અર્જુન ઉવાચ ।
અથ કેન પ્રયુક્તોઽયં પાપં ચરતિ પૂરુષઃ ।
અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ ॥ ૩૬॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; અથ—તો પછી; કેન—શાથી; પ્રયુક્ત:—પ્રેરિત; અયમ્—આ; પાપમ્—પાપ; ચરતિ—કરે છે; પૂરુષ:—મનુષ્ય; અનિચ્છન્—અનિચ્છાએ; અપિ—છતાં; વાર્ષ્ણેવ—વૃષ્ણીવંશી, શ્રી કૃષ્ણ; બલાત્—બળજબરીથી; ઈવ—જાણે; નિયોજિત:—વ્યસ્ત.
Translation
BG 3.36: અર્જુને કહ્યું: હે વૃષ્ણી વંશી! શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે, જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરોવાતો હોય?
Commentary
શ્રી કૃષ્ણએ અગાઉના શ્લોકમાં કહ્યું છે કે મનુષ્યે આકર્ષણ કે ઘૃણાનાં પ્રભાવને આધીન થવું જોઈએ નહીં. અર્જુન એવું દિવ્ય જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે પરંતુ આ ઉપદેશનું પાલન કરવામાં કઠિનતા અનુભવે છે. તેથી તે શ્રીકૃષ્ણને એ પ્રશ્ન પૂછે છે જે અતિ વાસ્તવિક છે અને માનવ સંઘર્ષનું પ્રતિનિધિત્વ કરે છે. તે કહે છે, “કયું દબાણ આપણને આ ઉચ્ચ આદર્શ સુધી પહોંચતા રોકે છે? શા માટે મનુષ્ય આસક્તિ અને વિરક્તિને વશ થઇ જાય છે?
આપણે સૌ અંતરાત્મા ધરાવીએ છીએ, જે પાપયુક્ત કર્મ કરતી વખતે ખેદ અનુભવે છે. અંતરાત્મા એ તથ્ય પર સ્થિત છે કે ભગવાન ગુણોનું ધામ છે અને તેમનો અંશ હોવાથી આપણને સર્વને ગુણો અને સદાચાર પ્રત્યે નૈસર્ગિક આકર્ષણ છે. સારાપણું એ આત્માની પ્રકૃતિ હોવાથી અંતરાત્માના અવાજનો અભ્યુદય કરે છે. આથી આપણે એવું બહાનું કરી શકીએ નહીં કે ચોરી કરવી, છળકપટ કરવું, બળજબરીથી પડાવી લેવું, હત્યા કરાવી, અત્યાચાર કરવો અને લાંચ-રુશ્વત લેવી એ પાપયુક્ત કૃત્યો છે, તેની અમને જાણ ન હતી. આપણે અંત:પ્રજ્ઞાથી જાણતાં હોઈએ છીએ કે આ બધા પાપયુક્ત કૃત્યો છે અને છતાં આપણે તે આચરીએ છીએ; જાણે કોઈ તીવ્ર બળપૂર્વક આપણને એમ કરવા વિવશ કરતું હોય! અર્જુન એ જાણવા ઈચ્છે છે કે આ તીવ્ર બળ શું છે?