Bhagavad Gita: Chapter 9, Verse 23

યેઽપ્યન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેઽપિ મામેવ કૌન્તેય યજન્ત્યવિધિપૂર્વકમ્ ॥ ૨૩॥

યે—જે લોકો; અપિ—છતાં પણ; અન્ય—અન્ય; દેવતા—સ્વર્ગીય દેવતા; ભકતા:—ભક્તો; યજન્તે—પૂજે છે; શ્રદ્ધયા અન્વિતા:—શ્રદ્ધાપૂર્વક; તે—તેઓ; અપિ—પણ; મામ્—મને; એવ—કેવળ; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; યજન્તિ—ભજે છે; અવિધિપૂર્વક—અયોગ્ય રીતે.

Translation

BG 9.23: હે કુંતીપુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે. પરંતુ તેઓ આ અનુચિત રીતે કરે છે.

Commentary

જે લોકો પરમાત્મા ભગવાનની ભક્તિ કરે છે, તેમનું વર્ણન કર્યા પશ્ચાત્ હવે શ્રીકૃષ્ણ તે લોકોની પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરે છે કે જેઓ માયિક સુખની પ્રાપ્તિ માટે નિમ્નતર દેવતાઓની ઉપાસના કરે છે. આવા લોકો પણ શ્રદ્ધાયુક્ત હોય છે અને તેમને સ્વર્ગીય દેવતાઓ દ્વારા ફળ પણ પ્રાપ્ત થતા હશે પરંતુ તેમનું જ્ઞાન અપૂર્ણ છે. તેઓ એ સમજતા નથી કે આ સ્વર્ગીય દેવતાઓ તેમની શક્તિ સ્વયં ભગવાન પાસેથી જ પ્રાપ્ત કરે છે. આમ, તેઓ પણ ભગવાનની જ પૂજા કરે છે, પરંતુ પરોક્ષ રીતે. ઉદાહરણ તરીકે, કોઈ સરકારી અધિકારી કોઈ નાગરિકની ફરિયાદનું નિવારણ કરે તો તેને પરોપકારનું શ્રેય પ્રાપ્ત થતું નથી. તે તો કેવળ તેના ક્ષેત્રાધિકાર અંતર્ગત સરકાર દ્વારા પ્રદત્ત અધિકારોનો ઉપયોગ કરે છે. એ જ પ્રમાણે, સ્વર્ગીય દેવતાની સર્વ શક્તિઓ ભગવાન પાસેથી પ્રાપ્ત થાય છે. આમ, જે અધિક જ્ઞાન ધરાવે છે, તેઓ પરોક્ષ માર્ગે જતા નથી; તેઓ સર્વ શક્તિઓના સ્રોતને ભજે છે, જે સ્વયં ભગવાન છે. પરમ પુરુષોત્તમ ભગવાનને સમર્પિત કરવામાં આવતી આવી ભક્તિ સ્વત: સમગ્ર સૃષ્ટિને સંતુષ્ટ કરે છે:

               યથા તરોર્મૂલનિષેચનેન

              તૃપ્યન્તિ તત્સ્કન્ધભુજોપશાખાઃ

             પ્રાણોપહારાચ્ચ યથેન્દ્રિયાણાં

            તથૈવ સર્વાર્હણમચ્યુતેજ્યા (ભાગવતમ્ ૪.૩૧.૧૪)

“જયારે આપણે વૃક્ષના મૂળમાં જળ રેડીએ છીએ, ત્યારે તેનું થડ, શાખાઓ, ડાળીઓ,પર્ણો અને ફળોનું પણ પોષણ થાય છે. જયારે આપણે મુખમાં ખોરાક મૂકીએ છીએ ત્યારે તે સ્વત: પ્રાણવાયુ અને ઇન્દ્રિયોને પોષણ આપે છે. એ જ પ્રમાણે, સર્વોચ્ચ ભગવાનની ભક્તિ કરવાથી દેવતાઓ સહિત તેમનાં સર્વ અંગોની પણ ભક્તિ થઈ જાય છે.” પરંતુ, જો આપણે વૃક્ષના મૂળની ઉપેક્ષા કરીને તેનાં પર્ણોને પાણી પીવડાવવાનો આરંભ કરીએ તો વૃક્ષનો નાશ થઈ જશે. એ પ્રમાણે, સ્વર્ગીય દેવતાઓને અર્પિત કરેલી ભક્તિ નિશ્ચિતપણે ભગવાન સુધીનો માર્ગ રચી લેશે, પરંતુ આવા ભક્તો આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરી શકતા નથી. આગામી શ્લોકમાં આનું વિસ્તૃત વર્ણન છે.