અધ્યાય ૫: કર્મ સંન્યાસ યોગ

વૈરાગ્યનો યોગ

આ અધ્યાય કર્મ સંન્યાસ (કર્મનો ત્યાગ)ના માર્ગની તુલના કર્મ-યોગ (ભક્તિયુક્ત કર્મ)ના માર્ગ સાથે કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે બંને માર્ગો સમાન લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં દોરી જાય છે. આમ છતાં, કર્મોનો સંપૂર્ણ રીતે ત્યાગ ત્યાં સુધી થઇ શકતો નથી, જ્યાં સુધી મન પૂર્ણત: શુદ્ધ ન હોય અને મનનું શુદ્ધિકરણ ભક્તિયુક્ત કર્મ કરવાથી થાય છે. તેથી, અધિકાંશ માનવજાતિ માટે કર્મયોગ એ ઉચિત વિકલ્પ છે. કર્મયોગી તેમના દુન્યવી કર્તવ્યોનું પાલન શુદ્ધ બુદ્ધિથી, તેમના કર્મનાં ફળો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને તેમજ તેમને ભગવાનને સમર્પિત કરીને કરે છે. આમ, તેઓ જેમ કમળપત્ર જે જળમાં તે તરતું હોય છે તે જળથી અલિપ્ત રહે છે, તેમ પાપથી બિન-પ્રભાવી રહે છે. જ્ઞાનના પ્રકાશથી તેઓ અનુભૂતિ કરે છે કે આ શરીર નવ દ્વારયુક્ત નગર સમાન છે જેમાં આત્મા નિવાસ કરે છે. તેથી તેઓ સ્વયંને ન તો પોતાના કર્મના કર્તા ગણે છે કે ન તો ભોક્તા ગણે છે. તેઓ સામ્ય દૃષ્ટિથી સંપન્ન થઈને બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન, અને શ્વાનનો આહાર કરનારને સમાન દૃષ્ટિથી જોવે છે. આવા સાચા જ્ઞાની પુરુષો ભગવાનના પવિત્રગુણોનો  વિકાસ કરે છે અને પરમ સત્યમાં સ્થિત થાય છે. સંસારી મનુષ્યો ઇન્દ્રિયજન્ય પદાર્થોથી ઉત્પન્ન થતા સુખોનું આસ્વાદન કરવા પ્રયાસો કરે છે. તેઓ જાણતા પણ નથી કે આ પ્રકારના સુખો વાસ્તવમાં તો દુ:ખનો સ્રોત છે. પરંતુ  કર્મયોગીને તેમાં આનંદ પ્રાપ્ત થતો નથી; તેઓ તેમની અંદર ભગવદ્-આનંદનું આસ્વાદન કરે છે.

આગળ આ અધ્યાય ત્યાગના માર્ગનું વર્ણન કરે છે. કર્મ સંન્યાસીઓ તેમની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને સંયમિત કરવા તપશ્ચર્યા કરે છે. તેઓ બાહ્યભોગના સર્વ વિચારો બંધ કરી દે છે અને વાસના, ભય, તથા ક્રોધથી મુક્ત થઇ જાય છે. પશ્ચાત્, ભગવદ્-ભક્તિ દ્વારા તેમની તપશ્ચર્યાને પરિપૂર્ણ કરે છે તથા ચિરસ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે.

અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ! તમે કર્મ સંન્યાસ (કર્મ ત્યાગનો માર્ગ)ની પ્રશંસા કરી અને તમે કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ)નો પણ ઉપદેશ આપ્યો. કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેયકર કયો માર્ગ છે?

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: કર્મ સંન્યાસ (કર્મોનો પરિત્યાગ) તેમજ કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ) આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે. પરંતુ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે.

તે કર્મયોગી, જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે, તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ. સર્વ દ્વન્દ્વથી રહિત, તેઓ માયિક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ પામે છે.

કેવળ અજ્ઞાની જ સાંખ્ય (કર્મોનો ત્યાગ અથવા કર્મ સંન્યાસ) તથા કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ)ને ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે, આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીને પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ.

જે પરમ અવસ્થા કર્મ સંન્યાસની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે, તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. તેથી, જેઓ કર્મ સંન્યાસ અને કર્મયોગને એકસમાન જોવે છે, તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત્ રૂપે જોવે છે.

ભક્તિયુક્ત કર્મ (કર્મયોગ) વિના સંપૂર્ણ વૈરાગ્ય (કર્મ સંન્યાસ) કઠિન છે, હે મહાભુજાઓવાળા અર્જુન! પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે, તે શીઘ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે.

જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, એવા કર્મયોગીઓ સર્વ આત્માઓનાં આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે. એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપિ લિપ્ત થતો નથી.

જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સૂંઘતાં, ભ્રમણ કરતાં, સૂતાં, શ્વાસ લેતાં, બોલતાં, વિસર્જન કરતાં, ગ્રહણ કરતાં તથા નેત્રોને બંધ કરતાં અને ખોલતાં સદા માને છે કે, “હું કર્તા નથી”. દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયિક ઇન્દ્રિયો છે, જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે.

જે મનુષ્યો આસક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે, તેઓ જેમ કમળ પત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે.

યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે.

કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. જયારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થનાં ઉદ્દેશ્યથી કર્મ કરે છે, તેઓ તેમાં બંધાઈ જાય છે કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે.

જે દેહધારી જીવાત્માઓ આત્મ-સંયમી અને વિરક્ત હોય છે, તેઓ સ્વયંને કર્તા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને નવ દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે.

ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે; ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે. આ સર્વ માયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે.

સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં સ્વયંને સમ્મિલિત કરતા નથી. જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત્ત હોય છે.

પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે, તેમના માટે તે જ્ઞાન પરમ તત્ત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે.

તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દૃઢ થયેલી છે, જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે, જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દૃઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માનીને ભગવદ્-મય થઈ જાય છે, તેવા મનુષ્યો શીઘ્રતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુન: પાછા ફરવું પડતું નથી. તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે.

વાસ્તવિક જ્ઞાની, દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા, બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વાનભક્ષી (ચંડાળ)ને સમાન દૃષ્ટિથી જુએ છે.

જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે, તેઓ આ જ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રનાં બંધન પર વિજય પ્રાપ્ત કરી લે છે. તેઓ ભગવાનના દોષરહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે.

ભગવાનમાં સ્થિત, દિવ્ય જ્ઞાનની દૃઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના, તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે કે ન તો દુ:ખદ અનુભવનો શોક કરે છે.

જે મનુષ્યો બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી, તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે. યોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય હોવાના કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે.

ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગ, સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખીતી રીતે આનંદપ્રદ હોય છે પણ ખરેખર દુઃખનું ઉદ્ભવસ્થાન છે. હે કુંતીપુત્ર! આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી.

તે મનુષ્ય યોગી છે, જે શરીરનો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે, અને કેવળ તે સુખી છે.

જે લોકો તેમના અંતરમાં સુખી છે, ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે; અને અંતરજ્યોતિથી પ્રકાશિત છે, તેવા યોગીઓ ભગવાન સાથે ઐક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે.

તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે, જેમના સંશયો નાશ પામ્યા છે, જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે.

જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે તેમનાં મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે, તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે.

બાહ્ય ઉપભોગના સર્વ વિચારોને બંધ કરીને, દૃષ્ટિને બે ભ્રમરોની મધ્યે કેન્દ્રિત કરીને, નાસિકામાં શ્વાસ અને ઉચ્છવાસના પ્રવાહને સમ કરીને, અને એ રીતે ઇન્દ્રિય, મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે.

મને સર્વ યજ્ઞોનાં અને તપશ્ચર્યાઓના ભોક્તા, સર્વ લોકના પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.