Bhagavad Gita: Chapter 1, Verse 23

યોત્સ્યમાનાનવેક્ષેઽહં ય એતેઽત્ર સમાગતાઃ ।
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ ॥ ૨૩॥

યોત્સ્યમાનાન્—યુદ્ધ કરવા આવેલા યોદ્ધાઓને, અવેક્ષે અહમ્—હું જોવા ઈચ્છું છું, યે—જેઓ, એતે—તેઓ, અત્ર—અહીં, સમાગતા:—એકત્ર થયેલા, ધાર્તરાષ્ટ્રસ્ય—ધૃતરાષ્ટ્રના પુત્રો માટે, દુર્બુદ્ધે:—દુષ્ટ બુદ્ધિ ધરાવનાર, યુદ્ધે—યુદ્ધમાં, પ્રિય-ચિકીર્ષવ:—પ્રસન્ન કરવાની ઈચ્છા ધરાવતા.

Translation

BG 1.23: હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે, જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે.

Commentary

ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિવાળા પુત્રોએ રાજ્ય પચાવી પાડયું હતું અને તેથી તેમના પક્ષેથી યુદ્ધ લડતા યોદ્ધાગણો પણ સ્વાભાવિક રીતે દુષ્ટ પ્રકૃતિ ધરાવનારા હતા. અર્જુન એ લોકોને જોવા ઈચ્છતો હતો, જેમની સાથે તેણે આ યુદ્ધમાં લડવાનું હતું. આરંભમાં અર્જુન વીરતાપૂર્વક યુદ્ધ કરવા આતુર હતો. તેથી ધૃતરાષ્ટ્રના પુત્રોને દુષ્ટ મનોવૃત્તિવાળા કહીને તે જણાવવા ઈચ્છતો હતો કે કઈ રીતે અનેક વાર દુર્યોધને પાંડવોના વિનાશ માટે ષડયંત્રો ઘડયાં. અર્જુનનું મનોવલણ હતું, ”અમે નૈતિક રીતે અડધા રાજ્યના અધિકારી હતા, પણ તે એને હડપવા માંગતો હતો. તે દુષ્ટ મનોવૃત્તિવાળો છે અને અહીં તેને સહાય કરવા એકત્રિત થયેલા રાજાઓ પણ દુષ્ટ છે. હું એ યોદ્ધાઓનું નિરીક્ષણ કરવા માગું છું, જેઓ યુદ્ધ માટે આટલા વ્યગ્ર છે. તેમણે અન્યાયની તરફેણ કરી છે અને તેથી આપણા દ્વારા તેમનો વિનાશ નિશ્ચિત છે.”