Bhagavad Gita: Chapter 7, Verse 11

બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્ ।
ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ ॥ ૧૧॥

બલમ્—બળ; બલ-વતામ્—બળવાનોનું; ચ—અને; અહમ્—હું; કામ—ઈચ્છા; રાગ—આસક્તિ; વિવર્જિતમ્—રહિત; ધર્મ-અવિરુદ્ધ:—જે ધર્મની વિરુદ્ધ નથી; ભૂતેષુ—સર્વ પ્રાણીઓમાં; કામ:—જાતીય ક્રિયાઓ; અસ્મિ—(હું) છું; ભરત-ઋષભ —અર્જુન, ભરતવંશીઓમાં શ્રેષ્ઠ.

Translation

BG 7.11: હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એ કામક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી.

Commentary

રાગ એ અપ્રાપ્ય પદાર્થો માટેની સક્રિય કામના છે. આસક્તિ એ નિષ્ક્રિય માનસિક મનોવેગ છે, જે પહેલાં ઉપભોગ કરેલો હોય તેવા ઈચ્છિત પદાર્થને અધિક ભોગવવાની તરસને ઉત્તેજિત કરે છે. તેથી શ્રીકૃષ્ણ કામ-રાગ- વિવર્જિતમ્  અર્થાત્ “કામ અને રાગથી રહિત”,નો ઉલ્લેખ કરીને તેમની શક્તિની પ્રકૃતિ સ્પષ્ટ કરે છે. તેઓ પ્રશાંત અને ઉદાત્ત શક્તિ છે, જે લોકોને વિચલિત થયા વિના કે અટક્યા વિના તેમના કર્તૃત્ત્વનું પાલન કરવા માટે સામર્થ્ય પ્રદાન કરે છે.

જાતીય પ્રવૃત્તિઓ કે જે નિયમબદ્ધ સિદ્ધાંતોથી રહિત છે અને ઇન્દ્રિયોના ઉપભોગના પ્રયોજનથી કાર્યાન્વિત થાય છે, તેને પાશવી પ્રવૃત્તિ માનવામાં આવે છે. પરંતુ ગૃહસ્થાશ્રમના ભાગરૂપે, જયારે તે ધર્મ વિરુદ્ધ ન હોય અને પ્રજોત્પત્તિના પ્રયોજનથી કાર્યાન્વિત થાય છે ત્યારે તેને શાસ્ત્રોના આદેશને સંમત ગણવામાં આવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ લગ્ન પ્રણાલીની અંતર્ગત આવી સદાચારી, નિયંત્રિત અને સદ્દહેતુ પૂર્ણ જાતીય પ્રવૃત્તિ છે.