Bhagavad Gita: Chapter 4, Verse 23

ગતસઙ્ગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ ।
યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥ ૨૩॥

ગત-સંગસ્ય—માયિક આસક્તિથી મુક્ત; મુક્તસ્ય—મુક્ત મનુષ્યનાં; જ્ઞાન-અવસ્થિત—દિવ્ય જ્ઞાનમાં સ્થિત; ચેતસ:—જેની બુદ્ધિ; યજ્ઞાય—યજ્ઞ (કૃષ્ણ) માટે; આચરત:—કાર્ય કરતાં; કર્મ—કર્મ; સમગ્રમ્—સંપૂર્ણ રીતે; પ્રવિલીયતે—વિલીન થાય છે.

Translation

BG 4.23: આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે. તેઓ સર્વ કર્મ યજ્ઞની (ભગવાનને સમર્પિત કરવાની) ભાવનાથી કરે છે, તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે.

Commentary

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ પાછલા પાંચ શ્લોકોના નિષ્કર્ષનો સાર પ્રસ્તુત કરે છે. ભગવાનને સર્વ કર્મોનું સમર્પણ એ જ્ઞાનથી પરિણમે છે કે આત્મા ભગવાનનો નિત્ય દાસ છે. ચૈતન્ય મહાપ્રભુ એ કહ્યું: “જીવેર સ્વરૂપ હય કૃષ્ણેર નિત્યદાસ” (ચૈતન્ય ચરિતામૃત, મધ્ય લીલા, ૨૦.૧૦૮) “જીવ ભગવાન શ્રીકૃષ્ણનો નિત્યદાસ છે.” જેઓ આ જ્ઞાનમાં સ્થિત છે, તેઓ તેમનાં સર્વ કર્મ ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી કરે છે અને તેમનાં કર્મોના પાપયુક્ત ફળોથી મુક્ત થઈ જાય છે.

આવા આત્માઓ કયા પ્રકારની દૃષ્ટિનો વિકાસ કરે છે? શ્રીકૃષ્ણ આગળના શ્લોકમાં તેની વ્યાખ્યા કરે છે.