Bhagavad Gita: Chapter 5, Verse 10

બ્રહ્મણ્યાધાય કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા કરોતિ યઃ ।
લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા ॥૧૦॥

બ્રહ્મણિ—ભગવાનને; આધાય—સમર્પિત કરીને; કર્માણિ—સર્વ કર્મ; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યાગીને; કરોતિ—કરે છે; ય:—જે; લિપ્યતે—પ્રભાવિત થાય છે; ન—કદી નહીં; સ:—તે; પાપેન—પાપથી; પદ્મ-પત્રમ્—કમળપત્ર; ઈવ—જેમ; અમ્ભસા—પાણી દ્વારા.

Translation

BG 5.10: જે મનુષ્યો આસક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે, તેઓ જેમ કમળ પત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે.

Commentary

હિંદુ અને બૌદ્ધ આ બંને શાસ્ત્રો કમળના પુષ્પની ઉપમાઓથી ભરપૂર છે. ભગવાનના દિવ્ય દેહના વિવિધ અંગોનું નિરૂપણ કરતી વખતે આ શબ્દનો ઉપયોગ આદરપૂર્વક સંજ્ઞા તરીકે કરવામાં આવે છે. તે પ્રમાણે, ચરણ-કમળ અર્થાત્ “કમળ સમાન ચરણ”, કમલેક્ષણ અર્થાત્ “કમળ સમાન નેત્રો”, કર-કમળ અર્થાત્ “કમળ સમાન હસ્ત”, વગેરે.

કમળના પુષ્પ માટેનો અન્ય શબ્દ છે, પંકજ- જેનો અર્થ છે “કાદવમાં જન્મેલું”. કમળનું પુષ્પ સરોવરના તળિયામાં રહેલા કાદવમાંથી વિકાસ પામે છે છતાં તે જળથી ઉપર આવીને સૂર્યની દિશામાં ખીલે છે. તેથી, સંસ્કૃત સાહિત્યમાં ‘ગંદકીમાંથી ઉત્પન્ન થયું હોય અને છતાં ખીલીને પોતાનું સૌન્દર્ય અને શુદ્ધતા જાળવી રાખે’ તે વસ્તુનાં ઉદાહરણ તરીકે કમળ શબ્દનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે.

વળી, કમળના છોડમાં વિશાળ પત્ર હોય છે, જે સરોવરના જળની સપાટી પર તરતાં રહે છે. આ કમળપત્રોનો ભારતમાં થાળી તરીકે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે જળથી જલાભેદ્ય (waterproof) હોય છે અને તેના પર જે કોઈ પ્રવાહી રેડવામાં આવે તે ચૂસાઈ જવાને બદલે તેના પરથી વહી જાય છે. કમળપત્રનું સૌન્દર્ય એ છે કે તે જળ પ્રત્યે પોતાના જન્મ, વિકાસ અને નિર્વાહ માટે ઋણી હોવા છતાં સ્વયંને ભીંજાવા દેતું નથી. કમળપત્ર પર રહેલ સૂક્ષ્મ તંતુઓને કારણે તેના પર રેડેલું જળ બાજુ પર વહી જાય છે.

કમળપત્રની સુંદર ઉપમાની સહાયથી શ્રીકૃષ્ણ કહે છે કે જેમ કમળપત્ર સરોવરની સપાટી પર તરતું રહે છે પરંતુ જળથી પોતાને ભીંજાવા દેતું નથી; તે જ પ્રમાણે, કર્મયોગી સર્વ પ્રકારના કાર્યો કરવા છતાં પણ પાપથી અસ્પર્શ્ય રહે છે, કારણ કે તેઓ દિવ્ય-ચેતનામાં સ્થિત રહીને તેમના કર્તવ્યોનું પાલન કરે છે.