દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે ।
સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ ॥ ૨૮॥
દ્રવ્ય-યજ્ઞ:—પોતાની સંપત્તિની આહુતિ; તપ:-યજ્ઞ:—તપરૂપી યજ્ઞ; યોગ-યજ્ઞા:—અષ્ટાંગ યોગમય યજ્ઞ; તથા—એવી રીતે; અપરે—અન્ય; સ્વાધ્યાય—વૈદિક શાસ્ત્રોના અધ્યયન દ્વારા જ્ઞાનનો વિકાસ કરવો; જ્ઞાનયજ્ઞ:—દિવ્ય જ્ઞાનની પ્રગતિ માટે યજ્ઞ: ચ—પણ; યતય:—આ સંન્યાસીઓ; સંશિત-વ્રતા:—કઠોર વ્રત ધારણ કરનારા.
Translation
BG 4.28: કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે. કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી, કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે.
Commentary
મનુષ્યો તેમની પ્રકૃતિ, પ્રેરણા, પ્રવૃત્તિઓ, વ્યવસાયો, મહત્ત્વાકાંક્ષાઓ અને સંસ્કારો (પૂર્વ જન્મની સંચિત વૃત્તિઓ) અનુસાર એકબીજાથી ભિન્ન હોય છે. શ્રીકૃષ્ણ અર્જુનને જ્ઞાત કરાવે છે કે યજ્ઞો અનેક પ્રકારના હોય છે પરંતુ જયારે તે ભગવાનને સમર્પિત થાય છે ત્યારે તે મન અને ઇન્દ્રિયોની શુદ્ધિનું તથા આત્માની ઉન્નતિનું સાધન બની જાય છે. આ શ્લોકમાં તેઓ આવા ત્રણ પ્રકારના યજ્ઞોનો ઉલ્લેખ કરે છે.
દ્રવ્ય યજ્ઞ. સંસારમાં કેટલાક લોકોને સંપત્તિ અર્જિત કરવામાં અને તેને દિવ્ય પ્રયોજનાર્થે દાન કરવામાં રુચિ હોય છે. યદ્યપિ તેઓ વિશાળ અને જટિલ વ્યાવસાયિક પ્રયાસોમાં વ્યસ્ત હોય છે છતાં તેમનો આંતરિક ઉદ્દેશ્ય, અર્જિત ધન દ્વારા ભગવાનની સેવા કરવાનો હોય છે. આ પ્રમાણે, તેઓ તેમની ધન અર્જિત કરવાની વૃત્તિ ભગવદ્-ભક્તિમાં યજ્ઞરૂપે સમર્પિત કરે છે. બ્રિટિશ ઉપદેશક તથા મેથોડીસ્ટ ચર્ચના સંસ્થાપક જહોન વેસ્લેએ તેમના અનુયાયીઓને ઉપદેશ આપ્યો કે, “જેટલું ધન અર્જિત કરી શકો, કરો. જેટલું બચાવી શકો, બચાવો. જેટલું આપી શકો, આપો.”
યોગ યજ્ઞ. ભારતીય તત્ત્વદર્શનમાં યોગ દર્શન એ છ વિદ્વાનો દ્વારા રચિત છ દાર્શનિક મીમાંસાઓમાંથી એક છે. જૈમીનીએ ‘મીમાંસા દર્શન’ લખ્યું, વેદ વ્યાસે ‘વેદાંત દર્શન’ લખ્યું, ગૌતમઋષિએ ‘ન્યાય દર્શન’ લખ્યું, કનાડ ઋષિએ ‘વૈશેષિક દર્શન’ લખ્યું, કપિલ મુનિએ ‘સાંખ્ય દર્શન’ લખ્યું અને પતંજલિએ ‘યોગ દર્શન’ લખ્યું. પતંજલિએ યોગ દર્શનમાં અષ્ટધા માર્ગનું વર્ણન કર્યું છે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. જે આધ્યાત્મિક ઉન્નતિ માટે શારીરિક મુદ્રાઓથી આરંભ થઈને મન પર વિજય પ્રાપ્ત કરવા પર સમાપ્ત થાય છે.
પતંજલિ યોગ દર્શન સ્પષ્ટ વર્ણન કરે છે:
સમાધિસિદ્ધિરીશ્વર પ્રણિધાનાત્ (૨.૪૫)
“યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને શરણાગત થવું પડશે.” તેથી, જયારે અષ્ટાંગ યોગ પ્રત્યે રુચિ ધરાવતા મનુષ્યોમાં ભગવદ્-પ્રેમ અંગે રુચિ ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ તેમની યોગિક સાધનાની યજ્ઞ સ્વરૂપે ભક્તિરૂપી અગ્નિમાં આહુતિ આપે છે. આનું સુંદર ઉદાહરણ “જગદ્દગુરુ કૃપાળુ યોગ” નામની યૌગિક પ્રણાલી છે, જેમાં અષ્ટાંગ યોગનાં શારીરિક આસનોનો અભ્યાસ ભગવાનનાં દિવ્ય નામોનાં સ્મરણ સાથે ભગવદ્-યજ્ઞ સ્વરૂપે કરવામાં આવે છે. આ પ્રકારની યૌગિક મુદ્રાઓના ભક્તિયુક્ત સંયોજનનાં પરિણામે સાધકની શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક શુદ્ધિ થાય છે.
જ્ઞાન યજ્ઞ. કેટલાક લોકોને જ્ઞાનના સંવર્ધનમાં રુચિ હોય છે. આ પ્રકારનું વલણ તેમને ભગવાનનું જ્ઞાન તથા તેમના પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ માટે ગ્રંથોનું અધ્યયન કરવાના યથોચિત માર્ગ તરફ દોરી જાય છે. સા વિદ્યા તન્મતિર્યયા (ભાગવતમ્ ૪.૨૯.૪૯) “વાસ્તવિક જ્ઞાન એ છે, જે આપણી ભગવદ્-ભક્તિમાં વૃદ્ધિ કરે.” આ પ્રકારે, અધ્યયનશીલ સાધક જ્ઞાનયજ્ઞમાં તલ્લીન થઈ જાય છે અને જયારે તે ભક્તિભાવથી પરિપ્લુત થઈ જાય છે, ત્યારે તે તેને ભગવાન સાથેના પ્રેમયુક્ત ઐકય તરફ દોરી જાય છે.