Bhagavad Gita: Chapter 1, Verse 1

ધૃતરાષ્ટ્ર ઉવાચ ।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સઞ્જય ॥ ૧॥

ધૃતરાષ્ટ્ર ઉવાચ—ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધર્મક્ષેત્રે—ધર્મભૂમિ, કુરુક્ષેત્રે—કુરુક્ષેત્રે, સમવેતા:—એકત્ર થયેલા, યુયુત્સવ:—યુદ્ધ કરવાની ઈચ્છાથી, મામકા:—મારા પુત્રો, પાણ્ડવા:—પાંડુના પુત્રો, ચ—અને, એવ—નક્કી, કિમ્—શું, અકુર્વત્—તેમણે કર્યું, સઞ્જય—સંજય.

Translation

BG 1.1: ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?

Commentary

રાજા ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હોવા ઉપરાંત આધ્યાત્મિક જ્ઞાનથી પણ વંચિત હતા. પોતાના પુત્રો પ્રત્યેના અતિ મોહને કારણે તેઓ સત્યના પથથી ચ્યુત થઇ ગયા હતા અને પાંડવોના ન્યાયોચિત રાજ્યાધિકારને પચાવી પાડયો હતો. પોતાના જ ભત્રીજાઓ, પાંડુના પુત્રો સાથે પોતે કરેલા અન્યાય અંગે તેઓ પૂર્ણપણે સભાન હતા. આ જ અપરાધભાવને કારણે તેઓ યુદ્ધના પરિણામ અંગે ચિંતિત હતા અને તેથી જ તેઓ સંજયને કુરુક્ષેત્રની રણભૂમિ પર લડાઈ રહેલા યુદ્ધ અંગે પૃચ્છા કરી રહ્યા હતા.

આ શ્લોકમાં, ધૃતરાષ્ટ્રે સંજયને પ્રશ્ન પૂછયો કે તેના અને પાંડુના પુત્રોએ યુદ્ધભૂમિમાં એકત્રિત થયા પશ્ચાત્ શું કર્યું. હવે એ તો એકદમ સ્પષ્ટ જ હતું કે તેઓ એકમાત્ર યુદ્ધ કરવાના ઉદ્દેશ્યથી જ એકત્રિત થયા હતા. તેથી સ્વાભાવિક રીતે જ તેઓ યુદ્ધ જ કરશે. ધૃતરાષ્ટ્રને એવો પ્રશ્ન કરવાની શું આવશ્યકતા ઉભી થઈ કે તેઓએ શું કર્યું.

તેની આશંકાની જાણ તેણે પ્રયોગ કરેલા શબ્દો—‘ધર્મ ક્ષેત્રે’, એટલેકે જે પુણ્યભૂમિ છે—તેના પરથી થાય છે. કુરુક્ષેત્ર પવિત્ર ભૂમિ હતી. શતપાઠ બ્રહ્મનમાં તેને “કુરુક્ષેત્રં દેવ યજ્ઞમ્” તરીકે વર્ણવવામાં આવી છે. “કુરુક્ષેત્ર સ્વર્ગના દેવતાઓની તપોભૂમિ છે.” આ પ્રમાણે આ એ ભૂમિ છે, જ્યાં ધર્મનું પોષણ થાય છે. ધૃતરાષ્ટ્રને એ આશંકા હતી કે કુરુક્ષેત્રની પાવન ભૂમિના પ્રભાવના પરિણામ સ્વરૂપે એના પુત્રોમાં ક્યાંક ઉચિત અને અનુચિત વચ્ચેનો તફાવત સમજવાની વિવેકબુદ્ધિ જાગૃત ના થઈ જાય અને તેઓ એ સમજવા લાગે કે તેમના સ્વજન પાંડવોનો સંહાર કરવો અનુચિત છે. આવું વિચારીને તેઓ કદાચ શાંતિપૂર્ણ સમાધાન માટે સંમત પણ થઇ જાય. આ પ્રકારની સંભાવનાઓને કારણે ધૃતરાષ્ટ્રના મનમાં ઘોર નિરાશા ઉત્પન્ન થઈ. તે વિચારવા લાગ્યા કે, જો તેના પુત્રો યુદ્ધવિરામના પ્રસ્તાવનો સ્વીકાર કરી લેશે તો પાંડવો તેમના માર્ગમાં નિરંતર અંતરાયો ઉભા કર્યા કરશે, અને તેથી તેમની દૃષ્ટિએ યુદ્ધ થવું આવશ્યક હતું. વળી, સાથોસાથ તે યુદ્ધના પરિણામો વિષે અનિશ્ચિત હતો અને પોતાના પુત્રોના ભાગ્ય અંગે નિશ્ચિંત થવા ઈચ્છતો હતો. પરિણામ સ્વરૂપે તેણે સંજયને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ચાલી રહેલી ગતિવિધિઓ વિષે પૂછયું, જ્યાં બંને સેનાઓ એકત્રિત થઈ હતી.