Bhagavad Gita: Chapter 8, Verse 1-2

અર્જુન ઉવાચ ।
કિં તદ્ બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ ।
અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે ॥ ૧॥
અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસૂદન ।
પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ ॥ ૨॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; કિમ્—શું; તત્—તે; બ્રહ્મ—બ્રહ્મ; કિમ્—શું; અધ્યાત્મમ્—આત્મા; કિમ્—શું; કર્મ—કર્મનો સિદ્ધાંત; પુરુષ-ઉત્તમ—શ્રીકૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ; અધિભૂતમ્—ભૌતિક પ્રાગટ્ય; ચ—અને; કિમ્—શું; પ્રોક્તમ્—કહેવાય છે; અધિદૈવમ્—સ્વર્ગીય દેવતાઓના સ્વામી; કિમ્—શું; ઉચ્યતે—કહેવાય છે; અધિયજ્ઞ:—સર્વ યજ્ઞોના સ્વામી; કથમ્—કેવી રીતે; ક:—કોણ; અત્ર—અહીં; દેહે—શરીરમાં; અસ્મિન્—આ; મધુસુદન—શ્રીકૃષ્ણ, મધુ નામક અસુરનો નાશ કરનારા; પ્રયાણ-કાલે—મૃત્યુ સમયે; ચ—અને; કથમ્—કેવી રીતે; જ્ઞેય:—જાણી શકાય; અસિ—તમને; નિયત-આત્મભિ:—દૃઢ મન દ્વારા.

Translation

BG 8.1-2: અર્જુને કહ્યું: હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? અને કર્મ એટલે શું? અધિભૂત શેને કહેવાય છે અને અધિદૈવ કોને કહેવાય છે? શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ છે? હે કૃષ્ણ! દૃઢ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે?

Commentary

સપ્તમ અધ્યાયના અંતે શ્રીકૃષ્ણે બ્રહ્મ, અધિભૂત, અધિઆત્મા, અધિદૈવ, અને અધિયજ્ઞ જેવા શબ્દો પ્રસ્તુત કર્યા હતા. અર્જુન આ શબ્દો અંગે વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે આતુર છે અને પરિણામે તે આ બે શ્લોકમાં સાત પ્રશ્નો પૂછે છે. તેમાંના છ પ્રશ્નો શ્રીકૃષ્ણ દ્વારા ઉલ્લેખાયેલા શબ્દો સંબંધિત છે. સાતમો પ્રશ્ન મૃત્યુ સમયના વિષય અંગે છે. શ્રીકૃષ્ણે સ્વયં આ મુદ્દો શ્લોક નં. ૭.૩૦માં ઉઠાવ્યો હતો. હવે અર્જુન એ જાણવાની ઈચ્છા ધરાવે છે કે કોઈ મનુષ્ય મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કેવી રીતે કરી શકે.