શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ।
ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત્ ॥ ૮॥
શરીરમ્—શરીર; યત્—જેમ; અવાપ્નોતિ—ધારણ કરે છે; યત્—જેમ; ચ અપિ—તેમજ; ઉત્ક્રામતિ—ત્યાગે છે; ઈશ્વર:—દેહધારી આત્માના માયિક શરીરના સ્વામી; ગૃહીત્વા—ગ્રહણ કરે છે; એતાનિ—આ; સંયાતિ—ચાલ્યો જાય છે; વાયુ:—હવા; ગન્ધાન્—ગંધ; ઈવ—જેમ; આશયાત્—વહન કરે છે.
BG 15.8: જે રીતે વાયુ સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, તેવી રીતે દેહધારી આત્મા જયારે તે જૂના શરીરનો ત્યાગ કરે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની સાથે મન તથા ઇન્દ્રિયોને લઈ જાય છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
અહીં આત્માની દેહાંતરણની ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે માટે પુષ્પોની સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા વાયુનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. એ જ પ્રમાણે, જયારે મૃત્યુ સમયે આત્મા વિદાય લે છે ત્યારે તે સ્થૂળ શરીરનો ત્યાગ કરે છે. પરંતુ, તે સૂક્ષ્મ અને કારણ શરીર, જેની સાથે મન તથા ઇન્દ્રિયો પણ સમાવિષ્ટ હોય છે તેને સાથે લઈ જાય છે. (શ્લોક સં. ૨.૨૮માં શરીરનાં ત્રણ પ્રકારોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.)
પ્રત્યેક જન્મમાં જયારે આત્મા નવું શરીર પ્રાપ્ત કરે છે, ત્યારે તેની સાથે મન તેના પૂર્વ જન્મોની નિરંતરતા સાથે યાત્રા કરે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે જન્મથી અંધ વ્યક્તિ પણ કેવી રીતે સ્વપ્ન જોઈ શકે છે. સામાન્યત: સ્વપ્ન એ આપણી દૃષ્ટિ અને વિચારોનો વિપર્યય હોય છે, જે જાગૃત અવસ્થામાં અસંબદ્ધ રહે છે અને નિદ્રા દરમ્યાન સંબદ્ધ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ઉડતા પક્ષીને જોઈને વિચારે કે, “જો હું પણ પક્ષી હોત તો કેવું સારું થાત.” તે સ્વપ્નમાં પોતાને માનવ શરીર સાથે ઉડતા જોવે છે. જાગૃત અવસ્થાના અસંબદ્ધ દૃષ્ટિ અને વિચારો સ્વપ્નાવસ્થા સાથે સંબદ્ધ થવાના કારણે આમ થયું. જે વ્યક્તિ જન્મથી જ અંધ છે તેણે કોઈ રૂપો કે આકારો જોયા હોતા નથી અને છતાં તે વ્યક્તિ સ્વપ્ન જોઈ શકે છે, કારણ કે, અનંત પૂર્વ જન્મોથી જાગૃત અવસ્થાના સ્મરણોનો તેના અર્ધ ચેતન મનમાં સંગ્રહ થયેલો હોય છે. શરીરનો ત્યાગ કરતા સમયે આત્મા મન તથા ઇન્દ્રિયોને સાથે લઈ જાય છે, તે અંગે સ્પષ્ટતા કરીને શ્રીકૃષ્ણ હવે આગામી શ્લોકમાં આત્મા તેનું શું કરે છે, તેનું વર્ણન કરે છે.