Bhagavad Gita: Chapter 6, Verse 22

યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ ।
યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે ॥૨૨॥

યમ્—જેને; લબ્ધવા—પ્રાપ્ત કરીને; ચ—અને; અપરમ્—અન્ય; લાભમ્—લાભ; મન્યતે—માને છે; ન—કદી નહીં; અધિકમ્—અધિક; તત:—તેના કરતાં; યસ્મિન્—જેમાં; સ્થિત:—સ્થિત થયેલ; ન—કદી નહીં; દુ:ખેન—દુઃખોથી; ગુરુણા—મહાન; અપિ—છતાં; વિચાલ્યતે—વિચલિત થાય છે.

Translation

BG 6.22: આ અવસ્થા પ્રાપ્ત કરીને મનુષ્ય અન્ય કોઈ સિદ્ધિને મહાન ગણતો નથી. આ પ્રમાણે સ્થિત થયેલ મનુષ્ય મોટામાં મોટી આપત્તિમાં પણ વિચલિત થતો નથી.

Commentary

માયિક ક્ષેત્રમાં કોઈપણ ઊંચાઈની ઉપલબ્ધિ મનુષ્યને પૂર્ણત: તૃપ્ત કરતી નથી. નિર્ધન વ્યક્તિ ધનવાન બનવા અથાક્ પ્રયાસો કરે છે અને તે અથવા તેણી જો લખપતિ બની જાય તો તૃપ્તિનો અનુભવ કરે છે. પરંતુ આ જ લખપતિ જયારે કરોડપતિને જોવે છે, તો અતૃપ્તિ પુન: જાગૃત થઈ જાય છે. કરોડપતિ પણ તેનાથી અધિક ધનવાન વ્યક્તિને જોઈને અતૃપ્ત થાય છે. આપણે અધિકમાં અધિક સુખ મેળવીને પણ જયારે સુખની ઉચ્ચતર અવસ્થા જોઈએ છીએ ત્યારે અપરિપૂર્ણતાની ભાવના નિરંતર ચાલુ જ રહે છે. પરંતુ યોગ દ્વારા પ્રાપ્ત કરેલ આનંદ એ ભગવાનનો અનંત આનંદ હોય છે. તેનાથી અધિક શ્રેષ્ઠ કંઈપણ ન હોવાથી તે અનંત આનંદનો અનુભવ કરીને આત્મા સ્વાભાવિક રીતે બોધ પામે છે કે તે તેના લક્ષ્ય સુધી પહોંચી ગયો છે.

ભગવાનનો દિવ્ય આનંદ શાશ્વત પણ હોય છે અને એકવાર યોગી તેને પ્રાપ્ત કરી લે છે તત્પશ્ચાત્ તેની પાસેથી તેને કોઈ છીનવી શકતું નથી. આવો ભગવદ્-પ્રાપ્ત જીવાત્મા ભૌતિક શરીરમાં વાસ કરવા છતાં દિવ્ય ચેતનામાં નિવાસ કરે છે. કેટલીક વાર, બાહ્ય દૃષ્ટિએ એમ લાગે કે આવા સંત માંદગી, વિરોધી મનુષ્યો અને જુલમી પરિસ્થિતિઓના રૂપે કષ્ટોનો સામનો કરી રહ્યા છે પરંતુ આંતરિક દૃષ્ટિએ તે સંત દિવ્ય ચેતના જાળવી રાખે છે અને ભગવાનનો આનંદ માણવાનું નિરંતર ચાલુ રાખે છે. આ પ્રમાણે, કઠિનમાં કઠિન વિપત્તિ પણ આવા સંતને વિચલિત કરી શકતી નથી. ભગવાન સાથેના સંયોગમાં સ્થિત થઈને આવા સંત દૈહિક ચેતનાથી ઉપર ઊઠી જાય છે અને પરિણામે શારીરિક હાનિના પ્રભાવથી મુક્ત રહે છે. આપણે પુરાણોમાં જોયું છે કે કેવી રીતે પ્રહલાદને સર્પોથી ભરેલા ખાડામાં ધકેલી દેવાયા હતા, શસ્ત્રોથી યાતના આપવામાં આવી, અગ્નિમાં બેસાડવામાં આવ્યા હતા, ભેખડ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા વગેરે. પરંતુ આમાંથી કોઈપણ આપત્તિ પ્રહલાદના ભગવાન સાથેના ભક્તિયુક્ત તાદાત્મ્યને વિચલિત કરી શકી નહિ.