Bhagavad Gita: Chapter 6, Verse 15

યુઞ્જન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ ।
શાન્તિં નિર્વાણપરમાં મત્સંસ્થામધિગચ્છતિ ॥૧૫॥

યુઞ્જન—મનને ભગવાનમાં તલ્લીન કરીને; એવમ્—આ રીતે; સદા—નિરંતર; આત્માનમ્—મન; યોગી—યોગી; નિયત-માનસ:—સંયમિત મન ધરાવતો; શાન્તિમ્—શાંતિ; નિર્વાણ—માયિક બંધનોથી મોક્ષ; પરમામ્—પરમ; મત્-સંસ્થામ્—મારામાં સ્થિત થવું; અધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.

Translation

BG 6.15: આ પ્રમાણે, સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે.

Commentary

વિશ્વભરમાં ધ્યાન માટેની વૈવિધ્યપૂર્ણ પદ્ધતિઓ અસ્તિત્વમાન છે. જેમ કે, ઝેન પદ્ધતિ, બુદ્ધ તકનિક, તાંત્રિક તકનિક, તાઓ તકનિક, વૈદિક તકનિક વગેરે વગેરે. આ સર્વની અનેક પ્રશાખાઓ છે. હિંદુ ધર્મના અનુયાયીઓમાં પણ અસંખ્ય તકનિકો દ્વારા  સાધના કરવામાં આવે છે. આ બધામાંથી અંગત સાધના માટે કઈ તકનિક અપનાવવી જોઈએ? શ્રીકૃષ્ણ આ કોયડો સરળતાથી ઉકેલી આપે છે. તેઓ કહે છે કે, ધ્યાનનો વિષય સ્વયં ભગવાન અને એકમાત્ર ભગવાન જ હોવા જોઈએ.

ધ્યાનનું લક્ષ્ય કેવળ મનની એકાગ્રતા અને કેન્દ્રિતતામાં વૃદ્ધિ કરવાનું નથી પરંતુ મનને શુદ્ધ કરવાનું પણ છે. શ્વાસ, ચક્રો, શૂન્ય, જ્યોતિ, વગેરે અંગેનું ધ્યાન એકાગ્રતામાં વૃદ્ધિ થવામાં સહાયરૂપ થાય છે. તેથી મનનું શુદ્ધિકરણ ત્યારે જ સંભવિત છે કે જયારે આપણે તેને પૂર્ણ શુદ્ધ ઉપર કેન્દ્રિત કરીએ, જે ભગવાન સ્વયં છે. શ્લોક સં.૧૪.૨૬ અનુસાર, ભગવાન માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પરે છે અને જયારે વ્યક્તિ મનને તેમના પર સ્થિર કરે છે ત્યારે તે પણ ત્રણ ગુણોથી ઉપર ઊઠી જાય છે. આ પ્રમાણે, પ્રાણ ઉપર ધ્યાન કરવાને તેના સાધક ભલે ગુણાતીત કહેતા હોય પણ ભગવાનનું ધ્યાન એ વાસ્તવિક ગુણાતીત ધ્યાન છે.

હવે ભગવાનમાં મનને સ્થિર કરવાનો માર્ગ કયો છે? આપણે ભગવાનના પ્રત્યેક દિવ્ય પ્રતિકો—નામ, ગુણો, લીલાઓ, ધામો, પરિકરો—ને ધ્યાનનો વિષય બનાવી શકીએ. તે સર્વ ભગવાનથી અભિન્ન છે અને તેમની સર્વ શક્તિઓથી પરિપૂર્ણ છે. તેથી, સાધક આમાંથી કોઈનું પણ ધ્યાન કરી શકે છે અને ભગવાનનું જ ધ્યાન કરવાનો લાભ મેળવે છે. ભારતમાં પ્રચલિત વિવિધ ભક્તિ પરંપરાઓમાં ભગવદ્-નામને ચિંતનનો આધાર બનાવાય છે. રામાયણ વર્ણવે છે:

બ્રહ્મ રામ તેં નામુ બડ, બર દાયક બર દાનિ

“આત્માની ઉન્નતિની દૃષ્ટિએ ભગવાનનું નામ સ્વયં ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ છે.” ભગવાનના નામનો જાપ એ ભગવદ્-સ્મરણનો સુગમ માર્ગ છે કારણ કે તે અત્ર, તત્ર અને સર્વત્ર—ચાલતાં, વાતો કરતાં, ખાતા,પીતાં—કરી શકાય છે.

આમ છતાં, અધિકાંશ સાધકો માટે કેવળ નામ માત્ર મનને આકર્ષિત કરવા માટે પર્યાપ્ત હોતું નથી. અનંત જન્મોના સંસ્કારોને કારણે મન સ્વાભાવિક રીતે સ્વરૂપ તરફ ખેંચાય છે. ભગવાનના સ્વરૂપનો આધાર લેવાથી ધ્યાન સહજ અને સરળ બની જાય છે. આને રૂપધ્યાન કહે છે.

એકવાર મન ભગવાનના રૂપ ઉપર કેન્દ્રિત થઈ જાય, પશ્ચાત્ આપણે તેમાં ભગવાનના ગુણો—તેમની કરુણા, તેમનું સૌન્દર્ય, તેમનું જ્ઞાન, તેમનો પ્રેમ, તેમનું ઔદાર્ય, તેમની કૃપા, વગેરે—નું ચિંતન કરીને વૃદ્ધિ કરી શકીએ. પશ્ચાત્ વ્યક્તિ મનથી ભગવાનની સેવા કરીને ધ્યાનમાં પ્રગતિ કરી શકે છે. આપણે ભગવાનને પ્રસાદ ધરાવવાની, તેમની ભક્તિ કરવાની, તેમને સંગીત સંભળાવવાની, તેમની માલીશ કરવાની, તેમને પંખો નાખવાની, તેમનું સ્નાન કરવાની, તેમના માટે ભોજન બનાવવાની વગેરેની તાદૃશ્ય કલ્પના કરી શકીએ છીએ. આને માનસી સેવા (ભગવાનની માનસિક સેવા) કહેવામાં આવે છે. આ પ્રમાણે, આપણે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, વગેરેનું ધ્યાન ધરી શકીએ છીએ. આ શ્લોકમાં શ્રીકૃષ્ણે અર્જુનને ‘તેમનામાં મનને લીન રાખવાનો’ આપેલો ઉપદેશ ફળીભૂત કરવા માટે આ સર્વ શક્તિશાળી સાધનો છે.

આ શ્લોકના અંતમાં, શ્રીકૃષ્ણ ધ્યાનના અંતિમ લાભ—માયાથી મુક્તિ અને ભગવદ્-સાક્ષાત્કારના નિતાંત દિવ્યાનંદ—અંગે જણાવે છે.