Bhagavad Gita: Chapter 6, Verse 37

અર્જુન ઉવાચ ।
અયતિઃ શ્રદ્ધયોપેતો યોગાચ્ચલિતમાનસઃ ।
અપ્રાપ્ય યોગસંસિદ્ધિં કાં ગતિં કૃષ્ણ ગચ્છતિ ॥૩૭॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; અયતિ:—પ્રમાદી; શ્રદ્ધયા—શ્રદ્ધાથી; ઉપેત:—સંપન્ન; યોગાત્—યોગથી; ચલિત-માનસ:—જેનું મન વિચલિત છે; અપ્રાપ્ય—પ્રાપ્ત કરવામાં અસફળ; યોગ-સંસિદ્ધિમ્—યોગની સર્વોચ્ચ સિદ્ધિ; કામ્—કઈ; ગતિમ્—લક્ષ્ય; કૃષ્ણ—શ્રીકૃષ્ણ; ગચ્છતિ—જાય છે.

Translation

BG 6.37: અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ! તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર ચાલવાનું આરંભ કરે છે પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે?

Commentary

ભગવદ્-પ્રાપ્તિની યાત્રાનો પ્રારંભ શ્રદ્ધા સાથે થાય છે. અનેક નિષ્ઠાવાન સાધકો તેમના પૂર્વજન્મનાં સંસ્કારોને કારણે અથવા સંત સાનિધ્યને કારણે અથવા સંસારની વિપરીતતાને કારણે શાસ્ત્રોમાં વર્ણિત દિવ્ય જ્ઞાનમાં શ્રદ્ધા ધરાવતા હોય છે. અન્ય પણ અનેક કારણો છે કે જે યાત્રાના આરંભ માટે આવશ્યક શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. આમ છતાં, જો મુમુક્ષુઓ પર્યાપ્ત પ્રયાસો ન કરે અને પ્રમાદી બની જાય તો મન વિચલિત થઈ જાય છે. આવા મુમુક્ષુઓ આ જીવન દરમિયાન યાત્રા પૂર્ણ કરવા અસમર્થ બની જાય છે. અર્જુન આવા સાધકોના ભાગ્ય અંગે પૃચ્છા કરે છે.