Bhagavad Gita: Chapter 7, Verse 12

યે ચૈવ સાત્ત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે ।
મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ ॥ ૧૨॥

યે—જે કંઈ; ચ—અને; એવ—નિશ્ચિત; સાત્ત્વિકા:—સત્ત્વગુણી; ભાવા:—ભૌતિક અસ્તિત્વની અવસ્થા; રાજસા:—રજોગુણી; તામસા:—તમોગુણી; ચ—અને; યે—જે કંઈ; મત્ત:—મારાથી; એવ—નિશ્ચિત; ઇતિ—આ રીતે; તાન્—તેઓ; વિદ્ધિ—જાણ; ન—નહીં; તુ—પરંતુ; અહમ્—હું; તેષુ—તેમનામાં; તે—તેઓ; મયિ—મારામાં.

Translation

BG 7.12: માયિક અસ્તિત્ત્વની ત્રણ અવસ્થાઓ—સાત્ત્વિક, રાજસી અને તામસી—મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમનાથી પરે છું.

Commentary

અગાઉના ચાર શ્લોકોમાં સ્વયંના મહિમાનું વર્ણન કરીને શ્રીકૃષ્ણ હવે આ શ્લોકમાં તેની સમીક્ષા કરે છે. તેઓ પ્રભાવશાળી શૈલીથી કહે છે કે, “અર્જુન, મેં સ્પષ્ટ કર્યું છે કે હું સર્વ પદાર્થોનો અર્ક છું. પરંતુ તેની વિસ્તૃતતામાં ઊંડા ઉતરવાનો કોઈ અર્થ નથી. સર્વ શુભ-અશુભ અને ખરાબ પદાર્થો તેમજ સર્વ અવસ્થાઓનું અસ્તિત્ત્વ મારી શક્તિ દ્વારા જ સંભવિત છે.”

યદ્યપિ સર્વ પદાર્થો ભગવાનમાંથી જ પ્રગટ થાય છે, છતાં તેઓ તેમનાથી સ્વતંત્ર છે અને બધા જ પદાર્થોથી પરે છે. આલ્ફ્રેડ ટેનીસને આ વિષય તેમની પ્રસિદ્ધ કવિતા “ઈન મેમોરિયમ” માં અભિવ્યક્ત કર્યો છે જેનું ભાષાંતર અહીં આપવામાં આવેલું છે: 

આપણે એક દિનના રહેવાસી,

હમણાં આથમી જશું,

તેઓ ઇશ્વરના તેજનું કિરણ છે,

અને તે તેજપુંજ તેમનામાં જ રહે છે.