Bhagavad Gita: Chapter 10, Verse 21

આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન્ ।
મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી ॥૨૧॥

આદિત્યાનામ્—અદિતિનાં બાર પુત્રોમાંથી; અહમ્—હું; વિષ્ણુ:—ભગવાન વિષ્ણુ; જ્યોતિષામ્—સર્વ જ્યોતિઓમાં; રવિ:—સૂર્ય; અંશુ-માન્—તેજસ્વી; મરીચિ:—મરીચિ; મરુતામ્—મરુતોમાંથી; અસ્મિ—(હું) છું; નક્ષત્રાણામ્—તારોમાંથી; અહમ્—હું; શશી—ચંદ્રમા.

Translation

BG 10.21: અદિતિના બાર પુત્રોમાંથી હું વિષ્ણુ છું; જ્યોતિઓમાં હું સૂર્ય છું. મરુતોમાં હું મરીચિ છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું.

Commentary

પુરાણોમાંથી જાણકારી પ્રાપ્ત થાય છે કે કશ્યપ ઋષિને બે પત્નીઓ હતી—અદિતિ અને દિતિ. તેમની પ્રથમ પત્ની તરફથી તેઓ—ધાતા, મિત્રા, આર્યમા, શક્રા, વરુણ, અંશ, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વસ્થા અને વામન—બાર દિવ્ય સંતાનોના પિતા બન્યા. તેમનામાંથી વામન એ ભગવાન વિષ્ણુનો અવતાર હતા. તેથી શ્રીકૃષ્ણ કહે છે કે આદિત્યો (અદિતિનાં બાર પુત્રો)માંથી વિષ્ણુ (વામન અવતારના સ્વરૂપમાં)એ તેમનું ઐશ્વર્ય પ્રગટ કર્યું. સર્વ જ્યોતિર્મય પદાર્થોમાં સૂર્ય સર્વશ્રેષ્ઠ છે.

રામાયણ વર્ણન કરે છે:

            રાકાપતિ ષોડસ ઉઅહિં તારાગન સમુદાઇ,

           સકલ ગિરિન્હ દવ લાઇઅ બિનુ રબિ રાતિ ન જાઇ

“રાત્રિના સમયે સર્વ તારાગણ અને ચંદ્રમાની સાથે સર્વ દીપક ભેગા મળીને પણ રાત્રિનો અંધકાર દૂર કરવા માટે પર્યાપ્ત નથી. પરંતુ જે ક્ષણે સૂર્યનો ઉદય થાય છે, રાત્રિ વિખેરાઈ જાય છે.” સૂર્યનો આવો પ્રભાવ છે, જેને શ્રીકૃષ્ણ પોતાની વિભૂતિ તરીકે પ્રગટ કરે છે.

પશ્ચાત્ તેઓ રાત્રિના આકાશનું વર્ણન કરે છે. એક સુવિખ્યાત  કહેવત છે: “એક ચંદ્રમા સહસ્ર તારાઓ કરતાં શ્રેષ્ઠ છે.” શ્રીકૃષ્ણ કહે છે કે રાત્રિકાળના અવકાશમાં સર્વ નક્ષત્રગણ તેમજ તારાઓના સમુદાયમાં તેઓ ચંદ્રમા છે, કારણ કે તે તેમના ઐશ્વર્યને સર્વોત્તમ  રીતે અભિવ્યક્ત કરે છે.

પુરાણોમાં આગળ વર્ણન મળે છે કે કશ્યપ ઋષિ તેમની દ્વિતીય પત્ની દિતિ દ્વારા દૈત્યોના પિતા બન્યા. જો કે દૈત્યો હોવા છતાં દિતિ ઇન્દ્ર (સ્વર્ગના રાજા)થી પણ અધિક બળવાન પુત્રની કામના રાખતી હતી. તેથી તેણે પોતાના સંતાનને વર્ષપર્યંત ગર્ભમાં જ રહેવા દીધું. પશ્ચાત્ ઇન્દ્રે વજ્રનો ઉપયોગ કરીને તેના ગર્ભના અનેક ટુકડા કરી નાખ્યા, પરંતુ તે અનેક ગર્ભમાં પરિવર્તિત થઈ ગયા. તેઓ મારુત થયા અથવા તો ૪૯ પ્રકારના વાયુઓ બન્યા, જે સમગ્ર બ્રહ્માંડમાં સત્કર્મ સ્વરૂપે પ્રવાહિત થાય છે. તેમના મુખ્યત્વે અવાહ, પ્રવાહ, નિવાહ, પૂર્વાહ, ઉદ્વાહ, સંવાહ તથા પરિવાહ છે. પ્રમુખ વાયુ પરિવાહ તરીકે ઓળખાય છે, જેનું અન્ય નામ મરીચિ છે. શ્રીકૃષ્ણ કહે છે કે તેમની વિભૂતિ “મરીચિ” નામનાં વાયુ તરીકે પ્રગટ થાય છે.