ઉત્ક્રામન્તં સ્થિતં વાપિ ભુઞ્જાનં વા ગુણાન્વિતમ્ ।
વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ ॥ ૧૦॥
ઉત્કામન્તમ્—છોડતાં; સ્થિતમ્—રહેતાં; વા અપિ—અથવા; ભુન્જાનમ્—ભોગવતાં; વા—અથવા; ગુણ-અન્વિતમ્—માયિક પ્રકૃતિનાં ગુણોના પ્રભાવ હેઠળ; વિમૂઢા:—મૂર્ખ મનુષ્યો; ન—નહીં; અનુપશ્યન્તિ—જાણી શકે છે; પશ્યન્તિ—જોવે છે; જ્ઞાન-ચક્ષુષ:—જ્ઞાનરૂપી આંખો ધરાવતા.
BG 15.10: શરીરમાં નિવાસ કરતા અને ઇન્દ્રિય વિષયોને ભોગવતા આત્માનો બોધ વિમૂઢ મનુષ્યોને થતો નથી, કે જયારે તે વિદાય લે છે ત્યારે પણ તેનો બોધ થતો નથી. પરંતુ જેઓ જ્ઞાનરૂપી ચક્ષુ ધરાવે છે તેઓ તેને જોઈ શકે છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
યદ્યપિ આત્મા શરીરમાં સ્થિત છે અને મન તથા ઈન્દ્રિયોના પ્રત્યક્ષીકરણને ભોગવે છે, છતાં પ્રત્યેક મનુષ્ય તેને જાણી શકતા નથી. તેનું કારણ એ છે કે આત્મા અમાયિક છે અને તેને માયિક ઈન્દ્રિયો દ્વારા જોઈ કે સ્પર્શી શકાતો નથી. વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં તેમનાં ઉપકરણો દ્વારા પણ તેને શોધી શકતા નથી, તેથી તેમણે શરીર જ ‘સ્વ’ છે એવો નિષ્કર્ષ તારવવાની ભૂલ કરી છે. આ એક મિકેનિક દ્વારા જ્ઞાત કરવાના પ્રયાસ સમાન છે કે ગાડી કેવી રીતે ચાલે છે. તે પાછલા પૈડાની ગતિવિધિની ચકાસણી કરે છે, એક્સેલરેટર, ઈગ્નીશન સ્વીચ અને સ્ટીયરીંગ વ્હિલનું નિરીક્ષણ કરે છે. આ સર્વને એક વાહનચાલક કાર્યાન્વિત કરે છે, તે સમજ્યા વિના ગાડીની ગતિશીલતા માટે તે મિકેનિક આ સર્વને કારણરૂપ માને છે. તે જ રીતે, આત્માના અસ્તિત્ત્વના જ્ઞાનના અભાવમાં શરીરશાસ્ત્રીઓ એવું તારણ કાઢે છે કે, શરીરના અંગ-અવયવો જ એક સાથે મળીને શરીરના પ્રાણનો સ્રોત છે.
પરંતુ જેઓ આધ્યાત્મિકતાના માર્ગે ચાલે છે, તેઓ જ્ઞાનરૂપી ચક્ષુઓથી જોઈ શકે છે કે, શરીરનાં આ અંગ-અવયવોને આત્મા જ શક્તિથી સંપન્ન કરે છે. જ્યારે તે વિદાય લે છે ત્યારે ભૌતિક શરીરનાં હૃદય, મગજ, ફેફસાં, વગેરે જેવાં વિવિધ સર્વ અંગો અહીં જ હોવા છતાં પણ ચેતનાનું અસ્તિત્ત્વ સમાપ્ત થઇ જાય છે. ચેતના એ આત્માનું લક્ષણ છે; તે શરીરમાં ત્યાં સુધી ઉપસ્થિત રહે છે જ્યાં સુધી આત્મા ઉપસ્થિત રહે છે અને જયારે આત્મા શરીર છોડી દે છે, ત્યારે તે પણ શરીર છોડી દે છે. જેઓ જ્ઞાનરૂપી ચક્ષુઓ ધરાવે છે, કેવળ તેઓ જ આ જોઈ શકે છે. શ્રીકૃષ્ણ અહીં કહે છે કે, વિમૂઢ લોકો તેમની પોતાની દિવ્યતાથી અનભિજ્ઞ હોય છે અને પાર્થિવ શરીરને જ ‘સ્વ’ માને છે.