Bhagavad Gita: Chapter 4, Verse 33

શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરન્તપ ।
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥ ૩૩॥

શ્રેયાન્—શ્રેષ્ઠ; દ્રવ્ય-મયાત્—ભૌતિક સંપતિના; યજ્ઞાત્—યજ્ઞથી; જ્ઞાન-યજ્ઞ:—જ્ઞાનયજ્ઞ; પરન્તપ—શત્રુઓનું દમન કરનાર, અર્જુન; સર્વમ્—સર્વ; કર્મ—કર્મ; અખિલમ્—પૂર્ણપણે; પાર્થ—અર્જુન,પૃથા પુત્ર; જ્ઞાને—જ્ઞાનમાં; પરિસમાપ્યતે—સમાપ્ત થાય છે.

Translation

BG 4.33: હે શત્રુઓનું દમન કરનાર! જ્ઞાનયજ્ઞ કોઈપણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે. હે પાર્થ! અંતત: સર્વ કર્મયજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે પૂર્વે વર્ણિત યજ્ઞને ઉચિત પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરે છે. તેઓ અર્જુનને કહે છે કે, શારીરિક ક્રિયાઓ દ્વારા ભક્તિ કરવી એ ઉમદા છે, પરંતુ પર્યાપ્ત નથી. કર્મકાંડી અનુષ્ઠાનો, વ્રતો, મંત્રજાપ, પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા, આ સર્વ ઉત્તમ છે, પરંતુ જો તેનું અનુપાલન જ્ઞાનપૂર્વક નહિ થાય તો તે કેવળ શારીરિક પ્રવૃત્તિ બની જાય છે. આ પ્રકારની યાંત્રિક રીતે થતી ક્રિયાઓ કંઈ પણ ન કરવા કરતાં તો ઉચિત છે,પરંતુ તે મનની શુદ્ધિ માટે પર્યાપ્ત નથી.

ઘણા લોકો માળાથી ભગવદ્ નામ-જપ કરે છે, ગ્રંથોના પારાયણમાં બેસે છે, પવિત્ર સ્થાનોની મુલાકાત લે છે તથા અનુષ્ઠાન વિધિઓનું આયોજન એવી માન્યતા સાથે કરે છે કે શારીરિક ક્રિયા સ્વયં તેમને માયિક બંધનોમાંથી મુક્ત કરવા માટે પર્યાપ્ત છે. જો કે, સંત કબીરે છટાદાર રીતે આ વિચારનું ખંડન કર્યું છે:

                    માલા ફેરત યુગ ફિરા, ફિરા ન મન કા ફેર,

                   કર કા મનકા ડારિ કે, મન કા મનકા ફેર

“હે આધ્યાત્મિક અભિલાષી! તું અનેક યુગોથી માળા ફેરવે છે, પરંતુ મનનું છળ-કપટ સમાપ્ત થયું નથી. હવે એ માળાને બાજુ પર મૂક અને મનના મણકા ફેરવ.”

જગદ્ગુરુ કૃપાલુજી મહારાજ કહે છે:

             બન્ધન ઔર મોક્ષ કા, કારણ મનહિ બખાન

            યાતે કૌનિઉ ભક્તિ કરુ, કરુ મન તે હરિધ્યાન (ભક્તિ શતક દોહા નં. ૧૯)

“બંધન અને મોક્ષનું કારણ મન છે. જે પણ પ્રકારની ભક્તિ તમે કરો, તમારા મનને ભગવદ્-ધ્યાનમાં લીન કરો.”

જ્ઞાનના સંવર્ધનથી ભક્તિયુક્ત મનોભાવોનું પોષણ થાય છે. ઉદાહરણ તરીકે, તમારા જન્મદિવસની ઉજવણી થઈ રહી છે અને લોકો આવીને તમને ભેટ-સોગાદ આપી રહ્યા છે. અચાનક કોઈ આવીને તમને થીગડાવાળી થેલી આપે છે. તમે તે થેલીને તિરસ્કારપૂર્વક જોવો છો અને વિચારો છો કે, તમને મળેલા અન્ય સુંદર ઉપહારોની સરખામણીમાં આ સાવ તુચ્છ છે. પેલી વ્યક્તિ તમને એ થેલીની અંદર જોવા માટે વિનંતી કરે છે. તમે તે ખોલો છો અને તેમાંથી તમને ૨,૦૦૦ રૂપિયાની ૧૦૦ નોટોની થપ્પી મળે છે. તમે તુરંત એ થેલીને હૃદય-સરસી ચાંપી લો છો અને કહો છો કે “આ સૌથી શ્રેષ્ઠ ભેટ છે.” પદાર્થમાં નિહિત તત્ત્વનું જ્ઞાન તેના માટેના પ્રેમનો વિકાસ કરે છે. એ જ પ્રમાણે, ભગવાન તથા તેમની સાથેના આપણા સંબંધનાં જ્ઞાનનું સંવર્ધન આપણા ભક્તિભાવને પુષ્ટિ આપે છે. તેથી, શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, દ્રવ્ય-પદાર્થના યજ્ઞની તુલનાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. તેઓ હવે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું વર્ણન કરે છે.