Bhagavad Gita: Chapter 15, Verse 9

શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ ।
અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ॥ ૯॥

શ્રોત્રમ્—કર્ણ; ચક્ષુ:—નેત્રો; સ્પર્શનમ્—સ્પર્શેન્દ્રિય; ચ—અને; રસનમ્—જીહ્વા; ઘ્રાણમ્—નાક; એવ—પણ; ચ—અને; અધિષ્ઠાય—આસપાસ એકત્રિત; મન:—મન; ચ—પણ; અયમ્—તેઓ; વિષયાન્—ઈન્દ્રિય વિષયો; ઉપસેવતે—ભોગવે છે.

Translation

BG 15.9: કર્ણ, નેત્રો, ત્વચા, જિહ્વા અને નાક—કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત થયેલા હોય છે—તેમના પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કરીને, આત્મા ઈન્દ્રિય વિષયોનો ભોગ કરે છે.

Commentary

આત્મા દિવ્ય હોવાના કારણે પ્રત્યક્ષ રીતે સ્વાદ, સ્પર્શ, સુગંધ, દર્શન કે શ્રવણ કરી શકતો નથી, તો પછી તે આ બધા ભોગને કેવી રીતે ગ્રહણ કરે છે? તેનો ઉત્તર છે કે, મન તથા ઈન્દ્રિયો તેને સહાય કરે છે. વાસ્તવમાં ઈન્દ્રિયો અને મન અચેતન હોય છે, પરંતુ તેઓ આત્માની ચેતનાથી ઊર્જિત થાય છે અને જીવંત થઈ જાય છે. તેથી, તેઓ વિષયો, પરિસ્થિતિઓ, વિચારો અને મનુષ્યો પ્રત્યે સુખ અને દુઃખનો બોધ ગ્રહણ કરે છે. અહંકારને કારણે આત્મા મન અને ઈન્દ્રિયો સાથે તાદાત્મ્ય અનુભવે છે અને પરોક્ષ રીતે સમાન સુખોનો અનુભવ કરે છે.

સમસ્યા એ છે કે, આત્મા દિવ્ય છે અને તે જે સુખનો અનુભવ કરે છે તે માયિક છે. તેથી, મન તથા ઇન્દ્રિયો ગમે તેટલાં સુખો પ્રદાન કરે, પરંતુ આત્મા અસંતૃપ્ત જ રહે છે. પોતાનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત નથી થયું, એ ભાવના નિરંતર રહે છે તથા વાસ્તવિક તુષ્ટિ પ્રદાન કરે તેવા પૂર્ણ સુખની શોધ અવિરત ચાલુ રહે છે. અમેરિકન તત્વજ્ઞાની રાલ્ફ વેલ્ડો એમર્સન આ વિષયને સુચારુરૂપે આલેખે છે: “આપણે સ્વીકારીએ છીએ કે માનવ જીવન નિકૃષ્ટ છે. પરંતુ આપણને એ કેવી રીતે જ્ઞાત થયું કે તે નિકૃષ્ટ છે? આ પુરાતન અતૃપ્તિની બેચેનીનું કારણ શું છે? આ કામનાઓ અને અજ્ઞાનતાનું વૈશ્વિક સત્ય શું છે કે પછી તે કેવળ કટાક્ષ છે કે જેના દ્વારા આત્મા તેના વિપુલ દાવાઓ કરે છે?” એક અન્ય પ્રખ્યાત તત્ત્વદર્શી મિસ્ટર એકહાર્ટ વર્ણન કરે છે: “આત્મામાં કંઈક એવું છે કે જે જીવંત પ્રાણીથી વિશેષ છે, દિવ્ય અને સરળ છે. આ પ્રકાશ કેવળ પરમ આવશ્યક તત્ત્વથી સંતૃપ્ત થાય છે.”

આત્મા જે અનંત, શાશ્વત અને દિવ્યાનંદની ઝંખના કરે છે, તે કેવળ ભગવાનથી પ્રાપ્ત થઈ શકે છે. જયારે વ્યક્તિને આ અનુભૂતિ થાય છે ત્યારે એ જ ઈન્દ્રિયો અને મન જે બંધનનું કારણ હતાં, તેને ભગવાનની દિશામાં ઉન્મુખ કરી શકાય છે અને તેમને ભક્તિના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. આનું ઉચિત દૃષ્ટાંત સંત તુલસીદાસ હતા, જેમણે હિન્દી રામાયણની રચના કરી. તેમની યુવાવસ્થામાં તેઓ તેમની પત્ની પ્રત્યે પ્રગાઢ આસક્તિ ધરાવતા હતા. એક વાર તેમની પત્ની તેમના માતા-પિતાના ઘરે થોડા દિવસો માટે રહેવા માટે ગઈ. ત્યારે તુલસીદાસ તેને મળવા માટે અતિ ઉત્સુક થઈ ગયા. તેમણે તેમની પત્નીના પિયરે જવા માટે પગપાળા પ્રસ્થાન કર્યું. પરંતુ રસ્તામાં એક નદી આવતી હતી અને અતિ મુશળધાર વરસાદના કારણે કોઈ નાવિક તેમને સામે કિનારે લઈ જવા માટે તૈયાર ન હતો. ત્યાં એક મૃતદેહ તરતો હતો. પોતાની પત્નીને મળવાની તીવ્ર ઉત્કંઠામાં લિપ્ત તુલસીદાસે તેને લાકડાનો મોટો તરાપો માની લીધો. તેઓ તેને વળગી પડયા અને સામે કિનારે પહોંચી ગયા. તેમની પત્ની કે જે બીજા માળ પર રહેતી હતી, તેને મળવાની કામના તેમના પર હાવી થઈ ગઈ હતી. ત્યાં ઘરની બહાર એક સાપ દીવાલ પર લટકતો હતો. તુલસીદાસે ધ્યાનપૂર્વક જોયું નહિ અને તેને દોરડું માની લીધું. આમ, મુખ્ય દરવાજો ખખડાવીને સમય વ્યર્થ ગુમાવવાના બદલે તેઓ સાપને પકડીને ઉપર ચડી ગયા. જયારે તેઓ બારીમાંથી કૂદીને અંદર આવ્યા ત્યારે તેમની પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે તેમને પૂછયું કે તેમણે કેવી રીતે નદી પાર કરી અને દીવાલ પર ચડીને કેવી રીતે આવ્યા. ત્યારે તેમણે જણાવ્યું કે ભૂલવશ મૃતદેહને લાકડાનો તરાપો અને સાપને દોરડું માની લીધું હતું. તેમની પત્ની મૃતદેહ અને સાપને જોઈને ડઘાઈ ગઈ. તેણે કહ્યું, “તમને આ હાડમાંસ અને રક્તથી બનેલા શરીર પ્રત્યે આટલી બધી આસક્તિ છે. જો તમને આવી તીવ્ર આસક્તિ ભગવાન પ્રત્યે હોત તો તમારે પુન: જન્મ લઈને આ દુનિયામાં આવવું પડત નહી.” પત્નીના આ શબ્દો તુલસીદાસના હ્રદયને વીંધી ગયા. તેમને તેમની મૂર્ખતા સમજાઈ અને તેમને વૈરાગ્ય આવી ગયો. તેમણે ગૃહત્યાગ કર્યો અને ભક્તિ-પરાયણ થઈ ગયા. જે મન અને ઈન્દ્રિયોની કામનાઓએ તેમને ભૂતકાળમાં કષ્ટ આપ્યું હતું, એ જ મન અને ઈન્દ્રિયોની કામનાઓને તેમણે ભગવાનની દિશામાં ઉન્મુખ કરી દીધા. આ પ્રમાણે, ભક્તિ દ્વારા તેમણે પોતાને વિશુદ્ધ કર્યા અને મહાન સંત કવિ તુલસીદાસ બન્યા. પશ્ચાત્ તેમણે લખ્યું છે:

           કામિહિ નારિ પિઆરિ જિમિ લોભિહિ પ્રિય જિમિ દામ,

           તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિ રામ (રામાયણ)

“જે રીતે કામી મનુષ્યને સુંદર સ્ત્રી પ્રિય લાગે છે અને લોભી મનુષ્યને ધન પ્રિય લાગે છે, તેવી રીતે મારું મન નિરંતર ભગવાન શ્રીરામની કામના કરે.”

Swami Mukundananda

15. પુરુષોત્તમ યોગ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
Subscribe by email

Thanks for subscribing to “Bhagavad Gita - Verse of the Day”!