કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ॥ ૬॥
કર્મ-ઇન્દ્રિયાણિ—કર્મેન્દ્રિયો; સંયમ્ય—વશમાં રાખીને; ય:—જે; આસ્તે—રહે છે; મનસા—મનથી; સ્મરન્—ચિંતન કરતો; ઇન્દ્રિય- અર્થાન્—ઇન્દ્રિયોના વિષયનું; વિમૂઢ-આત્મા—મૂર્ખ જીવ; મિથ્યા-આચાર:—દંભી; સ:—તે; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 3.6: જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે નિ:સંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે.
Commentary
સંન્યાસ જીવનના પ્રલોભનોથી આકર્ષિત થઈને પ્રાય: લોકો પોતાનાં કર્તવ્યનો પરિત્યાગ કરી દે છે, પરંતુ પશ્ચાત્ તેમને સમજાય છે કે તેમના વૈરાગ્યમાં, સાંસારિક વિષયભોગોથી માનસિક અને બૌદ્ધિક વિરક્તિનો સમાન પ્રમાણમાં સમન્વય જ થયો નથી. પરિણામે એક પાખંડી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેમાં વ્યક્તિ બાહ્ય રીતે અધ્યાત્મવાદી હોવાનો દેખાવ કરે છે અને આંતરિક રીતે અધમ મનોભાવો સાથે નિકૃષ્ટ ઉદ્દેશ્ય માટે જીવન નિર્વાહ કરે છે. તેથી, પાખંડી સંન્યાસીની જેમ જીવવા કરતાં કર્મયોગીની જેમ સંસારના સંઘર્ષોનો સામનો કરવો ઉચિત છે. અકાળે સંન્યાસ લઈને જીવનની સમસ્યાઓથી દૂર ભાગવું એ આત્માના ઉત્થાન માટેની યાત્રા માટેનો પ્રગતિકારક માર્ગ નથી. સંત કબીર કટાક્ષમાં કહે છે:
મન ના રંગાયે હો, રંગાયે યોગી કપડા
જટવા બઢાએ યોગી ધુનિયા રમૌલે,
દઢ઼િયા બઢાએ યોગી બની ગયેલે બકરા
“હે તપસ્વી યોગી! તમે ગેરુ રંગે રંગાયેલો પહેરવેશ તો ધારણ કરી લીધો પણ તમારા મનને વૈરાગ્યના રંગે રંગવા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું. તમે લાંબી જટાઓ વધારી અને શરીર પર ભસ્મ ચોળી (વિરક્તિના પ્રતિક તરીકે). પરંતુ આંતરિક ભક્તિ વિના, બાહ્ય રીતે વધારેલી દાઢી તમને કેવળ બકરાની પ્રતિકૃતિ બનાવી દે છે.” શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે જે લોકો બાહ્ય દૃષ્ટિએ ઇન્દ્રિયોના વિષયભોગનો પરિત્યાગ કરે છે, પરંતુ મનમાં તેમનું જ ચિંતન કરતા રહે છે, તેઓ પાખંડી છે અને તેઓ તેમને પોતાને જ છેતરે છે.
આ અંગે પુરાણોમાં તાવૃત્ત અને સુવૃત્ત નામના બે ભાઈઓની કથા છે. આ બંને ભાઈઓ મંદિરમાં શ્રીમદ્ ભાગવતમ્ નું પ્રવચન સાંભળવા તેમના ઘરેથી ચાલતા નીકળે છે. રસ્તામાં, ખૂબ મુશળધાર વરસાદ શરુ થયો; તેથી તેઓ સમીપના મકાનમાં આશ્રય લેવા માટે દોડી ગયા. જયારે તેમને ખબર પડી કે તેઓ વેશ્યાગૃહમાં આવી ગયા છે, જ્યાં તિરસ્કૃત સ્ત્રીઓ તેમના મહેમાનોના મનોરંજન માટે નૃત્ય કરી રહી હતી, તો તેઓ હેબતાઈ ગયા. તાવૃત, મોટો ભાઈ વ્યાકુળ થઈ ગયો અને વરસાદમાં બહાર આવીને ભીંજાતો મંદિર તરફ જવા લાગ્યો. સુવૃતને વરસાદમાં ભીંજાવા કરતાં ત્યાં જ બેઠા રહેવામાં કોઈ અનુચિતતા ન લાગી.
તાવૃત મંદિર પહોંચી ગયો અને પ્રવચન સાંભળવા બેસી ગયો પરંતુ મનથી તે પસ્તાવો કરવા લાગ્યો, “આ કેટલું નીરસ છે! મેં ગ્લાનિ ઉપજાવે એવી ભૂલ કરી છે; મારે વેશ્યાગૃહમાં જ રોકાવા જેવું હતું. મારો ભાઈ ત્યાં ગાન-તાનની મજાઓ માણી રહ્યો હશે.” બીજી બાજુ સુવૃત વિચારવા લાગ્યો, “હું શા માટે આ પાપી ગૃહમાં રોકાઈ ગયો? મારો ભાઈ કેટલો પવિત્ર છે; તે ભાગવતમ્ ના જ્ઞાનથી પોતાની બુદ્ધિને સ્નાન કરાવી રહ્યો હશે. મારે પણ હિંમત કરીને વરસાદમાં ભયભીત થયા વિના ત્યાં પહોંચી જવું જોઈતું હતું. છેવટે, હું કાંઈ લૂણનો બનેલો તો નથી જ કે થોડા વરસાદમાં ઓગળી જાત.”
જયારે વરસાદ બંધ થયો ત્યારે બંને એકબીજાની દિશા તરફ ચાલવા લાગ્યા. જે ક્ષણે તેઓ મળ્યા ત્યાં જ તેમના પર વીજળી ત્રાટકી અને બંને તે જ સ્થળે મૃત્યુ પામ્યા. યમદૂતો (મૃત્યુના દેવના દાસો) તાવૃતને નર્કમાં લઈ જવા આવ્યા. તાવૃતે ફરિયાદ કરી કે, “મને લાગે છે કે, તમારી ભૂલ થઈ છે. હું તાવૃત છું. થોડા સમય પૂર્વે જે વેશ્યાગૃહમાં બેઠો હતો, તે મારો ભાઈ હતો. તમારે તેને નર્કમાં લઇ જવો જોઈએ.” યમદૂતોએ ઉત્તર આપ્યો, “અમે કોઈ ભૂલ નથી કરી. તે વર્ષાથી બચવા ત્યાં બેઠો હતો પરંતુ મનથી તે ભાગવતમ્ ના પ્રવચનમાં આવવા ઝંખતો હતો. બીજી બાજુ, જયારે તું મંદિરમાં બેસીને પ્રવચન સાંભળી રહ્યો હતો ત્યારે તારું મન વેશ્યાગૃહમાં રહેવા લાલાયિત થતું હતું.” તાવૃત બરાબર એ જ કરી રહ્યો હતો, જેના વિષે શ્રીકૃષ્ણ આ શ્લોકમાં સમજાવી રહ્યા છે; તેણે બાહ્ય રીતે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો હતો પરંતુ મનથી તે તેનું જ ચિંતન કરતો હતો. આ અનુચિત પ્રકારનો વૈરાગ્ય છે. આગામી શ્લોક ઉચિત પ્રકારના વૈરાગ્યનું વર્ણન કરે છે.