કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ॥ ૧૭॥
કર્મણ:—સૂચિત કર્મો; હિ—નિશ્ચિત; અપિ—પણ; બોદ્ધવ્યમ્—જાણવું જોઈએ; બોદ્ધવ્યમ્—સમજવું જોઈએ; ચ—અને; વિકર્મણ:—નિષિદ્ધ કર્મો; અકર્મણ:—અકર્મ; ચ—અને; બોદ્ધવ્યમ્—સમજવું જોઈએ; ગહના—ગહન; કર્મણા:—કર્મની; ગતિ:—ગતિ.
Translation
BG 4.17: તારે ત્રણેય કર્મો—સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ—ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે.
Commentary
શ્રીકૃષ્ણ દ્વારા કર્મને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે—કર્મ, વિકર્મ (નિષિદ્ધ કર્મ) અને અકર્મ (નિષ્ક્રિયતા).
કર્મ. કર્મ એ શુભ કાર્યો છે, જે શાસ્ત્રો દ્વારા ઇન્દ્રિયોના નિયમન તથા મનના શુદ્ધિકરણ માટે સૂચિત કરવામાં આવ્યા છે.
નિષિદ્ધ કર્મ. વિકર્મ એ અમાંગલિક કાર્યો છે, જે શાસ્ત્રો દ્વારા વર્જિત છે કારણ કે, તે હાનિકારક છે અને પરિણામે આત્માનું પતન થાય છે.
અકર્મ. અકર્મ એ ફળમાં આસક્તિ રાખ્યા વિના કેવળ ભગવાનના સુખ માટે કરવામાં આવતું કાર્ય છે. ન તો તેની કોઈ કાર્મિક પ્રતિક્રિયા હોય છે કે ન તો તેને કારણે આત્મા બંધનમાં ફસાય છે.