આરુરુક્ષોર્મુનેર્યોગં કર્મ કારણમુચ્યતે ।
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે ॥૩॥
આરુરુક્ષો:—નવશિક્ષિત; મુને:—મુનિનો; યોગમ્—યોગ; કર્મ—આસક્તિ વિના કાર્ય કરવું; કારણમ્—કારણ; ઉચ્યતે—કહેવાય છે; યોગ આરૂઢસ્ય—યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ; તસ્ય—તેનો; એવ—નિશ્ચિત; શમ:—ધ્યાન; કારણમ્—કારણ; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 6.3: યોગમાં પૂર્ણતા માટે અભિલાષી નવોદિત જીવાત્મા માટે આસક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે; જયારે મુનિ કે જે સિદ્ધ યોગી છે, તેના માટે ધ્યાનમાં પરમશાંતિ એ જ સાધન કહેવાય છે.
Commentary
તૃતીય અધ્યાયના, દ્વિતીય શ્લોકમાં શ્રીકૃષ્ણ કલ્યાણ-પ્રાપ્તિ માટે બે માર્ગોનો ઉલ્લેખ કરે છે—ચિંતનનો માર્ગ અને કર્મનો માર્ગ. આ બંનેની તુલનામાં તેઓ અર્જુનને કર્મના માર્ગનું અનુસરણ કરવા ઉપદેશ આપે છે. પુન: પંચમ અધ્યાયમાં, દ્વિતીય શ્લોકમાં, તેઓ કર્મ માર્ગને ઉચિત માર્ગ તરીકે ઘોષિત કરે છે. શું તેનો અર્થ એવો થાય કે, આપણે સમગ્ર જીવનકાળ પર્યંત કર્મ જ કરતા રહેવું? આ અપેક્ષિત પ્રશ્નના ઉત્તર રૂપે શ્રીકૃષ્ણ કર્મ માટેની મર્યાદા નિશ્ચિત કરે છે. જયારે આપણે કર્મયોગનું પાલન કરીએ છીએ ત્યારે તે મનના શુદ્ધિકરણ અને આધ્યાત્મિક જ્ઞાનની પરિપકવતા તરફ દોરી જાય છે. પરંતુ જયારે મન શુદ્ધ થઈ જાય છે અને આપણે યોગમાં પારંગત થઈ જઈએ છીએ પશ્ચાત્ કર્મયોગનો ત્યાગ કરીને કર્મ સંન્યાસ લઈ શકીએ છીએ. હવે સાંસારિક પ્રવૃત્તિઓનો કોઈ ઉદ્દેશ્ય રહેતો નથી અને હવે ધ્યાન સાધન બની જાય છે.
તેથી, આપણે જે માર્ગનું અનુસરણ કરતા હોઈએ તે આપણી પાત્રતાની ગરણીમાંથી ગાળીને નિશ્ચિત કરવો જોઈએ. આ શ્લોકમાં શ્રીકૃષ્ણ પાત્રતાના માપદંડ અંગેની સ્પષ્ટતા કરે છે. તેઓ કહે છે કે જે યોગ-અભિલાષી છે તેમને માટે કર્મયોગ અધિક ઉચિત છે; અને જે યોગ સિદ્ધ પુરુષ છે તેમને માટે કર્મ સંન્યાસ ઉચિત છે.
યોગ શબ્દ ધ્યેય અને ધ્યેય પ્રાપ્તિની પ્રક્રિયા બંનેનું સૂચન કરે છે. જયારે આપણે તેની ધ્યેય સ્વરૂપે ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણે યોગ શબ્દનો ઉપયોગ “ભગવાન સાથેનું જોડાણ” તરીકે કરીએ છીએ. અને જયારે આપણે તેની પ્રક્રિયા તરીકે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે યોગ શબ્દનો ઉપયોગ ભગવાન સાથેના જોડાણ અંગેનો ‘માર્ગ’ તરીકે કરીએ છીએ.
આ સંદર્ભમાં, યોગ એક નિસરણી સમાન છે, જે ચડીને આપણે ભગવાન સુધી પહોંચીએ છીએ. નિમ્નતર પગથિયા પર આત્મા ભૌતિક વિષયોમાં વ્યસ્ત ચેતના સાથે સંસારમાં અટકેલો રહે છે. યોગરૂપી નિસરણી આત્માને તે સ્તરેથી, જ્યાં ચેતના દિવ્યતામાં તલ્લીન હોય છે, તે સ્તર સુધી લઈ જાય છે. આ નિસરણીના વિવિધ સોપાનના વિભિન્ન નામ હોય છે, પરંતુ આ સર્વ માટે યોગ એ એક સામાન્ય શબ્દ છે. યોગ-આરુરુક્ષુ એ એવા સાધક છે, જે ભગવાન સાથેના જોડાણ માટેની અભિલાષા ધરાવે છે અને જેણે આ નિસરણી ચડવાનો પ્રારંભ જ કર્યો છે. યોગ-આરૂઢ એવા લોકો છે, જેઓ આ નિસરણીમાં ઉન્નત થઈ ચૂક્યા છે.