Bhagavad Gita: Chapter 7, Verse 30

સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ ।
પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ ॥ ૩૦॥

સ-અધિભૂત—ભૌતિક જગતનું સંચાલન કરનારા સિદ્ધાંત; અધિદૈવમ્—સ્વર્ગીય દેવોનું નિયમન કરતા સિદ્ધાંતો; મામ્—મને; સ-અધિયજ્ઞમ્—સર્વ યજ્ઞોનું નિયમન કરનારા સિદ્ધાંતો; ચ—અને; યે—જેઓ; વિદુ:—જાણ; પ્રયાણ—મૃત્યુ; કાલે—સમયે; અપિ—પણ; ચ—અને; મામ્—મને; તે—તેઓ; વિદુ:—જાણ; યુક્ત-ચેતસ:—મારી ચેતનાથી સંપૂર્ણ યુક્ત.

Translation

BG 7.30: જેઓ મને અધિભૂત (માયાનું ક્ષેત્ર) અને અધિદૈવ (સ્વર્ગીય દેવો) તેમજ અધિયજ્ઞ (સર્વ યજ્ઞ-કાર્યના સ્વામી)નાં સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે.

Commentary

આગામી અધ્યાયમાં, શ્રીકૃષ્ણ જણાવશે કે આધ્યાત્મિક રીતે ઉન્નત જે જીવાત્માઓ દેહ ત્યાગવાના સમયે ભગવાનનું સ્મરણ કરે છે, તેઓ ભગવાનનું ધામ પ્રાપ્ત કરે છે. પરંતુ, મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ અત્યંત દુષ્કર છે. તેનું કારણ એ છે કે, મૃત્યુ એ અતિ કષ્ટદાયક અનુભવ છે. તેની પીડા એક સાથે ૨૦૦૦ વિંછીઓ ડંખ મારી રહ્યા હોય એ સમાન હોય છે. તે પીડા મનુષ્યના મન અને બુદ્ધિની સહનશક્તિ કરતાં અનેકગણી અધિક હોય છે. વળી, મૃત્યુની પૂર્વે જ મન અને બુદ્ધિ કાર્ય કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિની ચેતના શૂન્ય બની જાય છે. આવી પરિસ્થિતિમાં કોઈ ભગવાનનું સ્મરણ કેવી રીતે કરી શકે?

આ એના માટે જ શક્ય છે કે જેઓ દૈહિક સુખ ને દુઃખથી પરે હોય છે. આવા મનુષ્યો સજાગતાથી દેહ છોડે છે. શ્રીકૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે જેઓ તેમને અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞનાં નિયામક તરીકે જાણે છે, તેઓ મૃત્યુ સમયે પણ તેમની ચેતનાથી યુક્ત રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, વાસ્તવિક જ્ઞાન પૂર્ણ ભક્તિ તરફ દોરી જાય છે—મન પૂર્ણપણે ભગવાનમાં લીન થઈ જાય છે. પરિણામ સ્વરૂપે, તે શારીરિક અવસ્થાની તૃષ્ણાઓ અને પરિતાપોથી વિરક્ત થઈ જાય છે. આવા જીવાત્મા શારીરિક ચેતનામાં રહેતા નથી.

અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ આ શબ્દો અંગે આગામી અધ્યાયમાં સમજૂતી આપવામાં આવી છે.