યે ત્વક્ષરમનિર્દેશ્યમવ્યક્તં પર્યુપાસતે ।
સર્વત્રગમચિન્ત્યં ચ કૂટસ્થમચલં ધ્રુવમ્ ॥ ૩॥
સન્નિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ ।
તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ ॥ ૪॥
યે—જે; તુ—પરંતુ; અક્ષરમ્—અવિનાશી; અનિર્દેશ્યમ્—અભિજ્ઞેય; અવ્યક્તમ્—અપ્રગટ; પર્યુપાસતે—ભજે; સર્વત્ર-ગમ્—સર્વવ્યાપી; અચિન્ત્યમ્—અકલ્પનીય; ચ—અને; કૂટ-સ્થમ્—અપરિવર્તિત; અચલમ્—સ્થિર; ધ્રુવમ્—શાશ્વત; સન્નિયમ્ય—સંયમિત કરીને; ઇન્દ્રિય-ગ્રામમ્—ઇન્દ્રિયો; સર્વત્ર—સર્વત્ર; સમ-બુદ્ધય:—સમદર્શી; તે—તેઓ; પ્રાપ્નુવન્તિ—પ્રાપ્ત કરે છે; મામ્—મને; એવ—જ; સર્વ-ભૂત-હિતે—સર્વ જીવનાં કલ્યાણ અર્થે; રતા:—પરાયણ.
BG 12.3-4: પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે કે જે અવિનાશી, અનિર્દેશ્ય, અપ્રગટ, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનીય, શાશ્વત તથા અવિચળ છે, તેવા લોકો પણ અન્ય જીવોનાં કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
સાકાર સ્વરૂપની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે એમ કહીને, શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે તેઓ કોઈપણ દૃષ્ટિએ નિરાકાર સ્વરૂપની ઉપાસનાનો અસ્વીકાર કરતા નથી. જે લોકો સર્વવ્યાપક, અનિર્દેશ્ય, અપ્રગટ, અચિંત્ય, અવિચળ, શાશ્વત બ્રહ્મને સમર્પિત રહે છે તેઓ પણ ભગવદ્-પ્રાપ્તિ કરે છે.
જીવંત પ્રાણીઓની પ્રકૃતિઓમાં અનંત વૈવિધ્ય છે. જે પરમ તત્ત્વએ આ વૈવિધ્યનું સર્જન કર્યું છે, તેમની વિભૂતિઓના તત્ત્વમાં પણ અનંત વૈવિધ્ય છે. આપણી સીમિત સમજને કારણે આપણે ભગવાનનાં અનંત પ્રાગટ્યોને શ્રેણીઓમાં વર્ગીકૃત કરીએ છીએ. તદ્દનુસાર, વેદ વ્યાસજીએ ભગવાનનાં વિવિધ પ્રાગટ્યોને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કર્યું છે: બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાન, જેનો ઉલ્લેખ અગાઉના શ્લોકમાં પણ કર્યો છે. કોઈપણ વ્યક્તિ આમાંથી કોઈપણ પ્રકારની ભક્તિ કરી શકે છે, પરંતુ કોઈએ કદાપિ એવો દાવો કરવો જોઈએ નહીં કે ભગવાન અંગેની એકમાત્ર તેમની વિભાવના જ સત્ય છે અને અન્ય સર્વ ખોટી છે.
શ્લોક સં. ૪.૧૧માં શ્રીકૃષ્ણ જણાવે છે: “જે કોઈ માર્ગે લોકો મને શરણાગત થાય છે, હું તે જ પ્રમાણે તેમને પ્રતિફળ પ્રદાન કરું છે. હે પૃથાપુત્ર! પ્રત્યેક વ્યક્તિ સર્વ રીતે મારા માર્ગનું અનુસરણ કરે છે.” અહીં, શ્રીકૃષ્ણ સુનિશ્ચિત કરે છે કે નિરાકારના ઉપાસકો પણ તેમના સુધી પહોંચી શકે છે. તેમની પસંદ પરમ વાસ્તવિક તત્ત્વનાં નિર્ગુણ પ્રાગટ્ય સાથે ઐક્ય સાધવાની હોવાથી ભગવાન તેમને અપ્રગટ, સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપે પ્રાપ્ત થાય છે.