Bhagavad Gita: Chapter 9, Verse 6

યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્રગો મહાન્ ।
તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય ॥ ૬॥

યથા—જેવી રીતે; આકાશ-સ્થિત:—આકાશમાં સ્થિત; નિત્યમ્—સદા; વાયુ:—વાયુ; સર્વત્ર-ગ:—સર્વત્ર પ્રવાહિત; મહાન્—મહાન; તથા—તેવી રીતે; સર્વાંણિ ભૂતાનિ—સર્વ જીવો; મત્-સ્થાનિ—મારામાં સ્થિત; ઈતિ—એમ; ઉપધારય—જાણ.

Translation

BG 9.6: જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત જાણ.

Commentary

ચતુર્થ શ્લોકથી છઠ્ઠા શ્લોક દરમિયાન શ્રીકૃષ્ણએ મત સ્થાનિ  શબ્દનો ત્રણ વાર પ્રયોગ કર્યો છે. તેનો અર્થ છે, “સર્વ જીવો મારામાં સ્થિત છે.” તેમને ભિન્ન-ભિન્ન શરીરોમાં પ્રવેશ કરતા હોવા છતાં અને સંસારી વિષયો સાથેની ઘનિષ્ઠતા કેળવતા હોવા છતાં પણ તેમનાથી અળગા કરી શકાતા નથી.

એ કલ્પના કરવી થોડી કઠિન છે કે વિશ્વ ભગવાનમાં કેવી રીતે સ્થિત છે. ગ્રીકની પૌરાણિક કથાઓમાં એટલાસ દ્વારા પૃથ્વીનો ગોળો ઉપાડેલું ચિત્ર દર્શાવવામાં આવે છે. ગ્રીક લોકકથાઓમાં એટલાસે ટાઇટન્સ સાથે ઓલીમ્પસના દેવતાઓ વિરુદ્ધ યુદ્ધ કર્યું હતું. દંડ સ્વરૂપે તેને અપમાનિત કરવામાં આવ્યો અને તેને પોતાની પીઠ પર એક મોટા સ્થંભ સાથે પૃથ્વી અને સ્વર્ગનો ભાર સહન કરવો પડયો, જે તેના કાંધા પર પૃથ્વી અને સ્વર્ગને અલગ પાડતા દર્શાવતો હતો. અહીં શ્રીકૃષ્ણ જયારે એમ કહે છે કે સર્વ જીવો તેમનામાં સ્થિત છે ત્યારે તેમનું તાત્પર્ય આ લોક કથા સમાન નથી. સમગ્ર બ્રહ્માંડ અવકાશમાં સ્થિત છે અને અવકાશનું સર્જન ભગવાનની શક્તિથી થયું છે. આ પ્રમાણે, એમ કહી શકાય કે સર્વ જીવો ભગવાનમાં સ્થિત છે.

હવે પરમાત્મા ભગવાન, અર્જુન આ વિભાવનાને સમજી શકે તે માટે એક ઉદાહરણ પ્રસ્તુત કરે છે. વાયુનું અવકાશથી ભિન્ન કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે અવિરત અને તીવ્રતાથી વહેતો રહે છે અને છતાં, તે આકાશમાં જ સ્થિત રહે છે. તે જ પ્રમાણે, આત્માઓનું ભગવાનથી સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. તે સંક્રાંતિકાલીન ભિન્ન શરીરોમાં, સમય, સ્થાન અને ચેતના સાથે ક્યારેક ઝડપથી અને ક્યારેક ધીમે ધીમે ગતિ કરતાં રહે છે અને છતાં, તેઓ સદૈવ ભગવાનમાં સ્થિત રહે છે.

અન્ય પરિપ્રેક્ષ્ય પ્રમાણે, બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતું સર્વસ્વ ભગવાનની ઈચ્છાને આધીન છે. તે સર્વનું સર્જન, પોષણ અને વિલય તેમની ઈચ્છાને અનુરૂપ થાય છે. આ મત પ્રમાણે પણ એમ કહી શકાય કે સર્વ તેમનામાં સ્થિત છે.