનુષ્યો એકમાત્ર એવા છીએ, જેને પોતાની ઈચ્છાનુસાર સ્વતંત્ર રીતે પોતાના કર્મોની પસંદગી કરવાનું સામર્થ્ય પ્રાપ્ત છે. આ રીતે આપણે કાં તો આ ચક્રની સંવાદિતામાં યોગદાન આપી શકીએ અથવા તો આ વૈશ્વિક સંરચનાના સરળ પરિભ્રમણમાં વિસંવાદિતા ઊભી કરીએ. જયારે માનવ સમાજની બહુમતી આ વિશ્વવ્યાપી વ્યવસ્થાના અભિન્ન અંગ તરીકે પોતાના ઉત્તરદાયિત્ત્વનો સ્વીકાર કરે છે ત્યારે વિપુલ પ્રમાણમાં ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે. આવો સમય માનવજાતિના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસનો સુવર્ણ યુગ બની જાય છે. તેનાથી વિપરીત, જયારે માનવજાતિના અધિકાંશ લોકો વૈશ્વિક વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાનો પ્રારંભ કરે છે અને વૈશ્વિક વ્યવસ્થાના અભિન્ન અંગ તરીકે તેમનાં ઉત્તરદાયિત્ત્વનો અસ્વીકાર કરે છે ત્યારે માયાની પ્રકૃતિ દંડ આપવાનું આરંભે છે. પરિણામે શાંતિ અને સમૃદ્ધિ દુર્લભ બની જાય છે.

ચેતનાના વિવિધ સ્તર ધરાવતા સર્વ જીવંત પ્રાણીઓના અનુશાસન, કેળવણી, તથા ઉન્નતિના આશયથી ભગવાન દ્વારા પ્રકૃતિનું ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ અર્જુનને સ્પષ્ટપણે કહે છે કે જેઓ તેમના માટે નિર્દેશિત કરેલા યજ્ઞ કર્મોનું પાલન કરતા નથી, તેઓ તેમની ઇન્દ્રિયોના દાસ બની જાય છે અને પાપમય જીવન વ્યતીત કરે છે. આ પ્રમાણે, તેમનું જીવન નિરર્થક બની જાય છે. પરંતુ જે મનુષ્ય દિવ્ય નિયમોનું પાલન કરે છે, તેમનું અંત:કરણ શુદ્ધ થઈ જાય છે અને માયિક વિકારોથી મુક્ત થઈ જાય છે.