Bhagavad Gita: Chapter 6, Verse 29

સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ ॥૨૯॥

સર્વ-ભૂત-સ્થમ્—સર્વ પ્રાણીઓમાં સ્થિત; આત્માનમ્—પરમાત્મા; સર્વ—સર્વ; ભૂતાનિ—જીવોને; ચ—અને; આત્મનિ—ભગવાનમાં; ઇક્ષતે—જુએ છે; યોગ-યુક્ત-આત્મા—ચેતના દ્વારા ભગવાન સાથે જોડાયેલ; સર્વત્ર—સર્વત્ર; સમ-દર્શન:—સમભાવે જોનાર.

Translation

BG 6.29: સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દૃષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે.

Commentary

ભારતમાં દિવાળીના પર્વ દરમિયાન દુકાનોમાં ભિન્ન-ભિન્ન પ્રકારના બીબાંઓમાં ઢાળેલી ખાંડની મોટરકાર, પુરુષ, સ્ત્રી, પ્રાણીઓ, દડો, ટોપી વગેરે વિવિધ સ્વરૂપની મીઠાઈઓ વેચવામાં આવે છે. બાળકો તેમના માતા-પિતા પાસે જીદ કરે છે કે તેમને મોટરકાર જોઈએ છે કે હાથી જોઈએ છે વગેરે... માતા-પિતા તેમની નિર્દોષતા પર હસે છે કે આ બધી મીઠાઈઓ એક જ ખાંડમાંથી બનાવવામાં આવી છે અને સમાન મધુરતા ધરાવે છે.

એ જ પ્રમાણે, પ્રત્યેક અસ્તિત્વમાન પદાર્થના ઘટકોમાં સ્વયં ભગવાન તેમની વિવિધ શક્તિઓના સ્વરૂપે સ્થિત છે.

             એક દેશસ્થિતસ્યાગ્નિર્જ્યોત્સના વિસ્તારિણી યથા

            પરસ્ય બ્રહ્મણ: શક્તિસ્તથેદમખિલં જગત્ (નારદ પંચરાત્ર)

“જે પ્રમાણે સૂર્ય, એક સ્થાને રહીને તેનો પ્રકાશ સર્વત્ર પાથરે છે, તે જ પ્રમાણે, પરમાત્મા તેમની વિવિધ શક્તિઓથી અસ્તિત્વ ધરાવતા પ્રત્યેક પદાર્થમાં વ્યાપ્ત રહે છે અને તેને ટકાવી રાખે છે. સિદ્ધ યોગીઓ, પ્રાપ્ત જ્ઞાનના પ્રકાશમાં પ્રત્યેક પદાર્થને ભગવાનના અનુસંધાનમાં જોવે છે.