સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ ।
મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ્ ॥ ૫૬॥
સર્વ—સર્વ; કર્માણિ—કર્મો; અપિ—જો કે; સદા—હંમેશા; કુર્વાણ:—કરતો; મત્-વ્યપાશ્રય:—મારા પૂર્ણ આશ્રયમાં; મત્-પ્રસાદાત્—મારી કૃપાથી; અવાપ્નોતિ—પ્રાપ્ત કરે છે; શાશ્વતમ્—સનાતન; પદમ્—ધામ; અવ્યયમ્—અવિનાશી.
Translation
BG 18.56: મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતાં હોવા છતાં મારાં સંપૂર્ણ આશ્રયમાં રહે છે. મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે.
Commentary
શ્રીકૃષ્ણે અગાઉના શ્લોકમાં સ્પષ્ટ કર્યું કે ભક્તિ દ્વારા ભક્તો તેમના પૂર્ણ જ્ઞાનમાં પ્રવેશે છે. તેનાથી સંપન્ન થઈને તેઓ સર્વને ભગવાન સાથે સંબંધિત જોવે છે. તેઓ તેમનાં શરીર, મન અને બુદ્ધિને ભગવાનની શક્તિનાં સ્વરૂપે જુએ છે; તેઓ ભૌતિક મિલકતોને ભગવાનની સંપત્તિ તરીકે જુએ છે; તેઓ સર્વ જીવોને ભગવાનનાં અંશ સ્વરૂપે જુએ છે અને તેઓ પોતાને તેમનાં સાધારણ દાસ તરીકે જોવે છે. એવી દિવ્ય ચેતનામાં, તેઓ કર્તવ્યોનો ત્યાગ કરતા નથી, પરંતુ તેઓ કર્તા તરીકેના તથા કર્મના ભોક્તા તરીકેના અહંકારનો ત્યાગ કરે છે. તેઓ સર્વ કાર્યોને ભગવાનની સેવા સ્વરૂપે જુએ છે અને તેનાં પાલન માટે તેઓ પૂર્ણપણે ભગવાન પર આશ્રિત રહે છે.
પશ્ચાત્, તેમનો દેહત્યાગ કરીને તેઓ ભગવાનનાં દિવ્ય ધામમાં જાય છે. જે પ્રમાણે, માયિક ક્ષેત્ર માયિક શક્તિ દ્વારા રચિત છે, તે જ પ્રમાણે, દિવ્ય ક્ષેત્ર આધ્યાત્મિક શક્તિ દ્વારા બન્યું છે. તેથી, તે માયિક પ્રકૃતિના દોષોથી મુક્ત છે અને સર્વ પ્રકારે પૂર્ણ છે. તે સત્-ચિત્-આનંદ એટલે કે શાશ્વતતા, જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ છે. શ્રીકૃષ્ણે શ્લોક સં. ૧૫.૬માં તેમના દિવ્ય ક્ષેત્ર અંગે કહ્યું હતું: “ન તો સૂર્ય કે ન તો ચન્દ્ર, કે ન તો અગ્નિ મારા પરમધામને પ્રકાશિત કરી શકે છે. ત્યાં ગયા પશ્ચાત્ કોઈ આ માયિક સંસારમાં પુન: પાછું આવતું નથી.”
આધ્યાત્મિક ક્ષેત્રમાં ભગવાનનાં વિવિધ સ્વરૂપોના પોતાના અંગત ધામ છે, જ્યાં તેઓ તેમનાં ભક્તો સાથે શાશ્વત પ્રેમ-લીલાઓમાં વ્યસ્ત રહે છે. જેઓ તેમના પ્રત્યેની નિષ્કામ પ્રેમ-સેવામાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે, તેઓ તેમના ભગવાનના આરાધ્ય સ્વરૂપનાં ધામમાં જાય છે. એ પ્રમાણે, શ્રીકૃષ્ણના ભક્તો ગોલોક જાય છે; ભગવાન વિષ્ણુનાં ભક્ત વૈકુંઠ જાય છે; શ્રી રામના ભક્તો સાકેત લોક જાય છે; ભગવાન શિવના ભક્તો શિવલોક જાય છે; મા દુર્ગાના ભક્તો દેવીલોક જાય છે. જે ભક્તો આ દિવ્ય ધામોમાં પહોંચે છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરીને, તેમની દિવ્ય લીલાઓમાં ભાગ લે છે, જે આધ્યાત્મિક શક્તિની પરિપૂર્ણતાથી પરિપ્લુત હોય છે.