અધ્યાય ૬: ધ્યાન યોગ

ધ્યાનનો યોગ

આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ પાંચમા અધ્યાયમાં કરેલું કર્મયોગ (સાંસારિક ઉત્તરદાયિત્ત્વોનાં પાલન સાથે આધ્યાત્મિક સાધના) અને કર્મ સંન્યાસ (વિરક્ત અવસ્થામાં આધ્યાત્મિક સાધના)નું તુલનાત્મક મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખે છે અને પૂર્વોક્ત (કર્મયોગ)ની ભલામણ કરે છે. જયારે આપણે ભક્તિભાવથી કાર્ય કરીએ છીએ ત્યારે તે આપણા મનને શુદ્ધ કરે છે અને આપણા આધ્યાત્મિક સાક્ષાત્કારને અધિક ગહન કરે છે. પશ્ચાત્ જયારે મન સ્થિર થઇ જાય છે ત્યારે ધ્યાન ઉન્નતિનું પ્રાથમિક સાધન બની જાય છે. ધ્યાન દ્વારા યોગીઓ તેમના મન પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે; કારણ કે અશિક્ષિત મન એ સર્વાધિક દુષ્ટ શત્રુ છે જયારે શિક્ષિત મન એ સર્વાધિક શ્રેષ્ઠ મિત્ર છે. શ્રીકૃષ્ણ અર્જુનને સાવધાન કરે છે કે કઠોર તપસ્યાઓ દ્વારા આધ્યાત્મિક માર્ગ પર કોઈ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી અને તેથી વ્યક્તિએ તેના ખાન-પાન, ક્રિયા-કલાપ, આનંદ-પ્રમોદ અને નિંદ્રાને સંતુલિત રાખવા જોઈએ. પશ્ચાત્ તેઓ મનને પરમાત્મા સાથે જોડવા માટેની સાધનાનું વર્ણન કરે છે. જેવી રીતે, પવનથી રહિત જગ્યા પર સ્થિત દીપકની જ્યોત ડગમગતી નથી, તેવી રીતે સાધકે ધ્યાનમાં તેના મનને સ્થિર કરવું અનિવાર્ય છે. મનને વશમાં કરવું એ કઠિન જરૂર છે, પરંતુ સાધના અને અનાસક્તિ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. આમ, જ્યારે તે ભટકવા લાગે કે તુરંત તેને પાછું લાવીને ભગવાન પર એકાગ્ર કરવું જોઈએ. જયારે મન શુદ્ધ થઇ જાય છે ત્યારે તે અલૌકિકતામાં સ્થિત થઇ જાય છે. સમાધિ તરીકેઓળખાતીઆનંદયુક્તઅવસ્થામાંવ્યક્તિ અસીમિત દિવ્ય આનંદનો અનુભવ કરે છે.

પશ્ચાત્ અર્જુન શ્રીકૃષ્ણને એ સાધકના ભાગ્ય વિષે પ્રશ્ન પૂછે છે કે જે આ માર્ગનું અનુસરણ કરવાનું પ્રારંભ તો કરે છે પરંતુ મનની અસ્થિરતાને કારણે ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે. શ્રીકૃષ્ણ પુન: પુષ્ટિ કરતાં તેને કહે છે કે જે ભગવદ્-પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે, તેના પર દુષ્ટતા કદાપિ હાવી થતી નથી. ભગવાન સદા આપણા પૂર્વજન્મોની સંચિત આધ્યાત્મિક પાત્રતાનો હિસાબ રાખે છે અને તે જ્ઞાનને ભવિષ્યના જન્મોમાં પુન:જાગૃત કરી દે છે જેથી આપણે આપણી યાત્રા જ્યાંથી છોડી હતી, ત્યાંથી જ આગળ વધારી શકીએ. યોગીઓ તેમના અનેક પૂર્વ જન્મોની ઉપાર્જિત પાત્રતાને કારણે વર્તમાન જન્મમાં ભગવાન સુધી પહોંચી શકે છે. તપસ્વી, જ્ઞાની અને કર્મી (વિધિ-વિધાનનું પાલન કરનાર) કરતાં યોગી (જે ભગવાન સાથે એક થવાનો પ્રયાસ કરે છે) શ્રેષ્ઠ છે,-- એ નિવેદન સાથે આ અધ્યાયની સમાપ્તિ થાય છે. અને આ સર્વ યોગીઓમાં જે ભક્તિ (ભગવાન પ્રત્યેનો પ્રેમભાવ)માં સંલગ્ન છે, તે સર્વોત્તમ છે.

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા: જે મનુષ્યો કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યોનું પાલન કરે છે, તેઓ વાસ્તવિક સંન્યાસી (વૈરાગી) અને યોગી છે; નહિ કે એ જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે કે તેના શારીરિક કર્તવ્યોનો ત્યાગ કરી દીધો છે.

જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે, કારણ કે સાંસારિક ઈચ્છાઓના પરિત્યાગ વિના કોઈપણ યોગી બની શકતું નથી.

યોગમાં પૂર્ણતા માટે અભિલાષી નવોદિત જીવાત્મા માટે આસક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે; જયારે મુનિ કે જે સિદ્ધ યોગી છે, તેના માટે ધ્યાનમાં પરમશાંતિ એ જ સાધન કહેવાય છે.

જયારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વ કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે, તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ કહેવાય છે.

મનુષ્યે મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ અને પતન થવા દેવું જોઈએ નહીં. કારણ કે, મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે.

જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેમના માટે મન એ મિત્ર છે. જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે, તેમના માટે મન શત્રુ સમાન કાર્ય કરે છે.

યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાનની દ્વૈતતાથી ઉપર ઉઠી જાય છે. આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે.

યોગી કે જે જ્ઞાન અને વિવેકબુદ્ધિથી તૃપ્ત થયેલા છે; અને જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે. તેઓ સર્વ પદાર્થો — ધૂળ, પથરા, અને સુવર્ણને એકસમાન જોવે છે.

યોગીઓ સર્વને—શુભેચ્છકો, મિત્રો, શત્રુઓ, પવિત્ર લોકો અને પાપીઓને—નિષ્પક્ષ બુદ્ધિથી જોવે છે. તે યોગી કે જે મિત્ર, સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે, શત્રુ અને સંબંધીઓ પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે, તેને મનુષ્યોમાં વિશિષ્ટ ગણવામાં આવે છે.

જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે, તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ, નિયંત્રિત મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ, ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ.

યોગ સાધના કરવા માટે કુશ, મૃગચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ. આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ.

તેના પર દૃઢતાપૂર્વક બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને, મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેણે શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દૃઢતાપૂર્વક સ્થિત કરીને આંખનાં હલન ચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ.

આ પ્રમાણે, પ્રશાંત, ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ.

આ પ્રમાણે, સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે.

હે અર્જુન! જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે, અતિ નિંદ્રા કરે છે કે અતિ અલ્પ નિંદ્રા કરે છે, તે યોગમાં સફળતા પ્રાપ્ત કરતો નથી.

પરંતુ જે લોકો આહાર લેવામાં અને આનંદપ્રમોદ કરવામાં સંયમિત રહે છે, કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત રહે છે, તે યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે.

પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને તેને આત્માના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં તલ્લીન કરી દે છે. આવા મનુષ્યો યોગમાં સ્થિત કહેવાય છે અને તેઓ ઇન્દ્રિયોની સર્વ વાસનાઓથી મુક્ત હોય છે.

જે પ્રમાણે વાયુરહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે.

જયારે મન માયિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે, ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્ત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે.

યોગની તે આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે, તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપિ સનાતન સત્યથી વિચલિત થતો નથી.

આ અવસ્થા પ્રાપ્ત કરીને મનુષ્ય અન્ય કોઈ સિદ્ધિને મહાન ગણતો નથી. આ પ્રમાણે સ્થિત થયેલ મનુષ્ય મોટામાં મોટી આપત્તિમાં પણ વિચલિત થતો નથી.

દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે. આ યોગની દૃઢતાપૂર્વક કૃતનિશ્ચયી બની, નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ.

સંસારના ચિંતનથી ઉદ્ભવતી સર્વ ઈચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ. ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક, બુદ્ધિપૂર્વક દૃઢ પ્રતીતિ સાથે, મન કેવળ ભગવાનમાં સ્થિર થઇ જશે અને અન્ય કંઈપણ ચિંતન કરશે નહીં.

ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જયારે જયારે ભટકતું હોય, ત્યાં ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ.

જે યોગીનું મન શાંત છે, જેની કામનાઓ વશમાં છે, જે પાપરહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જોવે છે; તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે.

આત્મસંયમી યોગી, આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે.

સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દૃષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે.

જેઓ મને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જોવે છે, તેમનાથી હું કદાપિ દૂર થતો નથી અને તેઓ પણ મારાથી કદાપિ દૂર થતા નથી.

જે યોગી મારી સાથેના જોડાણમાં સ્થિત થઈને સર્વ પ્રાણીઓમાં વિદ્યમાન પરમાત્મા તરીકે મને ભજે છે, તે સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં મારામાં સ્થિત રહે છે.

હું તેમને પરમ સિદ્ધ યોગી માનું છું કે જેઓ સર્વ જીવંત પ્રાણીઓમાં વાસ્તવિક સમાનતાનું દર્શન કરે છે અને અન્યના સુખો અને દુઃખોને પોતાના ગણીને પ્રતિક્રિયા આપે છે.

અર્જુને કહ્યું: હે મધુસુદન! આપે જે યોગ પ્રણાલીનું વર્ણન કર્યું છે, તે અવ્યવહારુ અને અપ્રાપ્ય લાગે છે; કારણ કે, મન ચંચળ છે.

મન અતિ ચંચળ, ઉપદ્રવી, બળવાન અને દુરાગ્રહી છે. હે કૃષ્ણ! મને તો તે વાયુને વશ કરવા કરતાં પણ અધિક દુષ્કર લાગે છે.

શ્રી કૃષ્ણ બોલ્યા: હે મહાબાહુ કુંતીપુત્ર! તું જે કહે છે તે સત્ય છે; મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં અતિ કઠિન છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.

જેનું મન નિરંકુશ છે તેને માટે યોગની પ્રાપ્તિ કઠિન છે. પરંતુ જેણે મનને સંયમિત કરવાનું શીખી લીધું છે અને જે ઉચિત સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે છે તે યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આ મારો અભિપ્રાય છે.

અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ! તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર ચાલવાનું આરંભ કરે છે પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે?

હે મહાબાહુ શ્રીકૃષ્ણ! શું યોગના માર્ગેથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતાઓથી વંચિત રહેતો નથી અને બંને લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યા વિના છિન્નભિન્ન વાદળોની જેમ નષ્ટ થઈ જતો નથી?

હે શ્રીકૃષ્ણ! કૃપા કરીને મારા આ સંદેહનું પૂર્ણપણે નિવારણ કરો, કારણ કે આપના અતિરિક્ત અન્ય કોણ તે કરી શકે તેમ છે?

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે પાર્થ! જેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. મારા પ્રિય મિત્ર! જે ભગવદ્દ-પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે, તેની કદાપિ અધોગતિ થતી નથી.

અસફળ યોગી, મૃત્યુ પશ્ચાત્,અસફળ યોગી પુણ્યશાળીઓના લોકમાં જાય છે. ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પુન: પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે. અથવા જો તેમનામાં અધિક યોગિક સાધનાને કારણે ઉદાસીનતાનો વિકાસ થયો હોય તો તેઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન કુળમાં જન્મ લે છે. આ જગતમાં આવો જન્મ પ્રાપ્ત કરવો અત્યંત દુર્લભ છે.

હે કુરુપુત્ર! આવો જન્મ પામીને તેઓ તેમના પૂર્વજન્મનાં જ્ઞાનને પુન:જાગૃત કરે છે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અધિક કઠિન પરિશ્રમ કરે છે.

ખરેખર, તેઓ તેમના પૂર્વજન્મોના આત્મસંયમનાં બળથી, તેમની ઈચ્છાથી વિપરીત, ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે. આવા જિજ્ઞાસુઓ શાસ્ત્રોનાં કર્મકાંડી સિદ્ધાંતોથી સ્વત: ઉપર ઉઠી જાય છે.

જયારે આ યોગીઓ અનેક પૂર્વજન્મોની સંચિત પાત્રતા સાથે અધિક આધ્યાત્મિક પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોમાં વ્યસ્ત થાય છે ત્યારે તેઓ સાંસારિક કામનાઓથી વિશુદ્ધ થઈ જાય છે અને આ જ જીવન દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.

યોગી તપસ્વી કરતાં શ્રેષ્ઠ હોય છે, જ્ઞાની કરતાં શ્રેષ્ઠ હોય છે અને કર્મી કરતા પણ શ્રેષ્ઠ હોય છે. તેથી, હે અર્જુન, તું યોગી બનવાનો પ્રયાસ કર.

સર્વ યોગીઓમાં જેમનું મન નિત્ય મારામાં તલ્લીન રહે છે, જે પૂર્ણ શ્રદ્ધાથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેમને હું સર્વ શ્રેષ્ઠ માનું છે.