Bhagavad Gita: Chapter 8, Verse 9-10

કવિં પુરાણમનુશાસિતાર-
મણોરણીયંસમનુસ્મરેદ્યઃ ।
સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપ-
માદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્ ॥ ૯॥
પ્રયાણકાલે મનસાઽચલેન
ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ ।
ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્
સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ ॥ ૧૦॥

કવિમ—કવિ; પુરાણમ્—પ્રાચીન; અનુશાસિતારમ્—નિયંતા; અણો:—અણુથી; અણીયાંસમ્—સૂક્ષ્મતર; અનુસ્મરેત્—સદા સ્મરણ કરે છે; ય:—જે; સર્વસ્ય—સર્વનું; ધાતારમ્—આધાર; અચિંત્ય—અકલ્પનીય; રૂપમ્—દિવ્ય રૂપ; આદિત્ય-વર્ણમ્—સૂર્ય જેવા દૈદીપ્યમાન; તમસ:—અજ્ઞાનતાનો અંધકાર; પરસ્તાત્—પર; પ્રયાણ-કાલે—મૃત્યુ સમયે; મનસા—મનથી; અચલેન—વિચલિત થયા વિના; ભક્ત્યા—ભક્તિપૂર્વકનું સ્મરણ; યુક્ત:—યુક્ત; યોગ-બલેન—યોગબળથી; ચ—અને; એવ—નિશ્ચિત; ભ્રુવો:—બન્ને ભ્રમરો; મધ્યે-વચ્ચે; પ્રાણમ્—પ્રાણ; આવેશ્ય—સ્થિત કરીને; સમ્યક્—સંપૂર્ણપણે; સ:—તે; તમ્—તેને; પરમ્ પુરુષમ્—દિવ્ય પુરુષ; ઉપૈતિ—પામે છે; દિવ્યમ્—દિવ્ય.

Translation

BG 8.9-10: ભગવાન સર્વજ્ઞ, આદિ પુરુષ, નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે; તેઓ સૂર્યથી પણ અધિક દૈદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે. જે મૃત્યુ સમયે, યોગની સાધના દ્વારા અવિચલિત મનથી, બન્ને ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે દૃઢતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે, તે નિશ્ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે.

Commentary

ભગવાનનું ધ્યાન વિભિન્ન પ્રકારે કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ ભગવાનના નામો, રૂપો, લીલાઓ, ગુણો, ધામો અથવા પરિકરોનું ધ્યાન કરી શકે છે. પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનાં આ સર્વ વિભિન્ન અંગો તેમનાંથી અભિન્ન છે. જયારે આપણું મન આમાંથી કોઈ એક પ્રત્યે પણ આસક્ત થાય છે ત્યારે તે દિવ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને તેથી શુદ્ધ બને છે. તેથી આ બધા અથવા કોઈ એકને આપણા ધ્યાનનો ઉદ્દેશ્ય બનાવી શકાય. અહીં, ભગવાનની આઠ વિશેષતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું ધ્યાન ધરી શકાય છે.

કવિ: કવિ અર્થાત્ કવિ અથવા સંત અને વિસ્તૃતમાં આર્ષદ્રષ્ટા, જેનો વ્યાપક અર્થ સર્વજ્ઞ થાય છે. શ્લોક નં. ૭.૨૬માં દર્શાવ્યા મુજબ ભગવાન ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણે છે.

પુરાણ: પુરાણ અર્થાત્ આરંભ રહિત અને સૌથી પ્રાચીન. ભગવાન સર્વ આધ્યામિકતા અને ભૌતિકતાનું મૂળ છે, પરંતુ એવું કંઈ પણ નથી કે જેમાંથી તેમનો જન્મ થયો હોય અને કંઈ પણ એવું નથી કે તેમનાંથી પૂર્વનું હોય.

અનુશાસિતારમ્: અનુશાસિતારમ્ અર્થાત્ શાસક. ભગવાન એ નિયમોના રચયિતા છે કે જેના આધારે આ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન થાય છે; તેઓ પ્રત્યક્ષ રૂપે અથવા તેમના નિયુક્ત દેવતાઓ દ્વારા બ્રહ્માંડની વિવિધ કાર્યવાહીઓનું સંચાલન કરે છે. આ પ્રમાણે, સર્વ તેમના શાસનને આધીન છે.

અણોરણીયાન્ અર્થાત્ સૂક્ષ્મતરથી પણ સૂક્ષ્મતમ. આત્મા પદાર્થથી સૂક્ષ્મ છે અને ભગવાન તે આત્મામાં નિવાસ કરે છે, તેથી તેઓ તેનાથી પણ સૂક્ષ્મતર છે.

સર્વસ્ય ધાતા અર્થાત્ સર્વના પાલક. જે પ્રમાણે સમુદ્ર તેની લહેરોનો આધાર છે.

અચિંત્ય રૂપ અર્થાત્ અકલ્પ્ય સ્વરૂપ. આપણું મન કેવળ ભૌતિક રૂપોની કલ્પના કરી શકે છે, તેથી ભગવાન આપણા માયિક મનના ક્ષેત્રથી પરે છે. પરંતુ, જો તેઓ તેમની કૃપા વરસાવે તો તેમની યોગમાયા શક્તિ દ્વારા આપણા મનની પ્રકૃતિને પણ દિવ્ય બનાવી દે છે. કેવળ તત્પશ્ચાત્ જ આપણે તેમની કૃપા દ્વારા તેમને સમજી શકીએ છીએ.

આદિત્ય વર્ણ અર્થાત્ સૂર્ય સમાન દૈદીપ્યમાન.

તમસ: પરસ્તાત્  અર્થાત્ અજ્ઞાનના અંધકારથી પરે. જે પ્રમાણે, સૂર્ય વાદળોથી આચ્છાદિત થઈને થોડી ક્ષણો માટે ભલે ઝાંખો લાગે પરંતુ તેને વાદળોથી ઢાંકી શકાતો નથી; તે જ પ્રમાણે, ભગવાન પણ સંસારના સંપર્કમાં હોવા છતાં તેઓ કદાપિ ભૌતિક શક્તિ માયાથી આચ્છાદિત થતા નથી.

ભક્તિમાં મન ભગવાનની દિવ્ય વિશેષતાઓ નામ, રૂપ, ગુણ, લીલા વગેરે ઉપર એકાગ્ર થાય છે. જયારે ભક્તિ સ્વયં થાય છે ત્યારે તેને શુદ્ધ ભક્તિ કહે છે. જયારે તે અષ્ટાંગ યોગ સાથે કરવામાં આવે છે ત્યારે તેને યોગ-મિશ્ર ભક્તિ (અષ્ટાંગ યોગ મિશ્રિત સાધના) કહે છે. દસથી તેર શ્લોક સુધી શ્રીકૃષ્ણ યોગ-મિશ્ર ભક્તિ અંગે વર્ણન કરે છે. ભગવદ્ ગીતાની અનેક સુંદર વિશેષતાઓમાંથી એક એ છે કે તેમાં વૈવિધ્ય સભર સાધનાઓ સમાવિષ્ટ છે અને તે રીતે તે વિભિન્ન પ્રકારે ઉછેર પામેલા અને વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા અનેક લોકોને આવરી લે છે. જયારે પાશ્ચાત્ય વિદ્વાનો ગુરુની સહાયતા વિના હિંદુ શાસ્ત્રો વાંચવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ વિવિધ શાસ્ત્રોમાં વર્ણિત માર્ગો, ઉપદેશો અને દાર્શનિક દૃષ્ટિકોણમાં રહેલા વૈવિધ્યથી ગૂંચવાઈ જાય છે. પરંતુ,વાસ્તવિક રીતે આ વૈવિધ્ય આશીર્વાદ રૂપ છે. અનંત જન્મોના સંસ્કારોને કારણે આપણા સૌની પ્રકૃતિ અને પ્રાથમિકતા ભિન્ન-ભિન્ન પ્રકારની છે. જયારે ચાર વ્યક્તિઓ પોતાના માટે વસ્ત્રોની ખરીદી કરવા જાય છે, ત્યારે તેઓ તેમની પસંદ પ્રમાણે વિભિન્ન રંગ, ઢંગ અને તરેહના વસ્ત્રોનું ચયન કરે છે. જો કોઈ દુકાનમાં કેવળ એક પ્રકારના રંગ અને ઢંગનાં વસ્ત્રો મળતા હોય તો તે મનુષ્યની આંતરિક પ્રકૃતિમાં રહેલી વિવિધતાને તુષ્ટ કરવામાં અસમર્થ રહેશે. એ જ પ્રમાણે, આધ્યાત્મિક માર્ગ ઉપર પણ લોકોએ તેમના પૂર્વજન્મોમાં વિવિધ પ્રકારની સાધનાઓ કરી હોય છે. વૈદિક શાસ્ત્રો આ વૈવિધ્યને આવરી લે છે અને સાથે સાથે ભગવાનની ભક્તિ પર વિશેષ ભાર મૂકે છે, જે આ સર્વને એક સૂત્રમાં  બાંધી રાખે છે.

અષ્ટાંગ યોગમાં, પ્રાણને સુષુમ્ણા નાડી દ્વારા મેરુદંડમાં ઉર્ધ્વગામી કરવામાં આવે છે. તેને ભ્રમરોની મધ્યે લાવવામાં આવે છે, જે ત્રીજા નેત્ર (આંતરિક ચક્ષુ)નું ક્ષેત્ર છે. પશ્ચાત્ તેને પ્રબળ ભક્તિ સાથે પરમ પુરુષોતમ ભગવાન પર કેન્દ્રિત કરવામાં આવે છે.