Bhagavad Gita: Chapter 5, Verse 3

જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ ।
નિર્દ્વન્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે ॥૩॥

જ્ઞેય:—સમજવું જોઈએ; સ:—તે; નિત્ય—નિત્ય; સંન્યાસી—સંન્યાસી; ય:—જે; ન—કદી નહીં; દ્વેષ્ટિ—ઘૃણા; ન—નહી; કાંક્ષતિ—ઈચ્છા કરે છે; નિર્દ્વન્દ્વ:—સર્વ દ્વન્દ્વથી રહિત; હિ—નિશ્ચિત; મહાબાહો—હે બળવાન ભુજાઓવાળા; સુખમ્—સરળતાથી; બન્ધાત્—બંધનમાંથી; પ્રમુચ્યતે—મુક્ત થાય છે.

Translation

BG 5.3: તે કર્મયોગી, જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે, તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ. સર્વ દ્વન્દ્વથી રહિત, તેઓ માયિક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ પામે છે.

Commentary

કર્મયોગીઓ આંતરિક રીતે વિરક્તિનો અભ્યાસ કરતાં-કરતાં તેમના સાંસારિક ઉત્તરદાયિત્ત્વોનું વહન કરવાનું નિરંતર ચાલુ રાખે છે. તેથી, તેઓ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પરિણામોને ભગવદ્-કૃપા માનીને સમાનતાથી સ્વીકારે છે. ભગવાને આ જગતનું સર્જન એટલું અદ્ભૂત રીતે કર્યું છે કે જે આપણને સુખ તેમજ દુઃખ બંનેનો અનુભવ આપણા ક્રમિક ઉત્થાન માટે કરાવે છે. જો આપણે આપણાં નિયત કર્તવ્યોનું સહર્ષ પાલન કરતાં-કરતાં માર્ગમાં જે કોઈ અનુભવ થાય તેને સહન કરીને આપણા જીવનમાં નિરંતર આગળ વધતા રહીએ તો સંસાર આપણને ધીરે-ધીરે આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે.

આ વિભાવનાને અભિવ્યક્ત કરવા એક રોચક કથા પ્રસ્તુત છે. એક લાકડાનો ટુકડો હતો. તે શિલ્પકાર પાસે ગયો અને પૂછયું: “શું તમે મહેરબાની કરીને મને સુંદર બનાવી શકશો?”  શિલ્પકારે કહ્યું: “હું એ કરવા તૈયાર છું. પણ શું તું એ માટે તૈયાર છે?” લાકડાએ ઉત્તર આપ્યો: “હા, હું પણ તૈયાર છું.” શિલ્પકારે તેના સાધનો કાઢયાં અને તેને ઠોકવાનું અને છોલવાનું શરુ કર્યું. લાકડું ચીસો પાડવા લાગ્યું, “તમે શું કરો છો? મહેરબાની કરીને આ બંધ કરો. આ અતિ કષ્ટદાયક છે.” શિલ્પકારે સુંદર ઉત્તર આપ્યો: “જો તારે સુંદર બનવું હોય, તો તારે કષ્ટ સહન કરવું પડશે.” લાકડાએ ઉત્તર આપ્યો: “સારું. તમે આગળ વધો અને તમારું કામ કરતા રહો, પરંતુ જરા હળવાશથી અને ધ્યાનપૂર્વક.” પુન: શિલ્પકારે તેનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. લાકડું ચીસો પાડતું રહ્યું: “આજ માટે આટલું પર્યાપ્ત છે; હું આનાથી વિશેષ સહન કરી શકું તેમ નથી. કૃપા કરીને આવતીકાલે કરજો.” શિલ્પકાર તેના કાર્યમાં અડગ હતો. થોડા દિવસોમાં તે લાકડું એક સુંદર મૂર્તિમાં પરિવર્તિત થઈ ગયું, જે મંદિરમાં વેદી પર સ્થાપવા યોગ્ય હતી.”

આ જ પ્રમાણે,આપણું અંત:કરણ અનંત જન્મોથી સંસાર પ્રત્યેના અનુરાગને કારણે અશુદ્ધ અને અપૂર્ણ છે. જો આપણે આંતરિક રીતે સુંદર બનવા ઈચ્છતા હોઈએ તો આપણે સહન કરવાની તૈયારી રાખવી પડશે. આપણને શુદ્ધ કરવા સંસારને તેનું કાર્ય કરવા દેવું પડશે. તેથી, કર્મયોગી ભક્તિભાવથી કર્મ કરે છે, તેઓ પરિણામ પ્રત્યે સમત્વ ધરાવે છે અને ભગવાનમાં મનને અનુરક્ત કરવાની સાધના કરે છે.