Bhagavad Gita: Chapter 4, Verse 21

નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ ।
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ ૨૧॥

નિરાશી:—અપેક્ષાઓથી મુક્ત: યત—સંયમિત; ચિત્ત-આત્મા—મન તથા બુદ્ધિ; ત્યકત—છોડીને; સર્વ—સર્વ; પરિગ્રહ:—વસ્તુ પરનો સ્વામીત્વનો ભાવ; શારીરમ્—શારીરિક; કેવલમ્—કેવળ; કર્મ—કર્મ; કુર્વન્—સંપાદિત કરવું; ન—કદી નહીં; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે; કિલ્બીષમ્—પાપ.

Translation

BG 4.21: તેઓ અપેક્ષાઓ તથા સ્વામીત્વની ભાવનાથી મુક્ત થઈને, મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને, શારીરિક દૃષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી.

Commentary

દુન્યવી કાયદા પ્રમાણે પણ જો હિંસાનું કાર્ય આકસ્મિક રીતે થયું હોય તો તેને દંડનીય અપરાધ માનવામાં આવતો નથી. જો કોઈ પોતાના નિર્ધારિત ક્ષેત્રમાં, યોગ્ય ગતિ સાથે અને ધ્યાનપૂર્વક સામે જોઈને ગાડી ચલાવી રહ્યું હોય અને અચાનક કોઈ સામે આવી જાય અને ગાડી સાથે અથડાય અને પરિણામે મરી જાય, તો ન્યાયાલયનાં કાયદા મુજબ તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવતો નથી. એ સાબિત થવું જોઈએ કે વાહનચાલકનો કોઈને મારી નાખવાનો ઈરાદો ન હતો. મનની વૃત્તિ પ્રાથમિક મહત્ત્વ ધરાવે છે, કર્મ નહીં. એ જ પ્રમાણે, તત્ત્વદર્શી જે દિવ્ય ચેતનામાં સ્થિત રહીને કર્મ કરે છે તે સર્વ પાપથી મુક્ત રહે છે, કારણ કે તેમનું મન આસક્તિ તેમજ સ્વામીત્વની ભાવનાથી મુક્ત હોય છે. તેમનું પ્રત્યેક કર્મ દિવ્ય વૃત્તિથી ભગવાનની પ્રસન્નતા નિમિત્તે કરવામાં આવ્યું હોય છે.