Bhagavad Gita: Chapter 6, Verse 10

યોગી યુઞ્જીત સતતમાત્માનં રહસિ સ્થિતઃ ।
એકાકી યતચિત્તાત્મા નિરાશીરપરિગ્રહઃ ॥૧૦॥

યોગી—યોગી; યુઞ્જીત —ધ્યાનમાં સ્થિત રહેવું જોઈએ; સતતમ્—સતત; આત્માનમ્—સ્વ; રહસિ—એકાંત સ્થાનમાં; સ્થિત:—રહે છે; એકાકી—એકલો; યત-ચિત્ત-આત્મા—નિયંત્રિત મન અને શરીર સહિત; નિરાશી:—આશાઓથી મુક્ત; અપરિગ્રહ:—ભોગ પ્રત્યેના સ્વામિત્વની ઈચ્છાથી મુક્ત.

Translation

BG 6.10: જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે, તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ, નિયંત્રિત મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ, ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ.

Commentary

જેમણે યોગ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, તેમનાં લક્ષણોની ચર્ચા કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે તે માટે આવશ્યક સ્વ-ઉન્મુખતાની ચર્ચા કરે છે. કોઈપણ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરવા માટે દૈનિક સાધના આવશ્યક છે. ઓલિમ્પિક સ્વીમિંગ ચેમ્પિયન એ નથી બની શકતો કે જે સપ્તાહમાં એકવાર શનિવાર સાંજે પાડોશના સ્થાનિક સ્વીમીંગ પુલમાં જતો હોય. જે દરરોજ અનેક કલાકો સુધી અભ્યાસ કરે છે, કેવળ તે જ ઓલિમ્પિકમાં વિજય પ્રાપ્ત કરવા માટેની નિપુણતા કેળવી શકે છે. આધ્યાત્મિક નિપુણતા માટે પણ સાધના આવશ્યક છે.

શ્રીકૃષ્ણ હવે ધ્યાનની દૈનિક સાધનાની ભલામણ કરીને આધ્યાત્મિક નિપુણતાની પૂર્ણતાની પ્રક્રિયા અંગે સમજૂતી આપે છે. તેઓ પ્રથમ એકાંત સ્થાનની આવશ્યક્તાનો ઉલ્લેખ કરે છે. સામાન્યત: સમગ્ર દિવસ દરમિયાન આપણે સંસારી વાતાવરણથી ઘેરાયેલા હોઈએ છીએ; આ માયિક પ્રવૃત્તિઓ, લોકો, અને વાર્તાલાપો એ સર્વ આપણા મનને અધિક સાંસારિક બનાવવાનું વલણ ધરાવે છે. મનને ભગવાન પ્રત્યે સન્મુખ કરવા માટે આપણે પ્રતિદિન થોડોક સમય એકાંત સાધના માટે સમર્પિત કરવો આવશ્યક છે.

દૂધ અને પાણીની ઉપમા આ વિષયના સ્પષ્ટીકરણમાં સહાયરૂપ બનશે. જો દૂધને પાણીમાં રેડવામાં આવે તો તે પોતાની વિશુદ્ધ ઓળખ જાળવી શકતું નથી; કારણ કે જળ સહજતાથી તેની સાથે ભળી જાય છે. પરંતુ જો દૂધને પાણીથી અલગ રાખીને તેને દહીંમાં રૂપાંતરિત કરવામાં આવે અને તે દહીંને મથીને માખણ કાઢવામાં આવે તો તે માખણ અમિશ્રણીય બની જાય છે. હવે તે પાણીને પડકારી શકે છે, “હું તારા શિર પર બેસીશ અને તરીશ; તું મને કંઈ નહીં કરી શકે કારણ કે હવે હું માખણ બની ગયું છું.” આપણું મન દૂધ સમાન છે અને સંસાર જળ સમાન છે. સંસારના સંપર્કથી મન તેનાથી પ્રભાવિત થાય છે અને સંસારી બની જાય છે. પરંતુ, એકાંતનું વાતાવરણ ઇન્દ્રિયજન્ય પદાર્થોના ન્યૂનતમ સંપર્ક માટેનો અવસર પ્રદાન કરે છે, પરિણામે તે મનનાં ઉત્થાન માટે અને તેને ભગવાનમાં મગ્ન કરવા માટે અનુકૂળ બની રહે છે. એકવાર ભગવાન માટે પર્યાપ્ત માત્રામાં આસક્તિ કેળવી લે છે, પશ્ચાત્ મનુષ્ય સંસારને પડકારી શકે છે, “હું માયાની સર્વ દ્વૈતતાની મધ્યે રહીશ, પરંતુ તેનાથી અસ્પૃશ્ય રહીશ.”

આ એકાંત અંગેનો ઉપદેશ શ્રીકૃષ્ણ દ્વારા શ્લોક સં. ૧૮.૫૨માં પુન: આપવામાં આવ્યો છે: વિવિક્ત સેવી લઘ્વાશી  “એકાંત સ્થાનમાં નિવાસ કરો; તમારા આહારને નિયંત્રિત કરો.” આપણા વ્યાવસાયિક અને સામાજિક કાર્યને ખલેલ પહોંચાડયા વિના આ ઉપદેશના વ્યાવહારિક અમલીકરણ માટે એક સુંદર માર્ગ છે. આપણા દૈનિક કાર્યક્રમમાં આપણે અમુક ચોક્કસ સમય આધ્યાત્મિક સાધના માટે ફાળવી શકીએ, જેમાં સંસારી ખલેલોથી મુક્ત હોય એવા ઓરડામાં આપણી જાતને એકાંત આપવું જોઈએ. સંસારથી અલગ સ્વયંને એકાંતમાં બંધ કરીને, આપણે મનને શુદ્ધ કરવા અને ભગવાન પ્રત્યેનું ધ્યાન દૃઢ કરવા સાધના કરવી જોઈએ. જો આપણે પ્રતિદિન આ પ્રમાણે બે કલાક સાધના કરીશું, તો સમગ્ર દિવસ દરમિયાન સંસારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા છતાં સાધનાનું ફળ મેળવી શકીશું. આ પ્રમાણે, આપણે ચેતનાનું ઉન્નત સ્તર, કે જે સંસારથી અલગ રહીને કરેલી દૈનિક સાધના દ્વારા પ્રાપ્ત કર્યું છે, તે જાળવી રાખવા સક્ષમ બનીશું.