ન તદ્ભાસયતે સૂર્યો ન શશાઙ્કો ન પાવકઃ ।
યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥ ૬॥
ન—નહીં; તત્—તે; ભાસયતે—પ્રકાશિત કરે છે; સૂર્ય:—સૂર્ય; ન—નહીં; શશાંક:—ચંદ્ર; ન—નહીં; પાવક:—અગ્નિ; યત્—જ્યાં; ગત્વા—જાય છે; ન—કદાપિ નહીં; નિવર્તન્તે—પરત આવે છે; તત્—તે; ધામ—ધામ; પરમમ્—પરમ; મમ્—મારું.
BG 15.6: ન તો સૂર્ય કે ન ચંદ્ર કે ન અગ્નિ મારા પરમ ધામને પ્રકાશિત કરી શકે છે. ત્યાં ગયા પશ્ચાત્ કોઈ આ માયિક વિશ્વમાં પુન: પરત આવતું નથી.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
અહીં, શ્રીકૃષ્ણ દિવ્ય ક્ષેત્રના સ્વરૂપનો લાઘવમાં પરિચય આપે છે. આ આધ્યાત્મિક ધામને પ્રકાશિત કરવા માટે સૂર્ય, ચંદ્ર કે અગ્નિની આવશ્યકતા નથી, કારણ કે, તે પ્રાકૃતિક રીતે જ સ્વયં-પ્રકાશિત છે. માયિક ક્ષેત્ર માયિક શક્તિ દ્વારા નિર્મિત છે જયારે દિવ્ય ક્ષેત્ર આધ્યાત્મિક શક્તિ, યોગમાયા દ્વારા રચિત છે. તે માયિક પ્રકૃતિના દ્વન્દ્વ તથા દોષોથી પરે છે અને સર્વ દૃષ્ટિએ સંપૂર્ણ છે. તે સત્-ચિત્-આનંદ એટલે કે, શાશ્વતતા, જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ છે.
તે દિવ્ય ધામમાં આધ્યાત્મિક આકાશ નિહિત છે, જેને પરવ્યોમ કહેવામાં આવે છે અને જેમાં ભગવદીય ઐશ્વર્ય તથા તેજથી પરિપૂર્ણ અનેક ધામો સમાવિષ્ટ છે. આ આકાશમાં કૃષ્ણ, રામ, નારાયણ વગેરે જેવાં ભગવાનના સર્વ શાશ્વત સ્વરૂપો તેમનાં ધામો ધરાવે છે, જ્યાં તેઓ તેમના ભક્તો સાથે નિત્ય નિવાસ કરે છે અને દિવ્ય લીલાઓમાં તલ્લીન રહે છે. બ્રહ્મા શ્રીકૃષ્ણની પ્રાર્થના કરતા વર્ણન કરે છે:
ગોલોકનામ્નિ નિજધામ્નિ તલે ચ તસ્ય
દેવી મહેશ-હરિ-ધામસુ તેષુ તેષુ
તે તે પ્રભાવનિચયા વિહિતાશ્ચ યેન
ગોવિન્દમ્ આદિપુરુષં તમહં ભજામિ (બ્રહ્મ સંહિતા શ્લોક ૪૩)
“આધ્યાત્મિક આકાશમાં શ્રીકૃષ્ણનું નિજ ધામ ગોલોક છે. તે આધ્યાત્મિક આકાશમાં નારાયણ, શિવ, દુર્ગા વગેરેનાં ધામ પણ નિહિત છે. હું પરમ દિવ્ય આદિ પુરુષ શ્રીકૃષ્ણની આરાધના કરું છે, જેમના ઐશ્વર્યના પ્રભાવથી આ સંભવ છે.” શ્રીકૃષ્ણના દિવ્ય ધામ ગોલોક અંગે બ્રહ્મા આગળ વર્ણન કરતાં કહે છે:
આનન્દ-ચિન્મય-રસ-પ્રતિભાવિતાભિ-
સ્તાભિર્ય એવ નિજરૂપતયા કલાભિઃ
ગોલોક એવ નિવસત્યખિલાત્મભૂતો
ગોવિન્દમ્ આદિ-પુરુષં તમહં ભજામિ (બ્રહ્મ સંહિતા શ્લોક ૩૭)
“હું પરમ પૂર્ણ ભગવાન ગોવિંદની આરાધના કરું છું, જેઓ તેમના સ્વયંનાં સ્વરૂપનું વિસ્તરણ રાધાજી સાથે ગોલોકમાં નિવાસ કરે છે. સખીઓ તેમની સનાતન પરિકરો છે, જે નિત્ય આનંદની પરિપૂર્ણ આધ્યાત્મિક ઊર્જાથી સદૈવ પ્રસન્ન રહે છે અને જે ચોસઠ કળા-કૌશલ્યોની મૂર્તિ સમાન છે.” જે ભક્તો ભગવદ્દ-ધામ પ્રાપ્ત કરે છે અને તેમના દિવ્ય ધામમાં જાય છે, તેઓ આધ્યાત્મિક શક્તિની પરિપૂર્ણતાથી પરિપ્લુત તેમની દિવ્ય લીલાઓનો ભાગ બને છે. શ્રીકૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે જે આત્માઓ ત્યાં જાય છે, તેઓ જન્મ અને મૃત્યુના સંસાર ચક્રને પાર કરી જાય છે.