Bhagavad Gita: Chapter 9, Verse 7-8

સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિં યાન્તિ મામિકામ્ ।
કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્ ॥ ૭॥
પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ।
ભૂતગ્રામમિમં કૃત્સ્નમવશં પ્રકૃતેર્વશાત્ ॥ ૮॥

સર્વ-ભૂતાનિ—સર્વ જીવો; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પ્રકૃતિમ્—પ્રાકૃત શક્તિનું મૂળ સ્વરૂપ; યાન્તિ—વિલીન થાય છે; મામિકામ્—મારી; કલ્પ-ક્ષયે—કલ્પના અંતે; પુન:—ફરીથી; તાનિ—તેમને; કલ્પ-આદૌ—કલ્પના પ્રારંભમાં; વિસૃજામિ—ઉત્પન્ન કરું છે; અહમ્—હું; પ્રકૃતિમ્—ભૌતિક પ્રકૃતિ; સ્વામ્—મારી અંગત; અવષ્ટભ્ય—પ્રવેશ કરીને; વિસૃજામિ—ઉત્પન્ન કરું છું; પુન: પુન:—ફરી-ફરીથી; ભૂત-ગ્રામમ્—અસંખ્ય રૂપો; ઈમમ્—આ; કૃત્સ્નમ્—સર્વ; અવશમ્—તેમના નિયંત્રણથી પરે; પ્રકૃતે:—પ્રકૃતિની શકિતના; વશાત્—બળ.

Translation

BG 9.7-8: જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે, સર્વ જીવો મારી આદિ પ્રાકૃત શકિતમાં વિલીન થઇ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભકાળે, હે કુંતીપુત્ર, હું તેમને પુન: પ્રગટ કરું છું. પ્રાકૃત શક્તિ પરનાં આધિપત્યથી હું પુન: પુન: આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું.

Commentary

અગાઉના છેલ્લા બે શ્લોકમાં શ્રીકૃષ્ણ વ્યાખ્યા કરતા જણાવે છે કે, સર્વ જીવો મારામાં નિવાસ કરે છે. આ કથન કંઇક આવો પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે: “જયારે મહાપ્રલય થાય છે અને સમગ્ર વિશ્વ સમેટાઈ જાય છે, ત્યારે સર્વ જીવો ક્યાં જાય છે?” આ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યો છે.

અગાઉના અધ્યાયમાં, શ્લોક સં. ૮.૧૬ થી ૮.૧૯માં શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે,સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય કેવી રીતે પુનરાવર્તિત ચક્રને અનુસરે છે. અહીં, કલ્પ-ક્ષય શબ્દનો અર્થ છે ‘બ્રહ્માના જીવન-અવધિની સમાપ્તિ’. બ્રહ્માના જીવનના ૧૦૦ વર્ષોની સમાપ્તિએ  કે જે પૃથ્વીના ૩૧૧ પરાર્ધ અને ૪૦ અબજ વર્ષો સમાન છે, સમગ્ર બ્રહ્માંડની અભિવ્યક્તિનો વિલય થઇ જાય છે અને તે અપ્રગટ અવસ્થામાં ચાલી જાય છે. પંચ મહાભૂત પંચ તન્માત્રામાં વિલીન થાય છે; પંચ તન્માત્રા અહંકારમાં વિલીન થાય છે; અહંકાર મહાનમાં વિલીન થાય છે; મહાન માયિક શક્તિના આદિ સ્વરૂપ પ્રકૃતિમાં વિલીન થાય છે અને પ્રકૃતિ પરમેશ્વર મહા વિષ્ણુનાં દિવ્ય દેહમાં વિલીન થઈને સ્થિત થાય છે.

તે સમયે, માયિક સૃષ્ટિના સર્વ જીવો પણ ભગવાનના દેહમાં જઈને નિલંબિત જીવંત અવસ્થામાં સ્થિત થઇ જાય છે. તેમનું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર તેના સ્રોત, માયામાં વિલીન થઇ જાય છે. પરંતુ, કારણ શરીર પછી પણ રહે છે. (શ્લોક સં. ૨.૨૮માં ત્રણ પ્રકારના શરીર  અંગે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.) પ્રલય પશ્ચાત્ જયારે ભગવાન પુન: વિશ્વનું સર્જન કરે છે ત્યારે પ્રાકૃત શક્તિ, પ્રકૃતિ-મહાન-અહંકાર-પંચ તન્માત્રા-પંચ મહાભૂતના વિપરીત ક્રમમાં પ્રગટ થાય છે. તે સમયે, જે જીવાત્માઓ કેવળ કારણ શરીર સાથે નિલંબિત જીવંત અવસ્થામાં હતા, તેમને પુન: સંસારમાં સ્થિત કરવામાં આવે છે. તેમના કારણ શરીરને અનુરૂપ તેઓ પુન: સૂક્ષ્મ અને સ્થૂળ શરીર પ્રાપ્ત કરે છે અને એ પ્રમાણે બ્રહ્માંડમાં વિવિધ જીવંત સ્વરૂપોનું સર્જન કરવામાં આવે છે. વિદ્યમાન વિભિન્ન લોકમાં આ જીવંત સ્વરૂપોની પ્રકૃતિમાં ભિન્નતા હોય છે. કેટલાક ગ્રહોની વ્યવસ્થા પ્રમાણે શરીરમાં અગ્નિ તત્ત્વ પ્રભુત્વ ધરાવે છે, જે પ્રમાણે પૃથ્વીલોકમાં પૃથ્વી અને જળ એ પ્રધાન શારીરિક તત્ત્વો છે. આમ, શરીર તેમની સૂક્ષ્મતા અને કાર્યોની દૃષ્ટિએ ભિન્નતા ધરાવે છે. શ્રીકૃષ્ણ તેમને અસંખ્ય જીવો કહે છે.