યતન્તો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્ ।
યતન્તોઽપ્યકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ॥ ૧૧॥
યતન્ત:—પ્રયાસ કરતા; યોગિન:—યોગીઓ; ચ—પણ; એનમ્—આ (આત્મા); પશ્યન્તિ—જોઈ શકે છે; આત્મનિ—શરીરમાં; અવસ્થિતમ્—પ્રતિષ્ઠાપિત; યતન્ત:—પ્રયાસ કરતા; અપિ—છતાં પણ; અકૃત-આત્માન:—જેમનું મન શુદ્ધ નથી; ન—નહીં; એનમ્—આ; પશ્યન્તિ—જોવે છે; અચેતસ:—અચેત.
BG 15.11: ભગવદ્દ પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા યોગીઓ પણ શરીરમાં પ્રતિષ્ઠાપિત આત્માની અનુભૂતિ કરવા માટે સમર્થ હોય છે. પરંતુ જેમનું મન વિશુદ્ધ હોતું નથી, તેઓ એમ કરવાનો પ્રયાસ કરે તો પણ તેમને તેની જાણ થતી નથી.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
જ્ઞાન પ્રાપ્તિ માટે કેવળ પ્રયાસ કરવો એ પર્યાપ્ત નથી; આપણા પ્રયાસો ઉચિત દિશા તરફ નિર્દેશિત હોવા જોઈએ. મનુષ્યોની એ ભૂલ છે કે, તેઓ દિવ્ય તત્ત્વોને એ જ સાધનો દ્વારા જાણવાનો પ્રયાસ કરે છે, કે જે સાધનો દ્વારા તેઓ સંસારને જાણવાનો પ્રયાસ કરે છે. તેઓ સર્વ જ્ઞાનની સત્યતા અને અસત્યતાનો નિર્ણય લેવા માટે તેમની ઇન્દ્રિયોની સમજશક્તિ અને બુદ્ધિના બળનો આધાર લે છે. તેઓની એવી ધારણા હોય છે કે જો તેમની ઈન્દ્રિયોને જેનો બોધ થતો નથી અને તેમની બુદ્ધિ જેને સમજી શકતી નથી, તો તે તત્ત્વનું પોતાનું કોઈ અસ્તિત્ત્વ હોઈ શકે નહિ; અને કારણ કે, આત્માને તેમની ઇન્દ્રિયો દ્વારા જાણી નથી શકાતો, તેથી તેઓ એવો નિષ્કર્ષ તારવી લે છે કે, આત્મા જેવું કોઈ તત્ત્વ જ નથી. એલેક્સિસ કેરલ તેમના પુસ્તક ‘મેન ધ અનનોન’ (Man the Unknown) માં વર્ણન કરતાં કહે છે કે, “આપણા મનની એ અસ્વીકાર કરવાની પ્રાકૃતિક વૃત્તિ છે કે, જે આપણા સમયની વૈજ્ઞાનિક અને દાર્શનિક માન્યતાઓના ચોકઠાને અનુરૂપ નથી. આખરે વૈજ્ઞાનિકો પણ માનવમાત્ર જ છે. તેઓ તેમના વાતાવરણ અને યુગના પૂર્વગ્રહોથી પ્રભાવિત હોય છે. તેઓ સ્વેચ્છાએ માને છે કે જે તથ્યોને વર્તમાનના સિદ્ધાંતો દ્વારા સમજાવી શકાય નહીં, તેમનું કોઈ અસ્તિત્ત્વ હોતું નથી. હજી પણ વૈજ્ઞાનિકો દૂર-સંવેદન (telepathy) અને અતિભૌતિક (metaphysical)ની ઘટનાઓને ભ્રમ જ માને છે. દર્શનીય તથ્યોનું રૂઢિવાદની પ્રતીતિમાં દમન થઈ ગયું છે.”
ન્યાય-દર્શન આ પ્રકારની વિચારધારાને કૂપ-મંડૂક-ન્યાય (કૂવાનાં દેડકાનો તર્ક) તરીકે ઓળખે છે. એક દેડકો કૂવામાં રહેતો હતો અને તેના પોતાના નિવાસના પરિમાણોથી પૂર્ણ પરિચિત હતો. એક દિવસ, રાના કેન્ક્રીવોરા (સમુદ્રમાં રહેતા દેડકાઓની એક જાતિ) કૂવામાં આવી ચડયો. તેમણે એકબીજા સાથે વાર્તાલાપ આરંભ કર્યો. કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાને પૂછયું, “તું જ્યાંથી આવ્યો છે, તે સમુદ્ર કેટલો મોટો છે?” રના કેન્ક્રીવોરાએ ઉત્તર આપ્યો કે, “તે અતિ વિશાળ છે.” “શું તે આ કૂવા કરતાં પાંચ ગણો મોટો છે?” “ના, તેનાથી પણ ઘણો મોટો.” “શું તે આ કૂવા કરતાં દસ ગણો મોટો છે?” “ના, તેનાથી પણ મોટો.” “સો ગણો?” “ના, એ તો કંઈ જ નથી. તેના કરતાં તો ઘણો મોટો છે.” “તું અસત્ય કહે છે.” કૂવાના દેડકાએ કહ્યું, “કોઈ પણ વસ્તુ આ કૂવા કરતાં સો ગણાથી અધિક વિશાળ કેવી રીતે હોઈ શકે?” તેની બુદ્ધિ તેના જીવન પર્યન્તના કૂવાના અનુભવોને કારણે અભિસંધિત થઈ ગઈ હતી, પરિણામે તે વિશાળ સમુદ્રની કલ્પના કરી શકતો ન હતો. સમાન રૂપે, તેમની સૂક્ષ્મ બુદ્ધિના સીમિત અનુભવો દ્વારા ભૌતિક મનુષ્યો અલૌકિક આત્માના અસ્તિત્ત્વની શકયતાનો સ્વીકાર કરતા નથી. પરંતુ, જે લોકો આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેઓ અનુભવે છે કે તેમની લૌકિક બુદ્ધિના કાર્યક્ષેત્રની પરિધિથી ઉપર કોઈ જ્ઞાન છે. તેઓ વિનમ્રતા અને શ્રદ્ધા સાથે, આધ્યાત્મિક માર્ગ પર ચાલવાનો આરંભ કરે છે તથા તેમનાં અંત:કરણની શુદ્ધિને ઉદ્દેશ્ય બનાવે છે. જયારે મન વિશુદ્ધ થઈ જાય છે ત્યારે પ્રાકૃતિક રીતે આત્માની ઉપસ્થિતિનો બોધ થાય છે. પશ્ચાત્ સાક્ષાત્કાર દ્વારા શાસ્ત્રોના સત્યનો અનુભવ થાય છે.
જે રીતે ઈન્દ્રિયો આરંભમાં આત્માનો બોધ પામતી નથી, તે જ પ્રમાણે ભગવાન પણ તેમના કાર્યક્ષેત્રની પરિધિમાં હોતા નથી. તેમને જ્ઞાનરૂપી ચક્ષુઓ દ્વારા જાણવા પડે છે. આગામી શ્લોકમાં શ્રીકૃષ્ણ, ભગવાનના અસ્તિત્ત્વનો બોધ પામવાની વિધિનું વર્ણન કરે છે.