ત્રૈવિદ્યા માં સોમપાઃ પૂતપાપા
યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયન્તે ।
તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોક-
મશ્નન્તિ દિવ્યાન્દિવિ દેવભોગાન્ ॥ ૨૦॥
ત્રૈવિદ્યા:—કર્મકાંડનું વિજ્ઞાન (વૈદિક કર્મકાંડ); મામ્—મને; સોમ-પા:—સોમરસનું પાન કરનાર; પૂત—પવિત્ર; પાપા:—પાપો; યજ્ઞૈઃ—યજ્ઞો દ્વારા; ઈષ્ટવા—પૂજા; સ્વ:-ગતિમ્—સ્વર્ગના રાજાના ધામના માર્ગે; પ્રાર્થયન્તે—પ્રાર્થના કરે છે; તે—તેઓ; પુણ્યમ્—પુણ્ય; આસાદ્ય—પામીને; સુર-ઇન્દ્ર—ઇન્દ્રના; લોકમ્—લોકને; અશ્નન્તિ—ભોગવે છે; દિવ્યાન્—સ્વર્ગીય; દિવિ—સ્વર્ગમાં; દેવ-ભોગાન્—દેવોના સુખો.
Translation
BG 9.20: જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષરૂપી સોમરસનું પાન કરીને, પાપમાંથી શુદ્ધિ મેળવી, તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્યકર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા, ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવાં સુખો ભોગવે છે.
Commentary
અગાઉ શ્લોક ૯.૧૧ તેમજ ૯.૧૨માં શ્રીકૃષ્ણે અશ્રદ્ધાળુ અને આસુરી મનુષ્યો કે જેઓ નાસ્તિક તેમજ અભગવદીય મતનો સ્વીકાર કરે છે, તેમની માનસિકતા તેમજ તેના ફળસ્વરૂપે જે પરિણામ ભોગવે છે, તેનું વર્ણન કર્યું. પશ્ચાત્ તેમણે ભગવાનની પ્રેમ ભક્તિમાં લીન રહેતા મહાપુરુષોની પ્રકૃતિનું વર્ણન કર્યું. હવે, આ તેમજ આવનારા શ્લોકમાં તેઓ એવા લોકોનું વર્ણન કરે છે કે જેઓ ભક્તો નથી, પરંતુ નાસ્તિક પણ નથી. તેઓ વેદોના કર્મકાંડી અનુષ્ઠાનોનું અનુપાલન કરે છે. આ કર્મકાંડ (વૈદિક કર્મકાંડ)ના વિજ્ઞાનને ત્રૈવિદ્યા તરીકે ઓળખવામાં આવે છે.
જે લોકો ત્રૈવિદ્યાના વિજ્ઞાનથી સંમોહિત થાય છે, તેઓ યજ્ઞો તથા અન્ય કર્મકાંડો કરીને ઇન્દ્ર જેવા સ્વર્ગીય દેવતાઓની ઉપાસના કરે છે. તેઓ પરોક્ષ રીતે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જ ભજે છે કારણ કે તેઓ એ સમજતા નથી કે સ્વર્ગીય દેવો જે ઉપહારો પ્રદાન કરે છે, તેની સંમતિ કેવળ સ્વયં ભગવાન જ પ્રદાન કરે છે. કર્મકાંડી અનુષ્ઠાનોને પુણ્યકર્મ ગણવામાં આવે છે, પરંતુ તેમને ભક્તિ સ્વરૂપે સ્વીકારવામાં આવતા નથી. કર્મકાંડી અનુષ્ઠાનોનું પાલન કરનાર વ્યક્તિને જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. તેઓ માયિક બ્રહ્માંડના અસ્તિત્ત્વના ઉચ્ચતર લોક, સ્વર્ગલોકના રાજા ઇન્દ્રના લોકમાં ગતિ કરે છે. ત્યાં તેઓ ઉત્કૃષ્ટ સ્વર્ગીય સુખો ભોગવે છે કે જે પૃથ્વીલોક પર પ્રાપ્ત ઇન્દ્રિયજન્ય સુખોની તુલનામાં હજારગણા અધિક સુખદાયક હોય છે. આગામી શ્લોકમાં શ્રીકૃષ્ણ સ્વર્ગીય સુખોનાં દોષોની વિવેચના કરે છે.