અધ્યાય ૮: અક્ષર બ્રહ્મ યોગ

શાશ્વત ભગવાનનો યોગ

આ અધ્યાય એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્તમાં સ્પષ્ટતા કરે છે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પશ્ચાત્ આત્માના ગંતવ્યનો નિર્ણય કયા આધારે થાય છે. જો દેહત્યાગ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ તો નિશ્ચિતરૂપે તેમની પ્રાપ્તિ થશે. તેથી આપણે આપણા દૈનિક કાર્યોની સાથે પ્રત્યેક ક્ષણે ભગવાનનું ચિંતન અને સ્મરણની સાધના કરવી આવશ્યક છે. આપણે તેમની વિશેષતાઓ, લક્ષણો અને ગુણોનું ચિંતન કરીને તેમનું સ્મરણ કરી શકીએ છીએ. આપણે નામ સંકીર્તન દ્વારા દૃઢતા સાથે તેમનું યોગિક ધ્યાન ધરવું પણ અતિ આવશ્યક છે. જયારે અનન્ય ભક્તિ દ્વારા આપણે મનને તેમનામાં પૂર્ણપણે તલ્લીન કરી દઈએ છીએ ત્યારે આપણે આ માયિક પરિમાણોથી પરે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરીએ છે.

પશ્ચાત્ આ અધ્યાય ભૌતિક ક્ષેત્રમાં વિદ્યમાન વિવિધ લોક અંગે ચર્ચા કરે છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે  કેવી રીતે આ સૃષ્ટિના ચક્રમાં, આ સર્વ લોક અને તેમાં નિવાસ કરતા પ્રાણીઓના સમુદાય પ્રગટ થાય છે અને પુન: પ્રલયના સમયે વિલીન થઇ જાય છે. પરંતુ આ પ્રગટ અને અપ્રગટ સૃષ્ટિથી પરે ભગવાનનો દિવ્ય લોક છે. જેઓ પ્રકાશના માર્ગનું અનુસરણ કરે છે, તેઓ અંતે દિવ્ય લોકમાં પ્રવેશ કરે છે અને આ નશ્વર સંસારમાં કદાપિ પાછા ફરતા નથી. જયારે જે લોકો અંધકારના માર્ગનું અનુસરણ કરે છે, તેઓ જન્મ, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના અનંત ચક્રમાં દેહાંતરણ દ્વારા ફર્યા કરે છે.

અર્જુને કહ્યું: હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? અને કર્મ એટલે શું? અધિભૂત શેને કહેવાય છે અને અધિદૈવ કોને કહેવાય છે? શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ છે? હે કૃષ્ણ! દૃઢ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે?

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: પરમ અવિનાશી તત્ત્વને બ્રહ્મ કહેવામાં આવે છે; પ્રાણીના પોતાના આત્માને અધ્યાત્મ કહેવાય છે. પ્રાણીઓના દૈહિક માયિક વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે.

હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ, ભૌતિક પ્રાગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અધિભૂત કહેવામાં આવે છે; ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદૈવ કહેવામાં આવે છે; પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વ યજ્ઞોનાં સ્વામી કહેવામાં આવે છે.

તેઓ જે મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે, તેઓ મારી પાસે આવે છે. તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી.

હે કુંતીપુત્ર, મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે, કારણ કે, તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે.

તેથી, સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર. મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ, તેમાં કોઈ સંદેહ નથી.

હે પાર્થ, અભ્યાસ દ્વારા જયારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા— પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના — સ્મરણમાં સદૈવ મગ્ન રાખીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ.

ભગવાન સર્વજ્ઞ, આદિ પુરુષ, નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે; તેઓ સૂર્યથી પણ અધિક દૈદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે. જે મૃત્યુ સમયે, યોગની સાધના દ્વારા અવિચલિત મનથી, બન્ને ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે દૃઢતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે, તે નિશ્ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે.

વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે; મહાન ઋષિમુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે. હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ.

સર્વ દ્વારોને સંયમમાં રાખીને, મનને હૃદયનાં ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને, વ્યક્તિએ દૃઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ.

જે મારું, પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે અને ઓમ (ॐ)નું રટણ કરે છે, તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે.

હે પાર્થ, જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે, હું તેમને સહજ રીતે સુલભ છું કારણ કે, તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે.

મને પ્રાપ્ત કર્યા પશ્ચાત્ મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.

હે અર્જુન, બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિના સર્વ લોકમાં તું પુનર્જન્મને પામીશ. પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કૌન્તેય, કદાપિ પુન: જન્મ થતો નથી.

બ્રહ્માનો એક દિવસ (કલ્પ) ચાર યુગો(મહા યુગ)ના સહસ્ર ચક્ર સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવધિ પણ તેટલા જ સમયકાળની હોય છે. જે વિદ્વાન આ જાણે છે, તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે.

બ્રહ્માના દિવસના આરંભકાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુન: તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે.

બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વત: પ્રગટ થવા માટે પુન: વિલીન થઈ જાય છે.

આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિમાણ છે. જયારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી.

તે અપ્રગટ પરિમાણ એ પરમ ગંતવ્ય છે અને ત્યાં પહોંચીને કોઈ કદાપિ આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી. તે મારું પરમ ધામ છે.

પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે. યદ્યપિ તેઓ સર્વ-વ્યાપક છે તેમજ સર્વ જીવો તેમનામાં સ્થિત છે તથાપિ તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે.

હે ભરતશ્રેષ્ઠ, હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ. જેમાંનો એક મુક્તિ તરફ લઇ જાય છે અને અન્ય પુનર્જન્મ તરફ લઇ જાય છે. જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન, શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પરમ ધામ પામે છે. વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયનનાં છ માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં, ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે, તેઓ સ્વર્ગ લોક પામે છે. સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુન: પૃથ્વી પર પાછા ફરે છે. આ બંને—પ્રકાશ અને અંધકાર—નાં માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે. પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે તથા અંધકારનો માર્ગ પુનર્જન્મ તરફ અગ્રેસર કરે છે.

હે પાર્થ, જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે, તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી. તેથી, સદા-સર્વદા યોગ(ભગવાન સાથેના જોડાણ)માં સ્થિત થા.

જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના, વેદાધ્યયનના, યજ્ઞો કરવાના, તપશ્ચર્યા કરવાના, અને દાન દેવાના પુણ્યફળથી અનેકગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે. આવા યોગીઓ પરમ ધામ પામે છે.