Bhagavad Gita: Chapter 9, Verse 28

શુભાશુભફલૈરેવં મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ ।
સન્ન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસિ ॥ ૨૮॥

શુભ અશુભ ફલૈ:—શુભ અને અશુભ ફળો દ્વારા; એવમ્—એ રીતે; મોક્ષ્યસે—તું મુક્ત થઈ જઈશ; કર્મ—કર્મ; બંધનૈ:—બંધનમાંથી; સંન્યાસ-યોગ—સ્વાર્થનો ત્યાગ; યુક્ત-આત્મા—મનને મારા પ્રત્યે અનુરક્ત કરીને; વિમુખ:—મુક્ત થયેલો; મામ્—મને; ઉપૈસ્યસિ—તું પ્રાપ્ત કરીશ.

Translation

BG 9.28: તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોનાં બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ-યોગ દ્વારા તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ.

Commentary

પ્રત્યેક કર્મમાં દોષ રહેલો છે. ઉદાહરણ તરીકે, અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે. જયારે આપણે પૃથ્વી પર ચાલીએ છીએ ત્યારે અજાણતાં આપણે લાખો સૂક્ષ્મ જીવોની હત્યા કરીએ છીએ. આપણા વ્યાવસાયિક કર્તવ્યોનું પાલન કરતા સમયે પણ ભલે કેટલા પણ સાવધાન રહીએ છતાં પણ પર્યાવરણને નુકસાન કરીએ છીએ તથા અન્યને દુ:ખી કરતા હોઈએ છીએ. આપણે જે એક વાટકી દહીંનું સેવન કરીએ છીએ ત્યારે પણ તેમાં વ્યાપ્ત જીવોનો નાશ કરવાનું પાપ આપણે અર્જિત કરીએ છીએ. કેટલાક ધાર્મિક પંથો મુખ પર વસ્ત્ર બાંધીને આ અનૈચ્છિક હિંસાનું પ્રમાણ ઓછું કરવાનો પ્રયત્ન કરે છે. છતાં પણ તેનાથી આપણા શ્વાસોચ્છવાસમાં થતા જીવોના નાશને પૂર્ણત: નિવારી શકાતું નથી.

જયારે આપણે આપણા સ્વાર્થની પૂર્તિ કરવાની વૃત્તિ સાથે કર્મ કરીએ છીએ ત્યારે જાણતાં કે અજાણતાં, આપણે પાપને માટે દંડપાત્ર બનીએ છીએ. કર્મના સિદ્ધાંત અનુસાર, તેનાં કાર્મિક પ્રતિભાવોને ભોગવવા પડે છે. પુણ્યશાળી કર્મો પણ બંધનરૂપ બની શકે છે કારણ કે તે જીવાત્માને તેમના ફળ ભોગવવા માટે સ્વર્ગલોકમાં જવા માટે વિવશ કરે છે. આ પ્રમાણે, શુભ તથા અશુભ બંને પ્રકારનાં કર્મો જન્મ અને મૃત્યુના નિરંતર ચક્રમાં પરિણમે છે. પરંતુ, આ શ્લોકમાં શ્રીકૃષ્ણ, સર્વ કર્મોના કાર્મિક પ્રતિભાવોનો નાશ કરવા માટે એક અતિ સરળ ઉપાય સૂચવે છે. તેઓ સંન્યાસ યોગ શબ્દનો ઉપયોગ કરે છે, અર્થાત્ ‘સ્વાર્થયુક્તતાનો ત્યાગ’. તેઓ કહે છે કે, જયારે આપણે આપણા કાર્યો ભગવાનના સુખાર્થે સમર્પિત કરી દઈએ છીએ ત્યારે પાપ તથા પુણ્ય બંનેનાં ફળોની બેડીઓમાંથી મુક્ત થઈ જઈએ છીએ.

જેઓ પોતાને આ પ્રકારની ચેતનામાં સ્થિત કરે છે, તેમને યોગ યુક્તાત્મા (ચેતના દ્વારા ભગવાન સાથે ઐક્ય) કહેવામાં આવે છે. આવા યોગીઓ દેહમાં હોવા છતાં જીવન-મુક્ત (ચેતનામાં મુક્ત) થઈ જાય છે. પોતાનો નશ્વર દેહ છોડયા પશ્ચાત્ તેઓ દિવ્ય શરીર તથા દિવ્ય લોકમાં ભગવાનની શાશ્વત સેવા પ્રાપ્ત કરે છે.