Bhagavad Gita: Chapter 7, Verse 26

વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન ।
ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન ॥ ૨૬॥

વેદ—જાણ; અહમ્—હું; સમતીતાનિ—ભૂતકાળ; વર્તમાનાનિ—વર્તમાન; ચ—અને; અર્જુન—અર્જુન; ભવિષ્યાણિ—ભવિષ્ય; ચ—પણ; ભૂતાનિ—સર્વ જીવોને; મામ્—મને; તુ—પરંતુ; વેદ—જાણ; ન કશ્ચન—કોઈ પણ નહીં.

Translation

BG 7.26: હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છે અને હું સર્વ જીવોને જાણું છું; પરંતુ મને કોઈ જાણતું નથી.

Commentary

ભગવાન સર્વજ્ઞ છે. અહીં તેઓ ઘોષણા કરે છે કે તેઓ ત્રિકાળ-દર્શી છે—તેમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન છે. આપણે પોતે થોડા કલાકો પૂર્વે શું વિચારતા હતાં, તેનું આપણને વિસ્મરણ થઈ જાય છે. પરંતુ ભગવાન બ્રહ્માંડના અનંત જીવોના, અનંત જન્મોના, પ્રત્યેક ક્ષણના, પ્રત્યેક વિચાર, વાણી અને કર્મને યાદ રાખે છે. જેને પરિણામે પ્રત્યેક જીવનાં સંચિત કર્મો (અનંત જન્મોના કર્મોનો સંગ્રહ)નું નિર્માણ થાય છે. ભગવાન આ હિસાબની જાળવણી કરે છે કે જેથી તેઓ કર્મના નિયમ પ્રમાણે ન્યાય પ્રદાન કરી શકે. પરિણામ સ્વરૂપ, તેઓ કહે છે કે તેઓ ભૂત, વર્તમાન અને ભાવિ જાણે છે. મુન્ડકોપનિષદ્દ વર્ણન કરે છે:

           ય: સર્વજ્ઞ: સર્વવિદ્યસ્ય જ્ઞાનમયં તપ: (૧.૧.૯)

“ભગવાન સર્વજ્ઞ અને પરમ જ્ઞાતા છે. તેમનું તપ જ્ઞાનમય છે.”

આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ સર્વ જાણતા હોવા છતાં કોઈ તેમને જાણતું નથી. ભગવાનનું તેજ, મહાત્મ્ય, શક્તિઓ, ગુણો અને ક્ષેત્ર અનંત છે. આપણી બુદ્ધિ સીમિત છે અને તેથી કોઈપણ માર્ગે તે સર્વશક્તિમાન ભગવાનને સમજી શકે તેમ નથી. સર્વ વૈદિક ગ્રંથો વર્ણન કરે છે:

            નૈષા તર્કેણ ન મતિરાપનેયા     (કઠોપનિષદ્દ ૧.૨.૯)

“ભગવાન આપણા બૌદ્ધિક તર્કના ક્ષેત્રથી પરે છે.”

           યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ  (તૈત્તિરીય ઉપનિષદ્દ ૨.૯.૧)

“આપણા મન અને વાણી ભગવાન સુધી પહોંચી શકતા નથી.”

           રામ અતર્ક્ય બુદ્ધિ મન બાણી, મત હમાર અસ સુનહિ સયાની (રામાયણ)

“ભગવાનનું વિશ્લેષણ તર્ક દ્વારા કરી શકાતું નથી કે તેમને વાણી,મન અને બુદ્ધિ દ્વારા પહોંચી શકાતું નથી.”

કેવળ એક જ વિભૂતિ છે કે જે ભગવાનને જાણે છે અને તે ભગવાન સ્વયં છે. જો તેઓ અમુક જીવો પર કૃપા વર્ષા કરવાનું નિશ્ચિત કરે તો તેઓ તે સૌભાગ્યશાળી જીવને દિવ્ય બુદ્ધિ પ્રદાન કરે છે. પશ્ચાત્, ભગવાનની શક્તિથી સંપન્ન એ સૌભાગ્યશાળી જીવ ભગવાનને જાણી શકે છે. પરિણામે, ભગવાનને જાણવા માટે કૃપાની વિભાવના સર્વોચ્ચ મહત્તા ધરાવે છે. આ વિષય અંગે આગળ શ્લોક નં. ૧૦.૧૧ અને ૧૮.૫૮માં વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી છે.