Bhagavad Gita: Chapter 1, Verse 45-46

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ ।
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ॥ ૪૫॥
યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ ।
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ॥ ૪૬॥

અહો—અરે; બત—તે કેવું; મહત્--મહાન; પાપમ્—પાપ કર્મ; કર્તુંમ્—કરવા માટે; વ્યવસિતા:—નિશ્ચય કર્યો છે; વયમ્—અમે; યત્—કારણકે; રાજ્ય-સુખ-લોભેન—રાજ્યસુખના લોભથી; હન્તુમ્—હણીને; સ્વજનમ્—પોતાના સંબંધીજનોને; ઉદ્યતા:—તત્પર થયેલા; યદિ—જો; મામ્—મને; અપ્રતીકારમ્—પ્રતિકાર ન કરવાથી; અશસ્ત્રમ્—શસ્ત્રથી સજ્જ થયા વિના; શસ્ત્ર-પાણય:—શસ્ત્રધારી; ધાર્તરાષ્ટ્રા:—ધૃતરાષ્ટ્રના પુત્રો; રણે—યુદ્ધભૂમિમાં; હન્યુ:—હણે; તત્—તે; મે—મારા; ક્ષેમતરમ્—શ્રેયસ્કર; ભવેત્—થશે.

Translation

BG 1.45-46: અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપકર્મ કરવા તત્પર થયા છીએ. રાજસુખ ભોગવવાના લોભથી વશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો, નિ:શસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે, તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે.

Commentary

અર્જુને આ સંભવિત યુદ્ધનાં અનેક દુષ્પરિણામોનો ઉલ્લેખ તો કર્યો, પરંતુ તે એ જોવા અસમર્થ છે કે જો આવા દુરાચારી લોકો સમાજમાં ફૂલવા-ફાલવાનો અવસર પ્રાપ્ત થઇ જશે તો પરિણામ સ્વરૂપે વાસ્તવમાં દુષ્ટતાનું વર્ચસ્વ વધી જશે. તે આશ્ચર્યની અભિવ્યક્તિ માટે ‘અહો’ શબ્દનો પ્રયોગ કરે છે. ‘બત’ શબ્દનો અર્થ છે, ‘ભયંકર પરિણામ’. અર્જુન કહે છે કે, “તે કેટલું આશ્ચર્યકારક છે  કે અમે આ યુદ્ધના ભયંકર પરિણામો વિષે જાણવા છતાં તેમાં સામેલ થઈને પાપકર્મ કરવાનો નિર્ણય લીધો છે.”

જેમ કે પ્રાય: થતું હોય છે, લોકો પોતાની ભૂલો જોવા અસમર્થ હોય છે અને તેના બદલે તેનું દોષારોપણ પરિસ્થિતિ અને અન્ય વ્યક્તિઓ પર કરે છે. એ જ રીતે, અર્જુનને લાગે છે કે ધૃતરાષ્ટ્રના પુત્રો લોભથી પ્રેરિત હતા પરંતુ તે એ નથી જોઈ શકતો કે તેની કરુણાનો પ્રવાહ કોઈ ગુણાતીત સંવેદના નથી, પણ પોતાને શરીર માનવાના અજ્ઞાન પર આધારિત સાંસારિક વિમૂઢતા છે. અર્જુનના બધાં જ તર્ક-વિતર્કોની મુશ્કેલી એ છે કે, તે પોતાની શારીરિક આસક્તિ, હૃદયની નિર્બળતા અને કર્તવ્ય પ્રત્યેની વિમુખતાના કારણે ઉત્પન્ન થયેલા મોહને ન્યાયોચિત ઠરાવવા તેનો ઉપયોગ કરી રહ્યો હતો. શ્રી કૃષ્ણ અર્જુનના તર્કો શા માટે ક્ષતિપૂર્ણ છે, તે આગામી અધ્યાયોમાં સ્પષ્ટ કરશે.