Bhagavad Gita: Chapter 4, Verse 19

યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસઙ્કલ્પવર્જિતાઃ ।
જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પણ્ડિતં બુધાઃ ॥ ૧૯॥

યસ્ય—જેનાં; સર્વે—સર્વ; સમારમ્ભા:—પ્રયાસ; કામ—માયિક સુખોની ઈચ્છા; સંકલ્પ—નિશ્ચય; વર્જિતા:—થી રહિત છે; જ્ઞાન—દિવ્ય જ્ઞાન; અગ્નિ—અગ્નિમાં; દગ્ધ—ભસ્મ થયેલા; કર્માણમ્—કર્મવાળાને; તમ્—તેને; આહુ:—કહે છે; પંડિતમ્—પંડિત; બુધા: —જ્ઞાની.

Translation

BG 4.19: પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે, જેમનાં પ્રત્યેક કર્મ માયિક સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે.

Commentary

આત્મા, આનંદસિંધુ ભગવાનનો અતિ સૂક્ષ્મ અંશ હોવાના કારણે સ્વાભાવિક રીતે જ આનંદ ઈચ્છે છે. આમ છતાં, માયાશક્તિથી  આચ્છાદિત હોવાના કારણે આત્મા સ્વયંને ભૂલથી માયિક શરીર માની લે છે. આ અજ્ઞાનના પરિણામે તે ભૌતિક વિશ્વમાંથી આનંદ પ્રાપ્તિ માટે કર્મો કરે છે. આ કર્મો ઈન્દ્રિય અને મનના સુખોથી પ્રેરિત હોવાના કારણે તે આત્માને કાર્મિક બંધનોમાં બાંધી દે છે.

તેનાથી વિપરીત, જયારે આત્મા દિવ્યજ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે તેને પ્રતીતિ થાય છે કે જે આનંદ તે ઝંખે છે, તે ઇન્દ્રિય વિષયોથી પ્રાપ્ત થશે નહીં પરંતુ ભગવાનની ભક્તિયુક્ત સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. પરિણામે તે ભગવાનના સુખ માટે પ્રત્યેક કાર્ય કરવા મથે છે. “જે કંઈ પણ તું કર, જે કંઈ પણ તું આરોગે, જે કંઈ પણ આહુતિ તું પવિત્ર અગ્નિને અર્પે, જે કંઈ પણ તું દાન કરે અને જે કંઈ પણ તપસ્યા તું કરે હે કુંતીપુત્ર! તે મને સમર્પિત કરવાના ભાવથી કર. (ભગવદ્ ગીતા ૯.૨૭) આવા પ્રબુદ્ધ આત્મા, માયિક સુખો માટેના સ્વાર્થી કર્મોનો ત્યાગ કરી દે છે અને સર્વ કર્મો ભગવાનને સમર્પતિ કરી દે છે. તેથી તેમના કર્મોથી કોઈ કાર્મિક પ્રતિક્રિયા ઉત્પન્ન થતી નથી. તે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે.