અધ્યાય ૪: જ્ઞાન કર્મ સંન્યાસ યોગ

જ્ઞાનનો યોગ અને કર્મનું અનુશાસન

ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને પ્રદત્ત થઇ રહેલા દિવ્ય જ્ઞાનમાં તેની શ્રદ્ધાને પોતાના આદિકાળના ઉદ્ગમ અંગેની અભિવ્યક્તિ દ્વારા દૃઢ કરે છે. તેઓએ દર્શાવ્યું કે કેવી રીતે પ્રારંભમાં આ શાશ્વત વિજ્ઞાનની શિક્ષા તેમણે વિવસ્વાનને શીખવાડી અને પશ્ચાત્ તે નિરંતર પરંપરાગત પદ્ધતિથી રાજર્ષિઓ સુધી પહોંચી. હવે તેઓ આ જ પરમ વિજ્ઞાન-યોગનો ઉપદેશ અર્જુન પાસે પ્રગટ કરી રહ્યા છે, જે તેમનો પરમ મિત્ર અને ભક્ત છે. અર્જુન પ્રશ્ન કરે છે કે, શ્રીકૃષ્ણ કે જેઓ અત્યારે અસ્તિત્વમાન છે,તેમણે કલ્પો પૂર્વે કેવી રીતે આ વિજ્ઞાન સૂર્યદેવને પ્રદાન કર્યું. તેના પ્રત્યુત્તર રૂપે શ્રી કૃષ્ણ તેમના અવતરણનાં દિવ્ય રહસ્યોને પ્રગટ કરે છે. તેમણે જણાવ્યું કે ભગવાન અજન્મા અને સનાતન છે છતાં તેમની યોગમાયા શક્તિથી તેઓ ધર્મના સંસ્થાપન હેતુથી આ પૃથ્વી પર અવતરે છે. આમ છતાં, તેમનો જન્મ અને પ્રવૃત્તિઓ બંને દિવ્ય હોય છે તથા માયિક વિકારોથી દૂષિત હોતી નથી. જે લોકો આ રહસ્યને જાણે છે, તેઓ પૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિમાં લીન થઇ જાય છે અને તેમને પ્રાપ્ત કર્યા પશ્ચાત્ આ સંસારમાં તેઓ પુન: જન્મ લેતાં નથી.

તત્પશ્ચાત્ આ અધ્યાયમાં કાર્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે અને તેના ત્રણ સિદ્ધાંતો-કર્મ,અકર્મ અને નિષિદ્ધ કર્મ-ની ચર્ચા કરવામાં આવી છે. તેનાથી વિદિત થાય છે કે કેવી રીતે કર્મયોગી અતિ વ્યસ્તતાપૂર્ણ કાર્યોનું નિર્વહન કરવા છતાં અકર્તાની અવસ્થામાં રહે છે અને એ રીતે તેઓ કાર્મિક પ્રતિભાવોમાં ફસાતા નથી. આ જ્ઞાન વડે પ્રાચીન સંતો સફળતા અને નિષ્ફળતા, સુખ અને દુઃખથી પ્રભાવિત થયા વિના કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે થતા યજ્ઞ સ્વરૂપે તેમના કાર્યોનું નિર્વહન કરતા હતા. યજ્ઞના અનેક પ્રકાર છે અને તેમાંના કેટલાકનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયારે યજ્ઞ પૂર્ણ સમર્પણ ભાવથી કરવામાં આવે છે ત્યારે તેના અવશેષો અમૃત સમાન બની જાય છે. આવા અમૃતનું પાન કરીને સાધકની અશુધ્ધિ સમાપ્ત થઇ જાય છે. તેથી, યજ્ઞ હંમેશા ઉચિત ભાવના અને જ્ઞાન સાથે થવો જોઈએ. જ્ઞાનરૂપી નાવની સહાયથી મહાપાપી પણ સાંસારિક દુ:ખોનો સાગર પાર કરી જાય છે. આવું જ્ઞાન કોઈ વાસ્તવિક ગુરુ પાસેથી મેળવવું જોઈએ કે જેમણે સત્યનો સાક્ષાત્કાર કરેલો હોય. શ્રીકૃષ્ણ અર્જુનના ગુરુ તરીકે તેને જ્ઞાનના ખડ્ગથી તેનાં અંત:કારણમાં ઉદ્ભવેલા સંશયોને નષ્ટ કરવાનું કહે છે. તેઓ તેને આદેશ આપે છે કે, ઉભો થા અને તારું કર્તવ્ય કર.

પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા: મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, જેમણે તે મનુને અને પશ્ચાત્ મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો.

હે શત્રુઓનું દમન કરનાર! આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરૂ-શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું. પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું.

તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે, તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે.

અર્જુને કહ્યું: આપ વિવસ્વાનથી ઘણા સમય પશ્ચાત્ જનમ્યા છો. હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો?

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન! તારા અને મારા બંનેનાં અનંત જન્મો થઈ ચૂક્યા છે. તું એ ભૂલી ગયો છે, જયારે હે પરંતપ! મને એ સર્વનું સ્મરણ છે.

યદ્યપિ હું અજન્મા છું, સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું, તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું.

જયારે જયારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, હે અર્જુન! ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું.

ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મનાં સિદ્ધાંતોની પુન: સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાઉં છું.

હે અર્જુન! જે મારાં જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તેમણે આ શરીર ત્યજ્યા પશ્ચાત્ સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી, પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે.

આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને, અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા  જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે.

જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ! સર્વ મનુષ્યો જાણતાં કે અજાણતાં મારા જ માર્ગનું અનુસરણ કરે છે.

આ સંસારમાં, જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે, સકામ કર્મોના ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે.

મનુષ્યનાં ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમનાં ચાર વિભાગની રચના કરવામાં આવી છે. જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું, છતાં મને અકર્તા અને સનાતન જાણ.

મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મનાં ફળની આકાંક્ષા છે. જે મારાં આ સ્વરૂપને જાણે છે, તે કદાપિ કર્મફળના બંધનમાં બંધાતો નથી.

આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા. તેથી, તારે પણ તે પ્રાચીન સંતોનાં પગલાંઓને અનુસરીને પોતાનાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.

કર્મ શું છે અને અકર્મ શું છે? જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે. હવે હું તને કર્મનું રહસ્ય કહીશ, જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ.

તારે ત્રણેય કર્મો—સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ—ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે.

જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે, તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે. સર્વ પ્રકારનાં કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમનાં સર્વ કર્મોનાં નિષ્ણાત છે.

પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે, જેમનાં પ્રત્યેક કર્મ માયિક સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે.

આવા લોકો, પોતાનાં કર્મનાં ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી. તેઓ સર્વ પ્રકારનાં કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી.

તેઓ અપેક્ષાઓ તથા સ્વામીત્વની ભાવનાથી મુક્ત થઈને, મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને, શારીરિક દૃષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી.

જે મનુષ્ય સ્વત: પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે, ઈર્ષ્યાથી મુક્ત રહે છે, તેઓ જીવનના દ્વન્દ્વથી રહિત છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપિ બદ્ધ થતા નથી.

આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે. તેઓ સર્વ કર્મ યજ્ઞની (ભગવાનને સમર્પિત કરવાની) ભાવનાથી કરે છે, તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે.

જે મનુષ્ય ભગવદ્-ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે, તેમના માટે આહુતિ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે. આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે.

કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે. અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે, તેઓ પરમ સત્ય-બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ-આહુતિ અર્પણ કરે છે.

અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞમાં હોમી દે છે. અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે.

કેટલાક , જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે.

કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે. કેટલાક અષ્ટાંગ યોગની સાધના  કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી, કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે.

વળી, અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે, જયારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે. કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ-ઉચ્છ્વાસને નિયંત્રિત કરીને, જીવન શક્તિના નિયમનમાં પૂર્ણતયા મગ્ન થઇ જાય છે. જયારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞરૂપે જીવન-શક્તિમાં અર્પિત કરે છે. આ સર્વ યજ્ઞને જાણનારાઓ, આવા યજ્ઞના પરિણામસ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે.

જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે, તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે. હે કુરુશ્રેષ્ઠ! જેઓ યજ્ઞ કરતા નથી, તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપિ સુખ પ્રાપ્ત થતું નથી.

આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ; આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠ કાપી નાખે છે.

હે શત્રુઓનું દમન કરનાર! જ્ઞાનયજ્ઞ કોઈપણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે. હે પાર્થ! અંતત: સર્વ કર્મયજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે.

આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.

આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરૂ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહિ. તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે.

જે લોકોને સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે, તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માયિક સંસારનાં ભવસાગરને પાર કરી શકે છે.

જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન! જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે.

આ સંસારમાં દિવ્યજ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. જે દીર્ઘકાલીન યોગસાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે, તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે.

તેઓ, જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શીઘ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે.

પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે, તેમનું પતન થાય છે. કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે.

હે અર્જુન! જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે, જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે, તેમને કર્મો બાંધી શકતાં નથી.

તેથી, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હે ભરતવંશી! પોતાને કર્મયોગમાં સ્થિત કર. ઊઠ, ઊભો થા અને યુદ્ધ કર!