Bhagavad Gita: Chapter 10, Verse 6

મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા ।
મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ ॥૬॥

મહા-ઋષય:—મહર્ષિઓ; સપ્ત—સાત; પૂર્વે—પૂર્વ; ચત્વાર:—ચાર; મનવ:—મનુ; તથા—અને; મત્ ભાવા:—મારાથી જન્મેલા; માનસા:—મન; જાતા:—જન્મેલાં; યેષામ્—જેમનાથી; લોકે—જગતમાં; ઈમા:—આ સર્વ; પ્રજા:—પ્રજા.

Translation

BG 10.6: સપ્ત મહર્ષિગણ, તેમની પૂર્વે થયેલ ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓ, આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે. આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયાં છે.

Commentary

અહીં, શ્રીકૃષ્ણ અસ્તિત્વ ધરાવતા સર્વ તત્ત્વોના તેઓ સ્રોત છે તે અંગે નિરંતર સ્પષ્ટીકરણ આપે છે. અગાઉ તેમણે વીસ પ્રકારની ઊર્મિઓ અંગે વર્ણન કર્યું; હવે તેઓ પચ્ચીસ સિદ્ધ મહાનુભાવોનું વર્ણન કરે છે. તેમાં સપ્તર્ષિઓ, ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓનો સમાવેશ થાય છે. તેઓ તેમનામાંથી જન્મ પામેલા બ્રહ્માંડોની વંશાવળીની રૂપરેખા પણ આપે છે.

બ્રહ્માની ઉત્પત્તિ વિષ્ણુ (ભગવાનનું એ સ્વરૂપ કે જે પ્રાકૃતિક સૃષ્ટિના સંચાલન અને પાલન માટે ઉત્તરદાયી છે)ની હિરણ્યગર્ભ શક્તિમાંથી થઈ હતી. બ્રહ્મામાંથી ચાર મહાન સંતો, સનક, સનંદન, સનત અને સનાતનનો જન્મ થયો હતો. તેઓ ચાર કુમારો તરીકે પણ ઓળખાય છે. આપણા બ્રહ્માંડમાં આ ચાર કુમારો બ્રહ્માનાં જ્યેષ્ઠ સંતાનો છે. તેમનો જન્મ અલૈંગિક રીતે કેવળ તેમનાં પિતાના માનસ દ્વારા થયો હોવાથી તેમની કોઈ માતા નથી. નિત્ય-મુક્ત-આત્મા તેમજ યોગના વિશેષજ્ઞ હોવાથી તેઓ અન્યને આધ્યાત્મિક સાધના દ્વારા મોક્ષ-પ્રાપ્તિ માટે સહાય કરવા સમર્થ હતા. ચાર કુમારો પશ્ચાત્ સાત ઋષિઓ આવ્યા. તેમાં મરીચ, અંગીરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. તેઓ માનવજાતિના પ્રજનન કાર્યથી સંપન્ન હતા. પશ્ચાત્ ચૌદ મનુઓ, સ્વયંભુવ, સ્વરોચીશ, ઉત્તમ, તમસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સાવર્ણિ, દક્ષસાવર્ણિ, બ્રહ્મસાવર્ણિ, ધર્મસાવર્ણિ, રુદ્ર-પુત્ર, રોચ્ય તથા ભૌત્યક વગેરે આવ્યા. તેઓ સ્વર્ગલોકમાંથી મનુષ્યજાતિનું સંચાલન કરવા માટે તથા વૈદિક ધર્મનું સંસ્થાપન તથા રક્ષણ કરવા સમર્થ હતા. વર્તમાન સમયે આપણે સાતમા મનુના યુગમાં છીએ, જેને વૈવસ્વત મન્વન્તર કહેવામાં આવે છે. વર્તમાન કલ્પમાં (બ્રહ્મનો દિવસ) સાત અન્ય મનુઓ હશે.

સ્વર્ગીય લોકમાં કેટલાય દેવતાઓ છે કે જેઓ બ્રહ્માંડના પાલનકાર્યનું નિર્વહન કરે છે. આ સર્વ મહાનુભાવો બ્રહ્માનાં પુત્રો તથા પૌત્રો છે. બ્રહ્મા જે વિષ્ણુમાંથી જન્મ્યા છે અને વિષ્ણુ એ શ્રીકૃષ્ણથી ઉત્પન્ન થયેલું તેમનું અભિન્ન સ્વરૂપ છે. તેથી આપણે એમ કહી શકીએ કે શ્રીકૃષ્ણ સર્વ પ્રપિતામહના મૂળ પ્રપિતામહ છે.