Bhagavad Gita: Chapter 7, Verse 17

તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ॥ ૧૭॥

તેષામ્—તેઓમાંના; જ્ઞાની—તેઓ જે જ્ઞાનમાં સ્થિત છે; નિત્ય-યુક્ત:-—સદા દૃઢ; એક—અનન્ય; ભક્તિ:—ભક્તિ; વિશિષ્યતે—શ્રેષ્ઠત્તમ; પ્રિય:—બહુ પ્રિય; હિ—નિશ્ચિત; જ્ઞાનિન:—જ્ઞાની મનુષ્યનો; અત્યર્થમ્—અત્યાધિક; અહમ્—હું; સ:—તે; ચ—અને; મમ—મને; પ્રિય:—પ્રિય.

Translation

BG 7.17: આમાંથી, હું તેમને શ્રેષ્ઠત્તમ માનું છે, જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દૃઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે.

Commentary

તે લોકો કે જે દુઃખને કારણે, સંસારી સંપત્તિની કામનાથી કે જિજ્ઞાસાથી ભગવાનનું સ્મરણ કરે છે, તેમણે હજી સુધી નિષ્કામ ભક્તિ પ્રાપ્ત કરી હોતી નથી. ધીમે ધીમે, ભક્તિની સાધના દરમ્યાન તેમનું હૃદય શુદ્ધ થાય છે અને તેમનામાં ભગવાન સાથેના સનાતન સંબંધનું જ્ઞાન વિકસિત થાય છે. પશ્ચાત્ તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ અનન્ય, એકાગ્ર અને અવિરત બને છે. તેમને એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કે આ સંસાર તેમનો નથી અને તે સુખનો સ્રોત પણ નથી, પરિણામે તેઓ ન તો અનુકૂળ સંજોગો માટે તરસે છે કે ન તો  પ્રતિકૂળ સંજોગો માટે શોક કરે છે. આમ, તેઓ નિષ્કામ ભક્તિમાં સ્થિત થઈ જાય છે. પૂર્ણ શરણાગતિના ભાવથી તેઓ પોતાની જાતને તેમના દિવ્ય પ્રિયતમ પ્રત્યેના પ્રેમની અગ્નિમાં આહુતિ તરીકે હોમી દે છે. તેથી, શ્રીકૃષ્ણ કહે છે કે આવા ભક્તો જે જ્ઞાનમાં સ્થિત છે, તેઓ મને પરમ પ્રિય છે.