તસ્ય સઞ્જનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ ।
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ॥ ૧૨॥
તસ્ય—તેનો, સઞ્જનયન્—હેતુ, હર્ષમ્—હર્ષ, કુરુ-વૃદ્ધ:—કુરુવંશના વયોવૃધ્ધ (ભીષ્મ), પિતામહ—પિતામહ, સિંહનાદમ્—સિંહ જેવી ગર્જના, વિનદ્ય—ગર્જના, ઉચ્ચૈ:—ઊંચા સ્વરે, શઙ્ખં—શંખ, દધ્મૌ—ફૂંક્યો, પ્રતાપવાન્—પ્રતાપી.
Translation
BG 1.12: તત્પશ્ચાત્ કુરુવંશના મહાપ્રતાપી વયોવૃધ્ધ વડીલ ભીષ્મ પિતામહે, સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો.
Commentary
ભીષ્મ પિતામહ તેમના પ્રપૌત્ર દુર્યોધનના હૃદયમાં વ્યાપ્ત ભયને સમજી ગયા હતા અને તેના પ્રત્યે સ્વાભાવિક કરુણાભાવ હોવાના કારણે તેને પ્રસન્ન કરવાના પ્રયાસ તરીકે, તેમણે અત્યંત ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો. યદ્યપિ તેઓ જાણતા હતા કે સામેના પક્ષે પાંડવોની સેનામાં સ્વયં પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ઉપસ્થિત હોવાના કારણે દુર્યોધનની યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ શક્યતા ન હતી, છતાં પણ તેના પ્રપૌત્રને એ જણાવવા માંગતા હતા કે, તેઓ પોતાના યુદ્ધ કરવાના દાયિત્વનું પાલન કરશે અને આ બાબતે કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવશે નહિ. તે સમયના યુધ્ધના પ્રચલિત નિયમ અનુસાર શંખનાદ દ્વારા યુદ્ધનો પ્રારંભ કરવામાં આવતો હતો.